World News/ દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, ફ્લાઇટ્સ રદ, ટ્રમ્પે કહ્યું- ‘અમે ઈરાનની શક્તિ ખતમ કરી દીધી’

મિડલ ઈસ્ટમાં તણાવ: Dubai Airportની ફ્યુઅલ ટેન્ક પર ડ્રોન હુમલો, ફ્લાઈટ્સ રદ. ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ઈરાનની ડ્રોન ફેક્ટરીઓ ઉડાવી દીધાનો મોટો દાવો.

Top Stories World
Dubai Airport Drone Attack

Dubai Airport Drone Attack: મિડલ ઈસ્ટમાં તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. એક તરફ ઇઝરાયલ દ્વારા સતત બોમ્બમારો થઈ રહ્યો છે, તો બીજી તરફ દુબઈ એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલાએ આખી દુનિયાની ઉંઘ હરામ કરી દીધી છે. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવતા મોટો દાવો કર્યો છે.

Dubai Airport Drone Attack

Dubai Airport પર ડ્રોન હુમલો, મચી અફરાતફરી

દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલી ફ્યુઅલ ટેન્ક (ઈંધણની ટાંકી) પર અચાનક ડ્રોન હુમલો થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. રાહતના સમાચાર એ છે કે સિવિલ ડિફેન્સની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, સુરક્ષાના ગંભીર કારણોસર દુબઈ એરપોર્ટ પર ફ્લાઈટ્સની કામગીરી કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવી છે. પરિસ્થિતિને જોતા દુબઈ પોલીસે એરપોર્ટ રોડ અને ટનલ બંધ કરી દીધી છે અને વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

 ‘અમે ઈરાનની ડ્રોન ફેક્ટરીઓ ઉડાવી રહ્યા છીએ’

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘એરફોર્સ વન’ પરથી પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઈરાન પર સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમેરિકા હવે ઈરાનના એવા સ્થળોને નિશાન બનાવી રહ્યું છે જ્યાં ડ્રોનનું ઉત્પાદન થાય છે અને ગઈકાલથી જ તેમની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને ધ્વસ્ત કરવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે ઈરાન પાસે હવે બહુ ઓછી સૈન્ય શક્તિ બચી છે અને તેઓ વાટાઘાટો કરવા માટે ખૂબ જ ઉત્સુક છે, પરંતુ હજુ સુધી અમેરિકાની શરતો માનવા તૈયાર નથી.

Dubai Airport Drone Attack

અન્ય દેશોમાં પણ યુદ્ધના ભણકારા

બેરૂતમાં ઇઝરાયલે લેબનોનની રાજધાનીના દક્ષિણી વિસ્તારોમાં બે મોટા અને વિનાશક હવાઈ હુમલા કર્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે. બીજી તરફ, કુવૈત નેશનલ ગાર્ડે પણ સતર્કતા દાખવીને છેલ્લા 24 કલાકમાં તેમની સરહદમાં ઘૂસેલા બે ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. આ દરમિયાન, બગદાદમાં પણ સ્થિતિ તંગ બની છે, જ્યાં ઈરાકી સશસ્ત્ર જૂથ ‘સરાયા અવલિયા અલ-દમ’ દ્વારા બગદાદ એરપોર્ટ નજીક આવેલા અમેરિકન ‘વિક્ટરી બેઝ’ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ૫ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ઈરાનની વળતી ચેતવણી

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઇઝરાયલ દ્વારા તેલ ડેપો પર કરવામાં આવેલા હુમલાને ‘ઇકોસાઇડ’ (પર્યાવરણની હત્યા) ગણાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે આ હુમલાથી જમીન અને ભૂગર્ભજળ પ્રદૂષિત થશે જેની અસર પેઢીઓ સુધી રહેશે, ઇઝરાયલને આની સજા ચોક્કસ મળવી જોઈએ.