Gujarat News : ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર વરિષ્ઠ IAS અધિકારી એમ. નાગરાજનને જિલ્લાના પ્રભારી સચિવ (Secretary)તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
એમ. નાગરાજન ગુજરાત કેડરના અનુભવી અને કાર્યક્ષમ IAS અધિકારી તરીકે ઓળખાય છે. તેઓ ટેકનોલોજી તથા ડિજિટલ ગવર્નન્સમાં વિશેષ રસ ધરાવે છે અને અગાઉ અનેક મહત્વના વિભાગોમાં સફળ સેવાઓ આપી ચૂક્યા છે. તેમની પરિણામલક્ષી કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેમને આ વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારની જવાબદારી સોંપી છે.
પ્રભારી સચિવ (Secretary) તરીકે સરકારી યોજનાઓનું સીધું નિરીક્ષણ કરશે
પ્રભારી સચિવ (Secretary) તરીકે એમ. નાગરાજન વાવ અને થરાદ પંથકમાં અમલમાં રહેલી સરકારી યોજનાઓનું સીધું નિરીક્ષણ કરશે. રાજસ્થાનની સરહદે આવેલા આ વિસ્તારોમાં નર્મદા કેનાલ, ખેતી તથા સ્થાનિક વહીવટ સંબંધિત પ્રશ્નો મહત્વ ધરાવે છે. તેઓ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને વિકાસકામોને ગતિ આપશે.
આ નિમણૂંક બાદ વાવ-થરાદ વિસ્તારમાં વિકાસ પ્રોજેક્ટ્સમાં ઝડપ આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામિણ વિકાસ અને સરકારી નીતિઓના અસરકારક અમલીકરણમાં આવતી અડચણો દૂર કરવા પ્રભારી સચિવ (Secretary) ની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થશે. વહીવટી દૃષ્ટિએ આ નિમણૂંકને રાજ્ય સરકારનો મહત્વનો અને વ્યૂહાત્મક નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
