Not Set/ ઘરમાં કે શાળામાં બાળકોને શ્રમનું મહત્વ સમજાવવું એ બાળમજૂરી નથી…!!!

આજના યુગમાં માતા-પિતાઓ બાળકને હંમેશા ગુડી- ગુડી બનાવીને રાખે છે. આવા બાળકોને ઘરમાં પાણીનો ગ્લાસ ભરવાનો પણ મહાવરો હોતો નથી. માતા-પિતા પાસે પાણી માગે તો દૂધ પણ બેઠા-બેઠા આપવામાં આવે તેવી સ્થિતિમાં ઉછરેલા બાળકો

Trending Lifestyle Relationships

માતૃત્વ : ભાવિની વસાણી

આજના યુગમાં માતા-પિતાઓ બાળકને હંમેશા ગુડી- ગુડી બનાવીને રાખે છે. આવા બાળકોને ઘરમાં પાણીનો ગ્લાસ ભરવાનો પણ મહાવરો હોતો નથી. માતા-પિતા પાસે પાણી માગે તો દૂધ પણ બેઠા-બેઠા આપવામાં આવે તેવી સ્થિતિમાં ઉછરેલા બાળકો પડકારને ઝીલવા માટે સક્ષમ હોતા નથી. કેટલાક અંશે બાળકોને માયકાંગલા બનાવવામાં આવા વાલીઓનો ફાળો હોય છે. ‘ભાર વગરનું ભણતર’ અને ‘ગુણવત્તાયુક્ત શિક્ષણ’ની વ્યાખ્યા આવા વાલીઓ બદલી નાખતા હોય છે. મને યાદ છે એ મારા શાળાના દિવસો જ્યારે મારી સ્કૂલમાં ‘ગાંધીજયંતી’ કે એવા કોઈ મોટા દિવસે શાળામાં ‘સ્વચ્છતા કાર્યક્રમ’ યોજવામાં આવતો. જેમા સ્વચ્છતાની સાથે સાથે વર્ગ સુશોભનની સ્પર્ધા રાખવામાં આવતી હતી. અને એ વખતે શાળામાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે કાર્યકરતા હતા. ખરા અર્થમાં શ્રમના સંસ્કારો ઘરમાંથી ન મળતા હોય આવા સમયે શાળામાંથી જ મળી જતા હતાં. પરંતુ આજે તો બાળક પાસે ઘરમાં તો કામ કરાવવામાં આવતું નથી અને શાળાઓ તરફથી ક્યારેક શ્રમ કરવામાં આવે તો વાલીઓ મોરચો માંડીને ઊભાં રહી જતા હોય છે. તો શું ખરેખર બાળક પાસે કામ કરાવવું જોઈએ કે નહીં ? આ વિશે અહીં કેટલાક મુદ્દાઓ સૂચવ્યા છે. જે ધ્યાનમાં રાખવાથી વાલીઓને બાળકોના જીવનનું ઘડતર કરવામાં ઉપયોગી બની શકશે. જોકે તેની સામે કેટલીક શાળાઓ કે વાલીઓએ વિવેક પૂર્વક તેનો અમલ કરવો જોઈએ.

* સૌપ્રથમ તો બાળકને કામ કરાવવું જોઈએ નહીં આ માન્યતાથી ઉપર ઉઠીને બાળક પાસે તેની ઉંમર પ્રમાણે હળવું હળવું કામ કરાવવું જોઈએ. પછી તે શાળા હોય કે ઘર, જો આવું નાનપણથી શીખવવામાં ન આવે તો બાળકોને સ્વાવલંબી બનાવી શકાશે નહીં.

* બીજું કે બાળક પાસે ઘરમાં કે શાળામાં નાનું-મોટું કામ કરાવવામાં આવે તો તેને બાળ મજૂરી ગણી શકાય નહીં.

* ‘બાળ કલ્યાણ મંત્રાલય’ દ્વારા બાળકો ના હિત માટે તેમજ અધિકાર માટે બાળ મજૂરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેની ખરા અર્થમાં વ્યાખ્યા સમજવી જરૂરી છે. બાળમજૂરી એ છે કે જેમાં માતા-પિતા કે અન્ય કોઈ સંબંધી કે પછી બાળ તસ્કરી કરાવનાર દ્વારા જાહેરસ્થળો પર અન્ય કોઈ પણ જગ્યા પર બાળકોનો આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ કરવામાં આવે તેમ જ શિક્ષણના ભોગે ઉંમર કરતાં વધારે કામ કરાવવામાં આવે. પરંતુ નાના-નાના કામ ઘરમાં કરવામાં આવે તેને બાળમજૂરી ન ગણી શકાય.

