Surat News : સુરત શહેરના સરથાણા જકાતનાકા વિસ્તારમાં બુધવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, એક ઇલેક્ટ્રિક કારના ચાલકે દારૂના નશામાં બેફામ રીતે વાહન હંકારતા બે બાઈક અને એક કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત (Accident)માં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રિક કાર (GJ 05 RU 2251) ખૂબ જ ઝડપે પસાર થઈ રહી હતી. કારચાલક વિજયે વાહન પરથી કાબૂ ગુમાવતા પહેલા બે બાઈક સવારોને અડફેટે લીધા હતા. ત્યારબાદ કાર આગળ જઈને અન્ય એક કાર સાથે અથડાઈ હતી. અકસ્માત (Accident)ની અસર એટલી ગંભીર હતી કે બંને બાઈક અને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.

અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારચાલક નશાની હાલતમાં હોવાનું જણાતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ કારચાલકને વાહનમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. સાથે જ અકસ્માત (Accident)સર્જનાર કારના કાચ પણ તોડી નાખ્યા હતા.
આ ઘટનામાં પાંચ લોકો નાની-મોટી તેમજ ગંભીર ઇજાઓ સાથે ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, લોકોના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આરોપી ચાલકને પણ પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવ્યા હતા. હાલ પોલીસે આરોપી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ચાલક દારૂના નશામાં હતો કે નહીં તેની તબીબી તપાસ પણ કરાવવામાં આવી રહી.
