New Delhi: સોનમ વાંગચુકની પત્નીએ તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. ત્યારે વાંગચુકે હજુ પણ સારવાર અને દવાઓ લેવાનો ઇનકાર યથાવત રાખ્યો છે. આમરણાંત ઉપવાસ પર રહેલા સોનમ વાંગચુકે 20 જુલાઈ થનારા આંદોલનને ‘આઝાદીનું બીજું આંદોલન’ ગણાવ્યું છે.
સોનમ વાંગચુક ( Wangchuk)ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માગ
NEET પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવાની અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે આમરણાંત ઉપવાસ (Hunger Strike)પર બેઠેલા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકનો વિરોધ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ વાંગચુકે સારવાર લેવાનો ઇનકાર યથાવત રાખ્યો છે, ત્યારે તેમની પત્ની ગીતાંજલિ આંગમોએ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં અરજી કરીને તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માગ કરી છે. અરજી દાખલ કરીને જણાવ્યું છે કે તેમને સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)ની સારવાર વ્યવસ્થા પર વિશ્વાસ નથી. તેમણે અદાલતને વિનંતી કરી છે કે સોનમ વાંગચુકને કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની મંજૂરી આપવામાં આવે.બીજી તરફ, વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 20 જુલાઈને ‘આઝાદીનું બીજું આંદોલન’ ગણાવતું નિવેદન આપતાં સમગ્ર મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
20 જુલાઈને ‘આઝાદીનું બીજું આંદોલન’ ગણાવ્યું
સોનમ વાંગચુકે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે 20 જુલાઈ માત્ર એક તારીખ નથી, પરંતુ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો દિવસ છે. તેમણે લખ્યું કે આ દિવસ પેપર લીક જેવા અન્યાયથી મુક્તિ મેળવવાનો અને ગેરકાયદેસર અટકાયતના ડરથી આઝાદી મેળવવાનો સંકલ્પ છે. વાંગચુકના આ સંદેશ બાદ તેમના સમર્થકોમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેમની પોસ્ટને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
ઉપવાસ યથાવત, સારવાર અને દવાઓનો ઇનકાર
સોનમ વાંગચુક 28 જૂનથી આમરણાંત ઉપવાસ પર છે. તેઓ NEET પેપર લીક કેસમાં જવાબદારો સામે કડક કાર્યવાહી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. સફદરજંગ હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ તેમણે ડ્રિપ, ઓઆરએસ અને અન્ય દવાઓ લેવાનો ઇનકાર કર્યો છે. ડોક્ટરો સતત તેમને સારવાર સ્વીકારવા સમજાવી રહ્યા છે, પરંતુ વાંગચુક પોતાના નિર્ણય પર અડગ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આરોગ્ય સ્થિતિને લઈને ચિંતા, પોલીસ અને CJPના દાવાઓ
સફદરજંગ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ સોનમ વાંગચુકમાં ડિહાઇડ્રેશન, પોટેશિયમની ગંભીર ઉણપ અને અન્ય મેટાબોલિક ગડબડીઓના સંકેતો જોવા મળ્યા છે. તબીબો સતત તેમની સારવાર શરૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ નવી દિલ્હીના ડીસીપી સચિન શર્માએ જણાવ્યું કે વાંગચુકને હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ, તેમની તબિયત અને ડોક્ટરોની સલાહને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.
આ દરમિયાન CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા વાંગચુક અને પ્રદર્શનકારીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી. જોકે દિલ્હી પોલીસે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન CJP દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
આ પણ વાંચો: સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પર વિશ્વની નજર: BBC, Reuters, Bloomberg અને DW સહિતના વિદેશી મીડિયાએ શું લખ્યું?
આ પણ વાંચો: જંતર-મંતર પરથી સોનમ વાંગચુકને પોલીસે હોસ્પિટલ ખસેડ્યા, દીપકેની ભૂખ હડતાળની જાહેરાત
આ પણ વાંચો: સોનમ વાંગચુકની ભૂખ હડતાળથી કેન્દ્ર સરકાર એક્ટીવ, દિલ્હીની 3 હોસ્પિટલોને એલર્ટ પર
