Ahemdabad News: અમદાવાદના વસ્ત્રાલમાં ધમધમી રહેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ 9 લોકોના મોતથી આખા અમદાવાદ શહેરમાં આરોપી સામે કડક કાર્યવાહી માગ ઉઠી છે. ત્યારે રામોલ પોલીસે મોડે મોડે પણ કાર્યવાહી શરૂ કરી છે. અને ગેરકાયદે ચાલાવતા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ ગોઝારી ઘટના બાદ જાગેલું પોલીસ તંત્રએ અન્ય બીજી બે ગેરકાયદે ધમધમતી ફેક્ટરીઓ સીલ કરી છે. ગેરકાયદે ધમધમતી અન્ય ફેક્ટરીઓ ઝડપતા શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ (Firecracker Blast): સંચાલકો સામે FIR
રામોલ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વસ્ત્રાલ (Vastral)સર્વે નંબર 629/1/2/3 ખાતે આવેલી જગ્યા ભાડે રાખીને કોઈપણ કાનૂની પાસ-પરમિટ કે લાયસન્સ વગર (Illegal Firecracker Factory)ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે નોંધેલી FIRમાં મેહુલ ડોડીયા, તેમની માતા અને કારખાનાના સંચાલક રમીલાબેન ડોડીયા તેમજ ભાગીદાર સાદીક સૈયદને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. ફરિયાદમાં સ્પષ્ટ જણાવાયું છે કે તપાસ દરમિયાન જે અન્ય વ્યક્તિઓની સંડોવણી સામે આવશે તેમને પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવશે. હાલ પોલીસ તમામ દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને કારખાનાની કામગીરી અંગે વિસ્તૃત તપાસ કરી રહી છે.
આર્થિક લાભ માટે સુરક્ષા નિયમોની અવગણના
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંચાલકો માત્ર આર્થિક લાભ મેળવવાના હેતુથી સુરક્ષાના મૂળભૂત નિયમોની અવગણના કરીને ફટાકડાનું ઉત્પાદન કરતા હતા. કારખાનામાં જરૂરી સુરક્ષા સાધનો, આગ નિવારણની વ્યવસ્થા અને વિસ્ફોટક પદાર્થોના સુરક્ષિત સંગ્રહ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ જ ગંભીર બેદરકારીના કારણે બ્લાસ્ટ એટલો પ્રચંડ થયો કે ક્ષણોમાં સમગ્ર ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ હતી. દુર્ઘટનામાં કામ કરતા મજૂરોને બહાર નીકળવાની પણ તક મળી નહોતી, જેના કારણે 9 લોકોના જીવ ગયા અને 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
BNS અને વિસ્ફોટક કાયદા હેઠળ કડક કાર્યવાહી
આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને રામોલ પોલીસે (Ramol Police)આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 287, 288 અને 61(2) હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત વિસ્ફોટક પદાર્થ અધિનિયમ-1908ની કલમ 5(એ) અને 6 તેમજ વિસ્ફોટક અધિનિયમ-1884ની કલમ 9(બી) હેઠળ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ફેક્ટરીમાં વિસ્ફોટક સામગ્રીનો ગેરકાયદે સંગ્રહ અને ઉત્પાદન કરવામાં આવતું હતું, જેના કારણે મોટી જાનહાનિ સર્જાઈ છે. હાલ ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે.
તપાસમાં વધુ બે ગેરકાયદે ફેક્ટરીઓ ઝડપાઈ
બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ, AMC અને ફાયર વિભાગે શહેરના છેવાડાના વિસ્તારોમાં સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું હતું. જેમા રામોલ અને વસ્ત્રાલમાં ખુલ્લા ખેતરોમાં ગેરકાયદે રીતે ચાલતા વધુ બે એકમો મળી આવ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક તમામ એકમોને સીલ કરી દીધા હતા અને ત્યાંથી મળી આવેલા ફટાકડાના જથ્થાને જપ્ત કરીને પાણી વડે નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓને આશંકા છે કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી ગેરકાયદે ફેક્ટરીઓ કાર્યરત હોઈ શકે છે, જેને લઈને તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ
આ સમગ્ર ઘટનાએ અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા ઉદ્યોગ પર થતી દેખરેખ અને જવાબદાર વિભાગોની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખુલ્લા ખેતરોમાં કોઈપણ મંજૂરી વગર વિસ્ફોટક પદાર્થોનું ઉત્પાદન થતું હોવા છતાં લાંબા સમય સુધી તંત્રને તેની જાણ ન થવી ચિંતાજનક માનવામાં આવી રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આવા જોખમી એકમો પર નિયમિત ચેકિંગ, લાયસન્સની કડક ચકાસણી અને સુરક્ષા ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય. હાલ પોલીસ અને ફાયર વિભાગ શહેરના અન્ય વિસ્તારોમાં પણ સઘન તપાસ ચલાવી રહ્યા છે અને ગેરકાયદે ફટાકડા ફેક્ટરીઓ સામે કાર્યવાહી ચાલુ રાખવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ PM મોદી અને CMએ વ્યક્ત કર્યો શોક, મૃતકોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત
