નવી દિલ્હી
સતત વિવાદોમાં ઘેરાયેલી ‘પદ્માવત‘ને સુપ્રીમ કોર્ટે આખા દેશમાં રિલીઝ કરવાની મંજૂરી આપતા રાહત મળી ગઈ છે. જો કે રીલીઝની મંજુરી આપ્યા પછી પણ દેશમાં વિરોધ ઓછો નથી થયો. સુપ્રીમ કોર્ટના આદેશ પછી ઉજ્જૈનની કરણી સેના અને રાયપુરની સર્વ રાજપૂત ક્ષત્રિય સભા માનવા માટે તૈયાર નથી અને ફિલ્મનો વિરોધ ચાલુ રાખ્યો છે.
જોકે આ દરમ્યાન ફિલ્મનિર્માતા સંજય લીલા ભણસાલી માટે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર તરફથી સારા સમાચાર આવ્યા છે. ફિલ્મ ‘પદ્માવત’ના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ આર્ટ ઓફ લિવિંગના બેંગ્લુરુ ખાતેના સેન્ટરમાં સોમવારમાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખ્યું હતું. આ સ્ક્રિનિંગમાં શ્રી શ્રી રવિશંકરે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે આ ફિલ્મ જોઈ હતી અને એના બહુ વખાણ કર્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, તેમણે આ ફિલ્મની સાથે સાથે દિપીકા પાદુકોણ, શાહિદ કપૂર તેમજ રણવીર સિંહની એક્ટિંગના પણ વખાણ કર્યા હતા. શ્રી શ્રીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ રાજપૂતોના સન્માનને દર્શાવે છે અને આ ફિલ્મ રાણી પદ્મિનીને અપાયેલી ખૂબસુરત આદરાંજલિ છે.
વધુમાં શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે, આપણે આ ફિલ્મ વિશે ગર્વ અનુભવવો જોઇએ.
વારંવાર વિવાદમાં રહેતી આ ફિલ્મને ચાર રાજ્યમાં પ્રતિબંધ આપી દેવાયો હતો. આથી સંજય લીલા ભણસાલીએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી હતી.
જોકે હવે આ ફિલ્મની દેશભરમાં રિલીઝને સુપ્રિમ કોર્ટનું પણ ગ્રીન સિગ્નલ મળી ગયું છે. પરંતુ ફિલ્મ વિરુદ્ધ દેખાવોનો હજુ અંત નથી આવ્યો.