* બાળકને નાનપણથી નાના-નાના કામ ચિંધવામાં નહીં આવે તો આવા બાળકો આળસુ કે કામચોર બની જશે. અથવાતો મોટા થઈને જવાબદારી ઉઠાવવાથી દૂર ભાગશે. બાળક ગમે તેટલું નાનું હોય તેને પોતે રમેલા રમકડાં ફરીથી ઠેકાણે મુકવાની આદત તો નાંખી શકાય.

* આજના બાળકો મલ્ટી ટેલેન્ટેડ હોય છે. નાની ઊંમરમાં જ વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ તેમજ ડાન્સની એક્ટિવિટીમાં તેઓ સફળતા પૂર્વક ભાગ લેતા હોય છે. ત્યારે આ પ્રકારના શારીરિક કાર્યોની સાથે સાથે ઘરમાં પણ નાનું- મોટું કામ તેની પાસે કરાવવું જ જોઈએ.

* આજે એ સમય આવી ગયો છે કે દરેક બાળકને ઘરમાંથી જ નેતૃત્વના પાઠ શીખવવામાં આવે. ત્યારે બાળક પાસે તેને ઈચ્છા થાય તેવા ગૃહકાર્ય કરાવી શકાય કે જેમાં તેને વધારે પડતું શ્રમ ન પડે. એટલે કે બાળકને સ્વેચ્છાએ કરવું ગમતું કામ કરવા આપી શકાય જો તેને તેના માટે વધારે પડતો શારીરિક શ્રમ ન કરવો પડતો હોય.

Are Your Kids Helping Out At Home? | MathRider

* બાળકો પાસે કેવા કામ કરાવી શકાય?

જો પાંચ વર્ષનું બાળક હોય તો તેને પોતે જમેલા વાસણ તે સાફ કરવા માટે બેસીન સુધી મૂકી આવે, પોતાના યુનિફોર્મ કે કપડાં બદલીને ધોવા માટે નાખી દે, ઘરમાં વડીલો કે મહેમાનો માટે પાણીનો ગ્લાસ ભરી અને તેના હાથે અપાવવો જોઇએ, શાળામાંથી જે પણ શીખી ને આવે છે તે મુજબ તે હોમવર્ક જાતે કરી લે, ઘરમાં લાઈટ કે પંખાની સ્વિચ જો નીચે હોય તો તે ચાલુ બંધ કરી શકે, ઘરમાં જો છોડ કે રોપા ઉગાડ્યા હોય તેને પાણી પીવડાવવાનું કામ કરાવી શકાય, પાડોશીના ઘરે વાટકી વ્યવહાર માટે તેને મોકલી શકાય વગેરે કાર્યો કરવાની ઘરમાંથી જ તાલીમ મેળવી જોઈએ.

Helping Hands: 8 Ways Kids Can Help Move | Moving.com

જો બાળક આઠ થી દસ વર્ષનું હોય તો તેને સ્કૂલના ટાઈમટેબલ મુજબ સ્કુલબેગ જાતે ગોઠવવા દેવી, પોતાના કપડાં જાતે પહેરી શકે તેવી તાલીમ આપવી, જાતે નાહી-ધોઈ લેતા શીખવવું જોઈએ, સ્કૂલનું રોજેરોજનું હોમવર્ક જાતે તમારી મદદ વિના કરી લેતું થાય તે માટે તૈયાર કરવું જોઈએ, વડીલોને તબિયત સારી ન હોય ત્યારે માથુ દબાવવું , પગ દબાવવા કે પછી તાવ આવ્યો હોય તો માથે પોતા મુકતાં શીખવવું જોઈએ. અલબત્ત વધારે પ્રમાણમાં નહીં પરંતુ હળવું- હળવું તે થાકે નહીં તે રીતે કરાવવું જોઈએ. આ સિવાય વડીલો ને કંઈ જોઈતું કરતું હોય તો ઘરમાંથી અથવા તો આસપાસમાંથી લઈને તેના હાથે અપાવવું જોઈએ. અલબત્ત તેને કામ જ ચીંધવાનું રાખો જેથી તે તમને અનુસરતા શીખે અને તેને કુટુંબ જીવનનો પાઠ નાનપણથી જ મળી રહે.

