Dwarka News : દ્વારકાનો દરિયાકિનારો લીલા-ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’ બન્યો છે. દરિયાઈ જીવ સૃષ્ટિના ઢાલબદ્ધ સભ્ય એવા કાચબાનું માત્ર જૈવિક સંપદારૂપે જ નહીં, પણ પૌરાણિક કથાઓમાં મહાત્મ્ય છે. શાસ્ત્રોમાં પણ ભગવાન વિષ્ણુએ બીજો અવતાર કુર્મના રૂપમાં એટલે કે કાચબાના રૂપમાં લીધો હતો. આમ, આપણા પુરાણોમાં કાચબાઓનું વિશેષ મહાત્મ્ય છે.
કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવા અને લોકોમાં એના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન્ન કરવાના ઉમદા ઉદ્દેશ સાથે દર વર્ષે 23 મેના રોજ “વિશ્વ કાચબા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.કાચબાની વિશ્વમાં જોવા મળતી કુલ 7 પ્રજાતિ પૈકી ભારતના દરિયામાં કુલ 5 પ્રજાતિ જોવા મળે છે તેમજ ગુજરાતના દરિયામાં 4 પ્રજાતિ જોવા મળે છે. એમાં ખાસ કરીને દ્વારકા જિલ્લાને લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’ માનવામાં આવે છે. દ્વારકાના દરિયાકાંઠે “લીલા કાચબા” અને “ઓલિવ રીડલી કાચબા”ની મોટા પ્રમાણમાં વસાહત રહેલી છે. કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી ખાતે વર્ષ 2013થી વર્ષ 2025 સુધીમાં અંદાજિત 80 હજાર કાચબાનો ઉછેર કરી એને સમુદ્રમાં છોડવામાં આવ્યા છે.
દરિયાઇ કાચબાના ઉછેર માટે દ્વારકા જિલ્લામાં બે સ્થળ ઓખામઢી (જૂની) તેમજ નાવદ્રા ખાતે હેચરી આવેલી છે. કાચબા ઉછેર કેન્દ્ર ખાતે કાચબાઓનાં બચ્ચાંના ઉછેર માટે કૃત્રિમ માળાઓ તૈયાર કરવામાં આવ્યા હોય એ વિસ્તારને હેચરી કહેવાય છે. હેચરી માટે વન વિભાગના વનરક્ષકથી લઇ આરએફઓ સુધીનો સ્ટાફ મેઇન્ટેનન્સ અને દેખરેખ માટે સતત કાર્યરત હોય છે.રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિલેશ બેલાના જણાવ્યા અનુસાર, વર્ષ 2012-13માં ઓખા ખાતે હેચરી શરૂ કરવામાં આવી છે.
દરિયાકિનારે રેતીમાંથી ઈંડાં શોધીને એને હેચિંગ સેન્ટરમાં રાખવામાં આવે છે. આપણે અહીં લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબા જોવા મળે છે, જોકે ઓલિવ રીડલી કાચબાની સંખ્યા 2 ટકા જેવી છે.આપણે અહીં દરિયાકિનારે લીલા કાચબા વધુ ઈંડાં મૂકવા માટે આવે છે, કારણ કે અહીંનું વાતાવરણ, રેતીનો યોગ્ય પ્રકાર તેમજ અહીંનું તાપમાન એને સૌથી વધુ અનુકૂળ આવે છે તેમજ તેમનો ખોરાક આલગી દરિયાઈ ઘાસ છે. આ ખોરાક અહીં એને પૂરતા પ્રમાણમાં મળી રહે છે, માટે એને ગુજરાતનો દરિયાકિનારો વધુ અનુકૂળ રહે છે.
