World News : Iranમાં રાજકીય અને સામાજિક અસ્થિરતા ફરી એકવાર ચરમસીમાએ પહોંચી રહી છે. દેશની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ (SNSC)એ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં સરકાર વિરોધી પ્રદર્શનો ફરી શરૂ થઈ શકે છે, જેના કારણે આંતરિક સુરક્ષા માટે ગંભીર પડકાર ઊભો થયો છે.
એક તરફ ઈરાન(Iran) બાહ્ય દબાણ અને સંઘર્ષનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ દેશની અંદર આર્થિક પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. ઈરાની ચલણ ‘રિયલ’ સતત નબળું પડી રહ્યું છે અને મોંઘવારીમાં સતત વધારો થવાથી સામાન્ય નાગરિકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. SNSCએ આ પરિસ્થિતિને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાવી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને હાઈએલર્ટ પર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ન્યાયિક તંત્રએ પણ કડક વલણ અપનાવ્યું છે અને પ્રદર્શનોમાં સામેલ થનારા લોકો સામે ‘મોહરબે’ (ઈશ્વર વિરુદ્ધ યુદ્ધ) જેવા ગંભીર આરોપો લગાડવાની ચેતવણી આપી છે, જેમાં મૃત્યુદંડ સુધીની જોગવાઈ છે.
સત્તાવાળાઓએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓથી દૂર રહે અને દેશની શાંતિ અને સ્થિરતા જાળવવામાં સહયોગ આપે. હાલની પરિસ્થિતિને જોતા ઈરાનમાં આંતરિક તણાવ વધુ ભડકવાની શક્યતાઓ વધી રહી છે
