Gold Silver Price Today: મિડલ ઈસ્ટ (અમેરિકા-ઈરાન) માં ભડકેલી યુદ્ધની આગની સીધી અસર હવે બુલિયન માર્કેટ (સોના-ચાંદી બજાર) પર જોવા મળી રહી છે. સોમવારે (16 માર્ચ) શરૂઆતી કારોબારમાં જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની આશાઓ ધૂંધળી બનતા અને કાચા તેલના ભાવમાં ભડકો થતાં રોકાણકારો ચિંતામાં મુકાયા છે.

Gold Silver: આજના લેટેસ્ટ ભાવ શું છે? (MCX રેટ)
સ્થાનિક વાયદા બજાર (MCX) પર આજે સોના અને ચાંદી બંનેમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી, જેના કારણે ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. એપ્રિલ ડિલિવરી વાળું સોનું ₹1,800 (1.14%) જેટલું ગગડીને ₹1,56,655 પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું છે. તેવી જ રીતે, ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું પડ્યું છે, જેમાં મે મહિનાની ડિલિવરી વાળી ચાંદી ₹4,300 (1.7%) થી વધુ તૂટીને ₹2,55,101 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં હાહાકાર
મિડલ ઈસ્ટમાં યુદ્ધ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. અમેરિકા દ્વારા ઈરાનના મુખ્ય ઓઇલ એક્સપોર્ટ સેન્ટર પર કરવામાં આવેલા હુમલાને પગલે કાચા તેલ (Crude Oil) ના ભાવ આસમાને પહોંચ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્પોટ ગોલ્ડ (Spot Gold) ના ભાવમાં સળંગ બીજા સપ્તાહે ઘટાડો નોંધાયો છે, જેમાં 0.7% ના ઘટાડા સાથે સોનું 5,000 ડોલરના મનોવૈજ્ઞાનિક સ્તરની નીચે ઉતરીને 4,986.34 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે, જ્યારે ચાંદી પણ 80.03 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.

સોનામાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો?
યુદ્ધના કારણે મોંઘવારી વધવાની દહેશત છે. આ સપ્તાહે મળનારી અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકમાં હવે વ્યાજદર ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી. વ્યાજદર ઊંચા રહેવાથી સોનામાં રોકાણનું આકર્ષણ ઘટે છે. કાચા તેલના ભાવ વધવાથી આર્થિક વિકાસ ધીમો પડવાની અને ‘સ્ટેગફ્લેશન’ (મંદી સાથે ઊંચી મોંઘવારી) ની આશંકા ઉભી થઈ છે, જે ટૂંકાગાળે સોના પર દબાણ લાવી રહી છે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
ઘરેલું બજારને અસર કરતો કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત સોનાની આયાત કિંમતમાં ઘટાડો અને ચાંદીમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે સોનાની આયાત આધાર કિંમત (Import Base Price) 1664 ડોલર પ્રતિ 10 ગ્રામથી ઘટાડીને 1652 ડોલર પ્રતિ 10 ગ્રામ કરી છે, જેના કારણે સોનાની આયાત સસ્તી થશે અને જ્વેલર્સ સહિત સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળશે. જોકે, બીજી તરફ ચાંદીની આયાત કિંમતમાં 20 ડોલરનો વધારો કરીને તેને 2,800 ડોલરથી વધારી 2,820 ડોલર પ્રતિ કિલો કરવામાં આવી છે, જેના પરિણામે આગામી દિવસોમાં ચાંદીના ભાવમાં સહેજ ઉછાળો જોવા મળી શકે છે.
આ પણ વાંચો: સોના-ચાંદીમાં ‘ઉલટી ગંગા’! યુદ્ધ વચ્ચે પણ ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ અને સોનું ₹31,000 થી વધુ સસ્તું થયું
આ પણ વાંચો: ઇરાન હુમલા બાદ બજારો ધડામ, સેન્સેક્સ 7000 પોઈન્ટ નીચે, સોના-ચાંદીના ભાવ આસમાને
આ પણ વાંચો: ક્રિપ્ટો માર્કેટમાં ભૂકંપ! બિટકોઈન $65,000 નીચે જતાં રોકાણકારોમાં ફફડાટ
