World News : ટેસ્લાના CEO એલોન મસ્ક વોશિંગ્ટન ડીસીમાં બ્લેર હાઉસ પહોંચ્યા છે, જ્યાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી રહ્યા છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં, બંને દેશો વચ્ચે વેપાર, ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્ક પોતાના બાળકો સાથે બ્લેર હાઉસ પહોંચ્યા છે.
આ પહેલા, US રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઈકલ વોલ્ટ્ઝે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ભારતના NSA અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત પછી, PM મોદીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા અને લખ્યું, “NSA @michaelgwaltz સાથે ફળદાયી મુલાકાત થઈ. તેઓ હંમેશા ભારતના મહાન મિત્ર રહ્યા છે. સંરક્ષણ, ટેકનોલોજી અને સુરક્ષા ભારત-અમેરિકા સંબંધોના મહત્વપૂર્ણ પાસાં છે અને અમે આ મુદ્દાઓ પર અદ્ભુત ચર્ચા કરી. AI, સેમિકન્ડક્ટર, અવકાશ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગની મજબૂત સંભાવના છે.”
PM મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે અને આજે રાત્રે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળશે. આ ઉપરાંત PM મોદી રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામીને પણ મળશે.
ગુપ્તચર સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ
અમેરિકા પહોંચ્યા પછી તરત જ, વડાપ્રધાન મોદી US નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા. બંને નેતાઓએ આતંકવાદ સામે ગુપ્તચર સહયોગ અને ઉભરતા જોખમોનો સામનો કરવાના માર્ગો પર વિગતવાર ચર્ચા કરી. PM મોદીએ તુલસી ગબાર્ડને દેશના ટોચના ગુપ્તચર અધિકારી બનવા બદલ અભિનંદન પાઠવ્યા, જેમની નિમણૂક બુધવારે પુષ્ટિ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ગબાર્ડ ભારત-અમેરિકા સંબંધોના મજબૂત સમર્થક રહ્યા છે. મોદીએ 43 વર્ષીય હિન્દુ-અમેરિકન ગબાર્ડને દેશના ટોચના ગુપ્તચર અધિકારી તરીકે નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા. બુધવારે નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકે ગબાર્ડની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના નેતૃત્વ સાથે મોદીની આ બીજી મુલાકાત છે. અગાઉ, ફ્રાન્સમાં રાત્રિભોજન દરમિયાન, તેઓ US વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સને મળ્યા, જેઓ ‘એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સમિટ’માં હાજરી આપવા માટે ત્યાં હતા.
મોદી ‘બ્લેર હાઉસ’માં રોકાયા છે.
મોદી રાજધાનીના હૃદયમાં સ્થિત અમેરિકન રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ ‘બ્લેર હાઉસ’માં રોકાયા છે. ‘બ્લેર હાઉસ’ ખાતે મોદીનું આગમન થતાં ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. કડકડતી ઠંડી અને વરસાદ છતાં, સમુદાયના સભ્યો બ્લેર હાઉસ ખાતે ભેગા થયા. તેમણે ભારતીય અને અમેરિકન ધ્વજ લહેરાવ્યા અને ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘મોદી મોદી’ ના નારા લગાવીને પ્રધાનમંત્રીનું અમેરિકામાં સ્વાગત કર્યું.
ભારત-અમેરિકાના સંબંધોમાં એક નવો પરિમાણ
બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં વડા પ્રધાન મોદીની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સંરક્ષણ, ગુપ્તચર સહયોગ અને ટેકનોલોજીકલ નવીનતાના ક્ષેત્રોમાં નવા કરારોની અપેક્ષા છે.
આ પણ વાંચો: PM મોદી અને ટ્રમ્પની ફરી જોડી જામશે, દુનિયાની નજર 12 ફેબ્રુઆરીએ મોદી અને ટ્રમ્પની મુલાકાત પર
આ પણ વાંચો: PM મોદી આજથી ફ્રાન્સની મુલાકાતે, રાષ્ટ્રપતિ મેક્રોન સાથે સંયુક્ત રીતે AI એક્શન સમિટની અધ્યક્ષતા કરશે