Donald Trump Iran Attack: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક સનસનાટીભર્યા સમાચાર આપતા દાવો કર્યો છે કે, અમેરિકાએ ઈરાનના અત્યંત મહત્વના ‘ખાર્ગ દ્વીપ’ (Kharg Island) પર સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો કર્યો છે. ટ્રમ્પના મતે, આ હુમલો મિડલ-ઈસ્ટના ઇતિહાસના સૌથી શક્તિશાળી હુમલાઓમાંથી એક છે, જેમાં ઈરાની સૈન્ય મથકો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે.

ખાર્ગ દ્વીપ પર ‘મહા-વિનાશ’
ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ‘ટ્રુથ સોશિયલ’ પર જણાવ્યું છે કે, ખાર્ગ દ્વીપ, જ્યાંથી ઈરાન પોતાનું લગભગ તમામ કાચું તેલ નિકાસ કરે છે, ત્યાંના સૈન્ય ઠેકાણાઓ હવે ખંડેર બની ગયા છે. તેમણે ગંભીર ચેતવણી આપતા ઉમેર્યું કે, હાલ પૂરતું તેમણે માનવતાના નાતે આઈલેન્ડના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (તેલના માળખા) ને નિશાન બનાવ્યું નથી, પરંતુ જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો કરશે, તો તેઓ આ નિર્ણય પર ફરીથી વિચાર કરશે. આ સાથે જ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પાસે અમેરિકી અત્યાધુનિક હથિયારોનો કોઈ જવાબ નથી અને તેઓ આ પ્રકારના હુમલા રોકવા માટે સંપૂર્ણપણે અસક્ષમ છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી નૌસેનાની સુરક્ષા
દુનિયાના પાંચમાં ભાગનું તેલ અને ગેસ જ્યાંથી પસાર થાય છે તે ‘હોર્મુઝ સ્ટ્રેટ’ માં ઈરાની હુમલાઓને કારણે ટ્રાફિક લગભગ ઠપ્પ થઈ ગયો છે. ટ્રમ્પે એલાન કર્યું છે કે અમેરિકી નૌસેના ટૂંક સમયમાં જ અહીંથી પસાર થતા ટેન્કરોને સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કરી દેશે.

Iranના નવા સુપ્રીમ લીડર ગાયબ
ઈરાન માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી, કારણ કે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ 28 ફેબ્રુઆરીએ માર્યા ગયા હોવાના અહેવાલ બાદ તેમના પુત્ર મુજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે, પરંતુ તેઓ હાલ ક્યાં છે તે અંગે કોઈ સ્પષ્ટ જાણકારી નથી. આ દરમિયાન અમેરિકાએ મુજતબા ખામેનેઈના ઠેકાણા વિશે સચોટ માહિતી આપનારને 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે 84 કરોડ રૂપિયાનું મોટું ઈનામ આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, એવા પણ અહેવાલો વહેતા થયા છે કે મુજતબા ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓ છુપાયેલા છે.
મિડલ-ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ
લેબનાનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગ જારી છે, જેમાં શુક્રવારે વધુ 12 આરોગ્ય કર્મચારીઓના કરુણ મોત થયા છે અને અત્યાર સુધીમાં કુલ 773 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, સાઉદી અરેબિયાએ ઈરાન તરફથી આવતા ડઝનબંધ ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે, જ્યારે તુર્કીમાં નાટો દળોએ ઈરાની બેલેસ્ટિક મિસાઈલને હવામાં જ ફૂંકી મારીને મોટી હોનારત ટાળી છે. આ વધતા તણાવને જોતા પેન્ટાગોને 2500 મરીન સૈનિકો સાથેનું શક્તિશાળી યુદ્ધ જહાજ ‘યુએસએસ ત્રિપોલી’ આ વિસ્તારમાં તૈનાત કરી દીધું છે.
શુક્રવાર મોડી રાતે તેહરાનમાં ભયાનક વિસ્ફોટો સંભળાયા હતા, ત્યારબાદ અમેરિકાએ ચેતવણી આપી છે કે જો જરૂર પડશે તો હવાઈ હુમલાઓ હજુ પણ તેજ કરવામાં આવશે.
આ પણ વાંચો: ઈરાને સાઉદી અરેબિયામાં યુએસ બેઝ પર મિસાઈલ ફાયર કરી, પાંચ એરફોર્સ રિફ્યુઅલિંગ પ્લેન નાશ પામ્યા
આ પણ વાંચો: ઈરાન યુદ્ધ દરમિયાન યુએસ વિમાન ક્રેશ, 4 ક્રૂ સભ્યોના મોત
