ગુજરાતમાં હવે પંચાયત-પાલિકાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે ચૂંટણીપંચના આદેશથી ગુજરાત પોલીસે તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્યમાં પંચાયત-પાલિકાની ચૂંટણી સમયે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે અને મતદારો શાંતિપૂર્ણ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ હેતુ ગુજરાત પોલીસને સ્ટેન્ડ-ટુમાં રહેવાના આદેશ ડીજીપીએ જાહેર કર્યા છે.
લોકશાહીના મહાપર્વ મતોત્સવ વિના વિધ્ને પસાર થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં અંદાજે 3 કરોડ કરતાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ હેતુથી ગુજરાત પોલીસે આગોતરૂ આયોજન કર્યું છે. રાજ્યમાં 28 ફેબ્રુઆરીએ 31 જિલ્લાપંચાયત – 231 તાલુકાપંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. દરમિયાન ગુજરાત પોલીસ માટે સમગ્ર રાજ્યમાં સ્ટેન્ડ-ટુના આદેશ જારી કરવામાં આવ્યા છે.
પંચાયત-પાલિકાની આયોજીત ચૂંટણીના મતદાન દરમિયાન આંચરરાજ્ય સરહદ ઉપર 97 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત 437 આંતરિક ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. ગુજરાત પોલીસે 23 હજાર 932 મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબ્સત તૈનાત કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પોલીસ બંદોબલ્ત હેતુ પોલીસ કંપની ફાળવવામાં આવી છે. ગુજરાત પોલીસના વર્તમાન કુલ મહેકમના 80 ટકા મહેકમ ચૂંટણી પ્રક્રિયા માટે ફાળવવામાં આવ્યું છે.
પોલીસ હોદ્દો – પોલીસસંખ્યા
- ગુજરાત પોલીસકોન્સ્ટેબ્યુલરી – 26000
- ગુજરાત પોલીસ અધિકારી – 2800
- વિશેષ બંદોબસ્ત
- ડીવાયએસપી – 13
- પી.આઇ. – 30
- પી.એસ.આઇ. – 34
- પોલીસકોન્સ્ટેબલ – 15000
- એસઆરપી કંપની – 64 કંપની
- હોમગાર્ડ જવાનો-જીઆરડી – 54500
પંચાયત-પાલિકાના મતદાનમથકો પર સતત પેટ્રોલીંગ રાખવા પૂરતા પોલીસ અધિકારીઓ , પોલીસ વાહન અને સ્ટ્રાઇકીંગ ફોર્સ પેટ્રોલીંગમાં રાખવામાં આવશે.જે હેતુ 2411 પોલીસમોબાઇલ સેક્ટર અને 490 ક્વીક રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યની કોવિડ માર્ગદર્શિકાનું પણ ચુસ્ત પાલન થાય તે માટે તમામ આગોતરૂ આયોજન પણ ગુજરાત પોલીસ દ્વારા કરીને મતદારોને પણ નિયમના પાલન સાથે મતાધિકારનો ઉપયોગ કરવાનો સંદેશ ગુજરાત પોલીસે આપ્યો છે.