Gandhinagar News: દિવ્યાંગો માટે તાલીમ આપનાર સ્પેશ્યલ એજ્યુકેટરની નિમણૂકને સરકારે જાણે મજાક સમાન બનાવી દીધી છે. રાજ્યમાં ખાલી પડેલી સ્પેશ્યલ એજ્યુકેટરની ત્રણ હજાર જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી છે. તેમા 188 લોકોને જ પાસ કરવામાં આવ્યા હતા. આ 188 પાસ કરાયેલામાંથી પાછો સરકારે 139નો જ મેરિટમાં સમાવેશ કરીને પરીક્ષા પાસ કરનારા બીજા માટે અસમંજસની સ્થિતિ સર્જી છે. આના દ્વારા સરકારે રીતસર બતાવ્યું છે કે નામ પૂરતી ભરતીની પ્રક્રિયા છે, પરંતુ ભરતી કરવામાં આવી નથી.
ગુજરાતમાં હજારો દિવ્યાંગ વિદ્યાર્થીઓ હાલ ભગવાન ભરોસે છે. તેમને ભણાવવા સ્પેશિયલ એજ્યુકેટર્સ એટલેકે, સ્પેશિયલ શિક્ષકો નથી. જે છે તેમને કોન્ટ્રાક્ટ પર થોડા પૈસા આપીને મજૂરી કરાવવામાં આવે છે તેવો આરોપ પણ શિક્ષકો લગાવી રહ્યાં છે.
કેન્દ્ર સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતમાં ક્લ્સ્ટર કક્ષાએ સામાન્ય પગારમાં આવા સ્પેશિયલ એજ્યુકેટર્સ તરીકે હજારો શિક્ષકો ગામડે ગામડે જઈને દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓને પ્રશિક્ષિત કરે છે. આમાંથી ઘણાં શિક્ષકો છેલ્લાં 10 વર્ષથી કરાર આધારિત નોકરી કરે છે. વારંવાર સરકાર દ્વારા એમને કાયમી ભરતીની રૂપેરી થાળી બતાવીને એમના મુખમાંથી કોળિયો છીનવી લેવામાં આવે છે. આ વખતની ભરતીમાં પણ કંઈક એવા જ ઘાટ ઘઢાયા છે.
ગુજરાતમાં દિવ્યાંગ બાળકોની ચિંતા કરવાની જરૂર છે. એમના માટે સામાન્ય શિક્ષકો ન ચાલે. દિવ્યાંગ બાળકો એટલેકે, સ્પેશિયલ ચાઈલ્ડને ભણાવવા તેમને પગભર કરવા તેમને પ્રશિક્ષિત કરવા માટે સ્પેશિયલ એજ્યુકેટરની જરૂર પડતી હોય છે. સ્પેશિયલ બીએડ કરીને વર્ષોથી સમગ્ર શિક્ષા અભિયાનમાં સામાન્ય પગારમાં ગામડે ગામડે ધક્કા ખાતા શિક્ષકોની ભરતીમાં ભોપાળું થયું છે. તેઓ ખાતાકીય ભરતીથી સમાવેશ કરવાની માંગ કરી રહ્યાં છે.
શિક્ષકોનો એવો પણ આરોપ છેકે, કાયમી ભરતી કરવી ના પડે એથી શિક્ષણ સચિવ વિનોદ રાવ દ્વારા કોઈકને કોઈક હથકંડ્ડા કરવામાં આવતા હોય છે. સ્પેશિયલ એજ્યુકેટર્સની કાયમી ભરતીથી સરકારની તિજોરી પર બોજો ના આવે એવું કરીને સરકાર પાસેથી શાબાશી મેળવવા માંગે છે એવું અનેક કરાર આધારિત શિક્ષકો જણાવી ચુક્યા છે.
તેમની એવી પણ ફરિયાદ છેકે, દિવ્યાંગ બાળકોના શિક્ષકોની સંખ્યા સામાન્ય શિક્ષકો કરતા ખૂબ ઓછી છે. તેમનું સંગઠન ખૂબ નાનું છે. તેથી સરકાર કક્ષાએ પણ તેમની રજૂઆતોની કોઈ નોંધ લેવામાં આવતી નથી. આવા શિક્ષકોને એક માત્ર આશા ગુજરાતના મૃદુ અને સેવાભાવી સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે છે. વર્ષોથી તેઓ દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કરાર આધારિત નોકરી કરે છે. તેમને કાયમી કરવાની માંગ કયારે પૂરી થશે?
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો
