India News: દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલું સોનમ વાંગચુકનું આંદોલન હવે માત્ર ભારત પૂરતું મર્યાદિત રહ્યું નથી. છેલ્લા 19 દિવસથી ચાલુ રહેલી તેમની ભૂખ હડતાળ અને સતત બગડતા સ્વાસ્થ્યને લઈને દુનિયાભરના અગ્રણી મીડિયા હાઉસિસ સતત અહેવાલો પ્રકાશિત કરી રહ્યા છે.
વિદેશી મિડીયા (Foreign media)માં સોનમ વાંગચુકની ભૂખ હડતાળની ચર્ચા
બ્રિટનની BBC અને Reutersથી લઈને અમેરિકાની Bloomberg, જર્મનીની Deutsche Welle (DW) અને પાકિસ્તાનની The Express Tribune સુધી અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ આ મુદ્દાને અલગ-અલગ દૃષ્ટિકોણથી રજૂ કર્યો છે. મોટાભાગના અહેવાલોમાં વાંગચુકના સ્વાસ્થ્ય અંગે ચિંતા, વિરોધ પ્રદર્શનની પૃષ્ઠભૂમિ અને સરકારની પ્રતિક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
BBCએ લખ્યું- ભૂખ હડતાળએ સરકારના અંતરાત્માને જગાડવાનો પ્રયાસ
બ્રિટિશ મીડિયા સંસ્થા BBCએ પોતાના અહેવાલમાં સોનમ વાંગચુક (Sonam Wangchuk)ની ભૂખ હડતાળને અહિંસક વિરોધનું પ્રતીક ગણાવ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે વાંગચુક પોતાને મહાત્મા ગાંધીના અહિંસક સિદ્ધાંતોના અનુયાયી માને છે અને સરકારનું ધ્યાન આકર્ષવા માટે ઉપવાસને માર્ગ તરીકે પસંદ કર્યો છે. BBCએ એ પણ નોંધ્યું છે કે સતત ગરમી છતાં દરરોજ મોટી સંખ્યામાં લોકો જંતર-મંતર પર પહોંચી તેમનો સમર્થન વ્યક્ત કરી રહ્યા છે.
The Express Tribuneએ વાંગચુકના ‘હું હીરો નથી’ નિવેદનને સ્થાન આપ્યું
પાકિસ્તાનના અખબાર The Express Tribuneએ પોતાના અહેવાલમાં સોનમ વાંગચુકના અગાઉના એક નિવેદનને મુખ્ય સ્થાન આપ્યું છે. અહેવાલ અનુસાર વાંગચુકે લોકોને પોતાને ગાંધી અથવા હીરો તરીકે ન જોવાની અપીલ કરતાં કહ્યું હતું કે દરેક નાગરિકે પોતાના માટે જવાબદાર બનવું જોઈએ અને બીજામાં હીરો શોધવાને બદલે પોતે જ જવાબદારી સ્વીકારવી જોઈએ. આ મીડિયા અહેવાલમાં તેમના સમર્થનમાં ઉમટેલા લોકો અને તેમના સંદેશને વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યો છે.
DWએ લખ્યું- ‘વાંગચુકની ભૂખ હડતાળ PM મોદી માટે કસોટી’
જર્મનીની આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા Deutsche Welle (DW) એ પોતાના અહેવાલમાં સોનમ વાંગચુકના બગડતા સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને સમાચાર પ્રકાશિત કર્યા છે. DWએ લખ્યું છે કે લાંબા સમયથી ચાલી રહેલા ઉપવાસને કારણે તેમનું વજન ઘટી રહ્યું છે અને તેમની તબિયત સતત નાજુક બની રહી છે. અહેવાલમાં વિરોધ સ્થળે પહોંચેલા વિવિધ રાજકીય નેતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર માટે એક મહત્વપૂર્ણ રાજકીય પડકાર તરીકે રજૂ કરવામાં આવી છે.
Bloombergએ વિરોધને મોદી સરકાર સામેનું દુર્લભ ઉદાહરણ ગણાવ્યું
અમેરિકન બિઝનેસ મીડિયા Bloombergએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે સોનમ વાંગચુકનું આંદોલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે જાહેર વિરોધનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. અહેવાલ મુજબ વાંગચુકે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ છતાં ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ તેમણે સરકાર સાથે સંવાદ ન થવા અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
Reutersએ યુવાનોના અસંતોષ અને સરકારની પ્રતિક્રિયાનો ઉલ્લેખ કર્યો
બ્રિટિશ સમાચાર એજન્સી Reutersએ પોતાના અહેવાલમાં પરીક્ષા પ્રણાલી અને પેપર લીકના મુદ્દે વધી રહેલા અસંતોષનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે વિરોધ દરમિયાન ઉપવાસ પર બેઠેલા એક વ્યક્તિની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. Reutersએ એમ પણ નોંધ્યું છે કે સંબંધિત મંત્રાલય તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી.
વૈશ્વિક મીડિયાની નજરે ભારતનું આંદોલન
સોનમ વાંગચુકની ભૂખ હડતાળ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગઈ છે. વિવિધ મીડિયા સંસ્થાઓએ પોતાના સંપાદકીય અભિગમ પ્રમાણે આંદોલન, સ્વાસ્થ્ય, સરકારની પ્રતિક્રિયા અને સમર્થકોની માંગણીઓને રજૂ કરી છે. જંતર-મંતરથી શરૂ થયેલી આ ચળવળ હવે વૈશ્વિક મીડિયા માટે પણ મહત્વપૂર્ણ સમાચાર બની છે. જો કે, અલગ-અલગ મીડિયા સંસ્થાઓના અહેવાલો તેમના પોતાના સંપાદકીય દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. સમગ્ર ઘટનાને લઈને સત્તાવાર નિવેદનો અને આગામી રાજકીય વિકાસ પર દેશ-વિદેશની નજર યથાવત છે.
આ પણ વાંચો: જંતર-મંતર પરથી સોનમ વાંગચુકને પોલીસે હોસ્પિટલ ખસેડ્યા, દીપકેની ભૂખ હડતાળની જાહેરાત
આ પણ વાંચો: સોનમ વાંગચુકની ભૂખ હડતાળથી કેન્દ્ર સરકાર એક્ટીવ, દિલ્હીની 3 હોસ્પિટલોને એલર્ટ પર
આ પણ વાંચો: સોનમ વાંગચુકના આમરણ અનશન પર દિલ્હી હાઈકોર્ટ સખ્ત, કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ
