Ahmedabad News : અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટે (Factory Blast)દાહોદ જિલ્લાના એક ગરીબ શ્રમિક પરિવારને સંપૂર્ણપણે વિખેરી નાખ્યો છે. રોજીરોટીની શોધમાં અમદાવાદ ગયેલા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મૃતકોમાં રમીલા ચારેલ, તેમની ત્રણ પુત્રીઓ રીંકુ, શિવાની અને રવિના તેમજ એકમાત્ર પુત્ર નીરવનો સમાવેશ થાય છે. પરિવારના વડા ભરત ચારેલ ગંભીર રીતે દાઝી જતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.

પાંચેય મૃતદેહો એમ્બ્યુલન્સ મારફતે વતન ગોવિંદાતળાઈ પહોંચતા પરિવારજનો અને ગ્રામજનોના આક્રંદથી સમગ્ર ગામ ગમગીન બની ગયું હતું. એક જ પરિવારની પાંચ અર્થીઓ એકસાથે નીકળતાં ગામમાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.
ઘટનાની જાણ થતાં પુરવઠા મામલતદાર, પોલીસ અધિકારીઓ સહિત વહીવટી તંત્ર ગામે પહોંચ્યું હતું. અધિકારીઓએ પરિવારને સાંત્વના પાઠવી અને સરકાર તરફથી મળતી આર્થિક સહાયની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની ખાતરી આપી હતી.

પરિવારના વડીલ વરસિંગ ચારેલે પુત્રવધુ અને ચાર પૌત્ર-પૌત્રીઓને અગ્નિદાહ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર છેલ્લા છ વર્ષથી પરિવાર સાથે અમદાવાદની ફેક્ટરીમાં કામ કરીને જીવનનિર્વાહ કરતો હતો, પરંતુ એક જ ક્ષણમાં સમગ્ર પરિવાર છીનવાઈ ગયો.
ઉલ્લેખનીય છે કે 18 જુલાઈએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનથી લગભગ 4.5 કિલોમીટર દૂર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ (Factory Blast)માં કુલ નવ લોકોના મોત થયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે લગભગ 500 મીટર દૂર આવેલી ફેક્ટરીઓ સુધી તેની અસર પહોંચી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે ફેક્ટરીના સંચાલક અને મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
