Tamilnadu News : તમિલનાડુની રાજનીતિમાં વિધાનસભા ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. અભિનેતા થલાપતિ વિજય (Vijay)ની પાર્ટી ટીવીકેને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા સમર્થન બાદ ડીએમકેએ કોંગ્રેસ સાથેનું ગઠબંધન (DMK-Congress Alliance Breaks) તોડી નાખ્યું છે. આ નિર્ણય બાદ હવે સંસદમાં પણ ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે અંતર સ્પષ્ટ દેખાવા લાગ્યું છે. ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને ડીએમકે સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
ડીએમકેએ કોંગ્રેસ સાથેનું ગઠબંધન (DMK-Congress Alliance Breaks) તોડ્યુ
કનિમોઝીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, બદલાયેલી રાજકીય પરિસ્થિતિ અને કોંગ્રેસ સાથેનું જોડાણ સમાપ્ત થઈ જતાં હવે લોકસભામાં બંને પક્ષના સાંસદો સાથે બેસે તે યોગ્ય નહીં ગણાય. તેમણે ડીએમકે સાંસદોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવાની વિનંતી કરી છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. થલાપતિ વિજય (Vijay)ના નેતૃત્વ હેઠળની ટીવીકે 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની, જ્યારે ડીએમકેએ 59 બેઠકો મેળવી હતી. એઆઈએડીએમકેએ 47 બેઠકો જીતતા ત્રિકોણીય રાજકીય સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે માત્ર પાંચ બેઠકો જીત્યા બાદ ટીવીકેને ખુલ્લો ટેકો આપ્યો હતો, જેને ડીએમકેએ “વિશ્વાસઘાત” ગણાવ્યો હતો.
ડીએમકેના નેતાઓએ કોંગ્રેસ પર “પીઠમાં છરો ભોંકવાનો” આરોપ લગાવ્યો છે. બીજી તરફ, સત્તા રચનામાં સીપીઆઈ, સીપીઆઈ(એમ), વીસીકે અને પીએમકે જેવા નાના પક્ષોની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે. તમિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ 10 મેના રોજ પૂર્ણ થવાનો હોવાથી રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
વિજય (Vijay) સાથે બે નાના પક્ષોએ પણ જોડાણ કરવાનો નિર્ણય લેતા ડીએમકેએ વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. મહત્વની વાત એ છે કે ડીએમકેના વડા એમકે સ્ટાલિન પણ ટીવીકે ઉમેદવાર સામે પરાજિત થયા હતા, જેના કારણે પાર્ટીમાં અસંતોષ વધ્યો છે.
ડીએમકે અત્યાર સુધી ‘ઇન્ડિયા એલાયન્સ’નો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવતો હતો. પરંતુ હવે કોંગ્રેસ સાથેના સંબંધ તૂટતાં વિપક્ષી એકતાને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભામાં ડીએમકેના 22 અને રાજ્યસભામાં 10 સાંસદો હોવાથી આ નિર્ણય રાષ્ટ્રીય રાજકારણમાં પણ અસરકારક માનવામાં આવી રહ્યો છે.
