Gujarat Heat Wave Forecast: મે મહિનાની શરૂઆત સાથે જ હવે ગુજરાતમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે રાજ્યના નાગરિકો માટે એક ચિંતાજનક આગાહી કરી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભીષણ ગરમી અને હીટ વેવનો પ્રકોપ જોવા મળી શકે છે. જો તમે ઘરની બહાર નીકળવાનું આયોજન કરી રહ્યા હોવ, તો સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.
આવતીકાલથી તાપમાનમાં ધરખમ વધારો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. પવનની દિશા બદલાવાને કારણે અને સૂકા પવનોને લીધે આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી.

કયા જિલ્લાઓમાં છે Heat Waveની આગાહી?
રાજ્યના અનેક વિસ્તારોમાં સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે અને ત્યાં ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ગરમીનો કેર વર્તાશે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ પંથકમાં પણ લૂ ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા સાવચેતી રાખવા જણાવાયું છે.
ભીષણ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો!
હવામાન વિભાગની આ આગાહી મુજબ, બપોરના સમયે ગરમ પવનોને કારણે ‘લૂ’ લાગવાના કિસ્સા વધી શકે છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. તાપમાનમાં સતત વધારો થવાને કારણે રાત્રિના સમયે પણ બફારો અને અકળામણ વધી શકે છે.

હીટ વેવથી બચવા માટેના ઉપાયો
પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ પાણીનું સેવન કરવું.
બહાર નીકળતી વખતે માથું ઢાંકીને રાખવું અને સુતરાઉ કપડાં પહેરવા.
બપોરના સમયે ભારે ખોરાક લેવાનું ટાળવું.
આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો કહેર: સોલા સિવિલમાં OPD કેસ 11 હજાર પાર, 1100 દર્દી દાખલ
આ પણ વાંચો: રાજ્યમાં ઉકળાટ વધ્યો, ભેજના કારણે અસહ્ય ગરમી, હવામાન વિભાગે આગાહી કરી
આ પણ વાંચો: રાજ્યમાં મે માસમાં આગઝરતી ગરમીની આગાહી, IMDએ કરી ભીષણ હીટવેવની ચેતવણી