માદા કાચબા દરિયાકિનારે રેતીમાં ઈંડાં મૂકે છે, થોડો સમય રહે છે અને ફરી દરિયામાં ચાલ્યા જાય છે.દરિયાઇ કાચબાઓ હાલમાં પણ આપણા માટે રહસ્યમય છે, જેનું કારણ છે કે તે કોચલામાંથી બહાર નીકળી સમુદ્રમાં પહોંચી પુખ્ત બને એ ઘટનાચક્ર વિશે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. એવું માનવામાં આવે છે કે જે સ્થળે જન્મ થયો હોય એ જ કાંઠે માદા પુખ્ત બન્યા પછી ફરી ઇંડાં મૂકવા આવે છે.
ફક્ત માદા કાચબા જ ઇંડાં મૂકવા ધરતી પર આવે છે. આ માદા કાચબા સપ્ટેમ્બરથી લઇ એપ્રિલ સુધીમાં ઇંડાં મૂકવા ધરતી પર આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી લઇ હર્ષદ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં માદા કાચબા ઇંડાં મૂકવા આવે છે.તેઓ દરિયાકાંઠે રેતીમાં ખાડો ખોદી એમાં 80થી 160 ઇંડાં મૂકી ફરીથી તેઓ રેતીથી ઢાંકી દે છે. આ ઇંડાંને સુરક્ષિત રાખવા માટે એને વન વિભાગના કર્મચારીઓ ઓખાથી લઈ હર્ષદ સુધી દરરોજ સવારે દરિયાઈ વિસ્તારની રેતીને ફંફોળી, ખાડામાંથી સલામતી સાથે ઈંડાંને એકપાત્રમાં ભરી અને કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી તેમજ નાવદ્રા ખાતે તૈયાર કરવામાં આવેલી હેચરી ખાતે પહોંચાડે છે, જ્યાં કૃત્રિમ માળામાં આ ઇંડાંને 45થી 60 દિવસ સુધી રાખવામાં આવે છે.
લીલા કાચબાના ઈંડાંને હેચિંગ કરવાની ખાસ જરૂર રહેતી નથી, એને હેચિંગ સેન્ટર ખાતેની રેતીમાં રહેલા ભેજને કારણે એનું હેચિંગ થતું હોય છેવર્ષ 2024-25માં કુલ 83 માળા લાવવામાં આવ્યા છે, જેમાં 7891 ઈંડાં લાવવામાં આવ્યાં છે. એમાંથી 6 હજાર જેટલાં બચ્ચાંને દરિયામાં છોડવામાં આવ્યા છે. વર્ષ 2012થી આજસુધીમાં કુલ 1 લાખ 600 ઈંડાં લાવવામાં આવ્યા છે, જેમાંથી અંદાજિત 80 હજાર જેટલાં બચ્ચાંને દરિયામાં છોડવામાં આવ્યાં છે.
લીલો કાચબો એ હકીકતમાં કથ્થાઈ ઢાલવાળો કાચબો છે, પરંતુ ઢાલની નીચેની ચરબી લીલા રંગની હોવાથી એ લીલા કાચબા તરીકે ઓળખાય છે. એ બધા સમુદ્રીય કાચબાઓ પૈકી એકમાત્ર તૃણાહારી કાચબો છે અને દરિયાઇ ઘાસ, લીલ અને વનસ્પતિ તેનો મુખ્ય ખોરાક છે.
ઓલિવ રીડલી કાચબો બધા સમુદ્રીય કાચબાઓમાં સૌથી નાનો છે. એનું નામ તેની ઢાલ પર ઓલિવ રંગના હૃદય આકારના વિસ્તારોને કારણે પડ્યું છે. આ કાચબાઓમાં અરીબાડ (દરિયાકાંઠે કાચબાઓનું અચાનક આગમન) નામની આશ્ચર્યકારક ઘટના જોવા મળે છે. એ બહુ મોટા સમુહમાં સમુદ્રકાંઠે ઇંડાં મૂકવા અચાનક આવી ચડે છે. ભારતમાં ઓડિશાના કાંઠે લાખો ઑલિવ રીડલી કાચબાઓ ઇંડાં મૂકવા અચાનક જ એક રાત્રિ દરમિયાન આવી ચડે છે.
