Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસના કેટલાક કર્મચારીઓની હરકતોથી સમગ્ર પોલીસ તંત્રની બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર પોલીસની કેન્ટીન કર્મચારીઓનો વધુ એક કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં લિકર પરમીટ હોવા છતાં તેણે એક વૃદ્ધ દંપતીને કહ્યું હતું કે તેઓ તેમના પાસપોર્ટ, ડોલર, બોટલો અને રૂપિયા જમા કરાવે. 12 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આખરે વરિષ્ઠ અધિકારીએ આ મામલામાં તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી અનુસાર, મૂળ વડોદરાના રહેવાસી અને નિવૃત્ત જીવન વિતાવતા વૃદ્ધ દંપતી ગત 5 નવેમ્બરે વિયેતનામથી પરત આવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ ટેક્સી ભાડે કરી વડોદરા જવા નીકળ્યા હતા. રિંગ રોડ પર અદાણી સર્કલ નજીક પહોંચ્યા ત્યાં જ સિવિલ ડ્રેસમાં ઊભા રહેલા અને પોલીસ જેવા દેખાતા શખ્સોએ ટેક્સીને સાઈડમાં ઊભી રખાવી હતી અને પોલીસની ઓળખ આપી ચેકિંગ કરવા લાગ્યા હતા.
વૃદ્ધ દંપતીના બેગમાંથી વિદેશી દારૂની કેટલીક બોટલો મળી આવતા ગેલમાં આવી ગયેલા આ શખસોએ વૃદ્ધ દંપતીને દમદાટી આપી હતી. વૃદ્ધે પોતાની પાસે દારુ પીવાની પરમીટ છે તેમ કહી તે બતાવી પણ હતી. જોકે, જે-તે પોલીસકર્મી કોઈ વાત માનવા જ તૈયાર જ ન હતા. કાયદાનો ડર બતાવીને આ પોલીસોએ રોકડા રૂ. 12 હજાર, ડોલર અને સાથે લાવેલી દારુની બોટલો પડાવી લીધી હતી તેમ વૃદ્ધ દંપતીએ આક્ષેપ કર્યો છે.
આ બનાવ બાદ વૃદ્ધ દંપતી વડોદરા જતા રહ્યા હતા. બાદમાં તેમણે આ સમગ્ર ઘટનાક્રમ અમદાવાદમાં રહેતા એક સંબંધીને વર્ણવ્યો હતો. આ સંબંધી 6 નવેમ્બરે ફરિયાદ નોંધાવવા રામોલ પોલીસ મથકે પહોચ્યા હતા. જોકે, પોલીસ પાસેથી કોઈ હકારાત્મક જવાબ સાંપડ્યો ન હોવાનો આક્ષેપ વૃદ્ધ દંપતીના સબંધીએ કર્યો છે. 6 નવેમ્બરે રાત્રે આક્ષેપિત પોલીસ કર્મીનો ફોન વૃદ્ધ દંપતીના સંબંધી પર આવ્યો અને સમાધાન કરવાની વાત કરી હતી. જોકે, વૃદ્ધ દંપતી અને સંબંધીએ સમાધાન અંગે ઇનકાર કરી કોઈ બાંધછોડ ન કરવાનું જણાવ્યું હતું. ગભરાયેલા પોલીસકર્મીઓએ વૃદ્ધ દંપતી પાસેથી લીધેલા નાણાં અને દારુની બોટલ પરત કરીને આખરે મામલો પતાવવા માટે પણ કહ્યું હતું.
અમદાવાદમાં આઠ મહિના પહેલા સોલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આવી જ રીતે એરપોર્ટથી ઘરે જતા એક નાગરિકને ધમકી આપીને તેની પાસેથી રોકડ પડાવી લીધી હતી. બીજી ઘટનામાં મોટેરા સ્ટેડિયમમાં દિલ્હીથી મેચ જોવા આવેલા યુવકને પણ નાના ચિલોડા લઈ જઈને ટ્રાફિક પોલીસે ઓનલાઈન પૈસા ટ્રાનસફર કરાવી લીધા હતા.
આ પણ વાંચો:રાજ્યમાં દારૂબંધીના નિયમોમાં કડકાઈને બદલે છૂટછાટ, ગૃહવિભાગના પરિપત્રથી વિવાદ
આ પણ વાંચો:ગુજરાતમાં દારૂબંધી નામમાત્ર, ખેડામાં દારૂ ઝડપાયો
આ પણ વાંચો:શું સરકાર દારૂબંધીના કાયદામાં હજુ વધુ કડકાઈ લાવશે…
