Ahmedabad News/ વસ્ત્રાલમાં 2014માં પણ થયો હતો ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 14 વર્ષીય બાળમજૂરનું થયું હતું મોત; આજે ફરી ન્યાયની માંગ ઉઠી

Firecracker Factory 2014 Blast: અમદાવાદના વસ્ત્રાલના રામોલ-ગતરાડ રોડ પર 2014માં પણ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 14 વર્ષીય બાળમજૂર વિજય ચુનારાનું મોત થયું હતું. હાલની દુર્ઘટના બાદ પરિવાર ફરી ન્યાયની માંગ કરી રહ્યો છે.

Gujrat Top Stories

Ahmedabad News: વસ્ત્રાલના રામોલ-ગતરાડ રોડ પર ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ બાદ એક જૂની દુર્ઘટનાની યાદ ફરી તાજી થઈ છે. વર્ષ 2014માં (Firecracker Factory 2014 Blast) પણ આ જ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર ધડાકો થયો હતો, જેમાં 14 વર્ષીય વિજય ચુનારાનું (Vijay Chunara) મોત થયું હતું. માહિતી મુજબ, તે સમયે વિજય ફેક્ટરીમાં બાળમજૂર તરીકે કામ કરતો હતો. અચાનક થયેલા ધડાકામાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પણ ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી અંગે પ્રશ્નો ઉઠ્યા હતા.

આજની ઘટના બાદ પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો

આજે ફરી એ જ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા (Firecracker Factory 2014 Blast) બ્લાસ્ટના સમાચાર મળતા વિજય ચુનારાનો પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું કે 2014ની દુર્ઘટનામાં આજે (Justice For Vijay Chunara) સુધી તેમને ન્યાય મળ્યો નથી, અને હવે ફરી આવી જ ઘટના બનતા જવાબદારો સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ ઉઠાવી છે.પરિવારનું કહેવું છે કે જો તે સમયે અસરકારક કાર્યવાહી કરવામાં આવી હોત, તો કદાચ આજે આ પ્રકારની દુર્ઘટના ફરી ન બની હોત.

12 વર્ષ પહેલાં પણ આ જ ફેક્ટરીમાં થયો હતો બ્લાસ્ટ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આજે જ્યાં ભીષણ બ્લાસ્ટ થયો છે, તે જ ફેક્ટરીમાં અંદાજે 12 વર્ષ અને 4 દિવસ પહેલાં, એટલે કે 14 જુલાઈ 2014ના રોજ પણ જીવલેણ ધડાકો થયો હતો. તે દુર્ઘટનામાં 14 વર્ષીય વિજય ચુનારાનું મોત થયું હતું. તે સમયે આ ફેક્ટરી રમીલા ડોડીયા અને લલિત ડોડીયા ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, તે ઘટનાના માત્ર બે મહિના બાદ જ ફરી ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી શરૂ થઈ ગઈ હતી, એવો આક્ષેપ થઈ રહ્યો છે.

ધોરણ-8માં અભ્યાસ સાથે કરતો હતો બાળમજૂરી

વિજય ચુનારા તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતો હતો. પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે તે બપોરે શાળા છૂટ્યા બાદ રાત્રે લગભગ 8 વાગ્યા સુધી ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતો હતો. આરોપ છે કે, સગીર હોવા છતાં ફેક્ટરી સંચાલકો લલિત ડોડીયા અને રમીલા ડોડીયા દ્વારા તેની પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હતી. દુર્ઘટનામાં વિજયનું મોત થયા બાદ પણ વર્ષો વીતી ગયા છતાં પરિવાર આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે.

ફેક્ટરીમાં ફરી એકવાર ભીષણ બ્લાસ્ટ અને આગ

આજે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ફરી એકવાર ભીષણ બ્લાસ્ટ અને આગની ઘટના સર્જાઈ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ફાયર બ્રિગેડ, પોલીસ, RAF અને અન્ય બચાવ ટીમોએ સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરીનું લાયસન્સ અગાઉથી જ રદ કરવામાં આવ્યું હોવા છતાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવતું હતું. સમગ્ર મામલે રામોલ પોલીસ દ્વારા એક્સપ્લોઝિવ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રામોલ પોલીસે ફેક્ટરી માલિક સહિત 3 લોકોની ધરપકડ પણ કરી છે.


આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: લાયસન્સ રદ હોવા છતાં કેવી રીતે ચાલુ રહી ફેક્ટરી? હવે જવાબદારી કોની નક્કી થશે?

આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ PM મોદી અને CMએ વ્યક્ત કર્યો શોક, મૃતકોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત

આ પણ વાંચો: LIVE: અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં આગ લાગતા 10 ના મોત, ફેક્ટરી માલિક સહિત 3ની અટકાયત