Salaya Ship Sinking Iran US Navy: આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલતા તણાવનો ભોગ હવે ગુજરાતના સાગરખેડૂઓ બની રહ્યા છે. ગત 7 મેના રોજ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં ઈરાની અને અમેરિકન નેવી વચ્ચે થયેલા ભીષણ ફાયરિંગની ઝપેટમાં સલાયાનું એક માલવાહક વહાણ આવી ગયું હતું. આ ક્રોસ ફાયરિંગમાં વહાણ ડૂબી ગયું છે અને સલાયાના એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે.

Salaya Ship: શું હતી સમગ્ર ઘટના?
સલાયાનું માલવાહક વહાણ ‘એમ.એસ.વી. અલ ફાઈઝ નૂરે સુલેમાની-I’ (રજિસ્ટ્રેશન નં: BDI-1494) ગત 7 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમન જઈ રહ્યું હતું. વહેલી સવારે જ્યારે વહાણ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતું હતું, ત્યારે ઈરાન અને અમેરિકાની નેવી વચ્ચે અચાનક સામસામે ફાયરિંગ શરૂ થઈ ગયું.
કમનસીબે, ગુજરાતનું આ વહાણ ફાયરિંગની વચ્ચે આવી ગયું. ગોળીબારને કારણે વહાણને મોટું નુકસાન થયું અને તેમાં પાણી ભરાતા તે સમુદ્રમાં ગરકાવ થઈ ગયું. આ અફરાતફરીમાં એન્જિન રૂમમાં ફરજ બજાવતા અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઘાયલ થયા અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ
વહાણ ડૂબતી વખતે તેના પર સવાર અન્ય 17 ખલાસીઓએ જીવ બચાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું. આ સમયે નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક ગુજરાતી વહાણ ‘MSV પ્રેમ સાગર-I’ એ દેવદૂત બનીને મદદનો હાથ લંબાવ્યો હતો. આ વહાણે તમામ 17 ખલાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા. બચાવેલા તમામ ખલાસીઓ હાલ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચ્યા છે.

ભારતીય દૂતાવાસ પાસે મદદની માંગ
ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ આ અંગે દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને ઈમેલ કરીને તાત્કાલિક મદદ માંગી છે. તેમણે રજૂઆત કરી છે કે:
- મૃતક અલ્તાફના પાર્થિવ દેહને વતન લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.
- બાકીના 17 ખલાસીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
- આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય વહાણો અને ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
આ ઘટનાના સમાચાર સલાયા પહોંચતા જ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વતનથી હજારો કિમી દૂર ગુજરાતના સાગરખેડૂએ જીવ ગુમાવતા પરિવારે મોભી ગુમાવ્યો છે.
આ પણ વાંચો :ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થયાનો ટ્રમ્પનો દાવો
આ પણ વાંચો : હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ છતાં ભારત આવ્યું પહેલું ગેસ ટેન્કર, જાણો ભારત માટે આ કેમ છે ગેમ-ચેન્જર
આ પણ વાંચો :ઈરાનમાં ગૃહયુદ્ધની ભીતિ, SNSCની ચેતવણી
