Ahmedabad News/ અમદાવાદમાં કાપડ વેપારીના ઘરમાંથી રૂ.49.62 લાખની ચોરી, નોકરનો સાગરીત ઝડપાયો; મુખ્ય આરોપીની શોધખોળ તેજ

Paldi Theft Case: અમદાવાદના પાલડીમાં કાપડ વેપારીના ઘરમાંથી રૂ.49.62 લાખના દાગીના અને રોકડની ચોરીના કેસમાં નોકરનો સાગરીત ઝડપાયો છે. પોલીસે ચોરાયેલા મુદ્દામાલનો મોટો હિસ્સો કબજે કર્યો છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે.

Uncategorized

Ahmedabada News: શહેરના પાલડી વિસ્તારમાં ( Paldi Theft Case) કાપડ વેપારીના ઘરમાં થયેલી કરોડો નહીં પરંતુ લાખોની ચોરીના કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. વેપારીના ઘરે કામ કરતા નોકર પર રૂ.49.62 લાખના દાગીના અને રોકડની ચોરીનો આરોપ છે. આ કેસમાં ચોરીનો મુદ્દામાલ છુપાવવામાં મદદ કરનાર એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

ઘરમાં કામ કરતા નોકર પર વિશ્વાસઘાતનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ, પાલડીમાં (Paldi Theft Case) રહેતા અને સારંગપુર ન્યૂ ક્લોથ માર્કેટમાં કાપડના વેપાર સાથે સંકળાયેલા કરણ શાહના ઘરે કામ કરતો કમલેશ મીણા નામનો વ્યક્તિ ચોરીનો મુખ્ય આરોપી છે. ફરિયાદ અનુસાર, તેણે ઘરની તિજોરી અને કબાટની ચાવીનો ઉપયોગ કરીને અલગ-અલગ દિવસોમાં દાગીના અને રોકડની ચોરી કરી હતી.

ચોરીનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?

પરિવારને શરૂઆતમાં પત્નીના પર્સમાંથી રોકડ ગુમ થયાની જાણ થઈ હતી. ત્યારબાદ તિજોરી અને કબાટની તપાસ કરતાં સોના-ચાંદીના ( Jewellery Theft) દાગીના તેમજ રોકડ મળી કુલ અંદાજે રૂ.49.62 લાખનો મુદ્દામાલ ગુમ હોવાનું સામે આવ્યું. આ પછી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સાગરીત ઝડપાયો, મોટો મુદ્દામાલ કબજે

કેસની તપાસ દરમિયાન ઝોન-7 એલસીબીની (LCB) ટીમે રાજસ્થાનના બાબુલાલ મીણાની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીએ ચોરી બાદ દાગીના અને રોકડ તેને સોંપ્યા હતા. પોલીસે આરોપી પાસેથી આશરે રૂ.26.17 લાખનો મુદ્દામાલ, જેમાં કિંમતી દાગીના અને રોકડનો સમાવેશ થાય છે, કબજે કર્યો છે.

મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ, પોલીસ વેરિફિકેશન અંગે ચેતવણી

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી કમલેશ મીણા હાલ ફરાર છે. તેની સાથે અન્ય એક વ્યક્તિની સંડોવણીની પણ તપાસ ચાલી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે. પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીને ઘરકામ માટે રાખતા પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું ન હતું. પોલીસ અધિકારીઓએ નાગરિકોને ઘરકામ માટે કર્મચારી રાખતા પહેલાં ફરજિયાત પોલીસ ચકાસણી કરાવવાની અપીલ કરી છે, જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય.


આ પણ વાંચો: સુરતના ઉત્રાણમાં ચાની દુકાનમાં ચોરી અને તોડફોડ, CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: વડોદરાના બે D-Martમાંથી અમૂલ ઘીના 56 પાઉચની ચોરી, CCTVમાં 4 મહિલાઓ કેદ; પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો: RTIમાં ચોંકાવનારો ખુલાસો: અમદાવાદ સહિત દેશભરમાં ટ્રેનમાંથી કરોડોના બેડરોલની ચોરી, રેલવેને ₹104 કરોડથી વધુનું નુકસાન