Helping at Home: How to Teach Your Kids to Love Doing Chores – ZEENA

જ્યારે તમે ખરીદી કરવા જાવ ત્યારે તેના દ્વારા થોડીક વસ્તુ પસંદ કરાવો અને તેના હાથે જ પૈસા ચૂકવવા દો, આમ કરવાથી ખરીદીના અને ગણિતના બંને પાઠ શીખવી શકાશે. અને જેના કારણે તેને ગણિત જેવા વિષયમાં ભણવાનો ઉત્સાહ પણ જળવાઈ રહેશે.

ખરીદી કરેલી ચીજવસ્તુમાં ઓછા વજનની બેગ તેને ઉપાડવા દો, આ સિવાય જ્યારે સહપરિવાર બહારગામ ફરવા માટે જાઓ ત્યારે તેની બેગનો હવાલો તેને સોંપી દો. અને બધું જાતે લેવા અને મુકવા દો જેથી તેને પોતાની વસ્તુની કાળજી કરવાની ટેવ પડશે.

આજે ઘરમાં સ્ત્રીઓ પણ બહાર કામ કરતી થઈ છે ત્યારે ઘરમાં કામવાળી બાઈ ન આવે ત્યારે મમ્મીને કે દાદીને નાની-મોટી મદદ કરતા શીખવવું જોઈએ. જેમ કે ઘરમાં રમકડાં ઉપરાંત ઘણીબધી ચીજવસ્તુઓ બાળક જ્યારે ફેલાવતું હોય ત્યારે તેને ફરીથી ઠેકાણે રાખતા શીખવવું જોઈએ.

કિશોરાવસ્થામાં બાળકને કેટલાક નિર્ણયો જાતે કરવા દો, તેની સાથે સાથે તમારું માર્ગદર્શન આપતા રહો. આ ઉંમરમાં બાળકને યુવાવસ્થામાં ઉઠાવવાની જવાબદારી માટેની તાલીમ આપવાની શરૂ કરી દો. નાના મોટા કામ તેની પાસે કરવાની શરૂઆત કરો. જેમકે તેને લાઈટ બિલ, વીજળી બિલ, ફોન બિલ કરિયાણાની ચીજવસ્તુઓ વગેરેની જવાબદારી તેના પર નાખી શકાય. ઘરમાં કોઈ બીમાર હોય ત્યારે તેને દવાખાને લઈ જવું, ઘરમાં ચા, લીંબુપાણી, ઇન્સ્ટન્ટ ફૂડ, રોજિંદી રસોઈ કે પછી સહેલી રેસીપી જેવા પાકશાસ્ત્રના પાઠ ભણાવી શકાય.

How Your Kids Can Help Your Work at Home

આજે બાળકને મહદંશે લોકો બહાર ભણવા મોકલતા હોય છે ત્યારે એકલા રહીને પણ પોતાની જવાબદારી ઉઠાવી શકે તે માટેની તાલીમ તેમને ઘરમાંથી જ મળેલી હોય તો બાળકને વાંધો આવતો નથી. અન્યથા આ બાળકમાં આત્મવિશ્વાસનો અભાવ હશે તો સમાજની સાથે સમન્વય સાધતા ખૂબ જ વાર લાગશે.

માની લો કે તમે રોજ બાળક પાસે કામ કરાવવા ન માંગતા હોય તો અઠવાડિયામાં એક દિવસ એવો રાખો કે જેમાં બાળક પાસે કામ કરાવવામાં આવે કે જેથી તેને કોઈ પણ કામ કરવા માટે ખચકાટ ન રહે.

બાળકને સારો નાગરિક બનાવવું હોય તો ઘરમાંથી જ રાષ્ટ્ર પ્રત્યે ભાવના જાગે તે પ્રકારની પ્રવૃત્તિઓ થવી જોઈએ જેમ કે સારું વાંચન, સારું શિક્ષણ, સારો બોધ, સાથે જન્મદિવસની કે અન્ય ખાસ દિવસની ઉજવણી સત્કાર્યો કે સેવા કાર્યો દ્વારા કરાવવી જોઇએ જેથી તેને દુનિયાના અન્ય લોકોની તકલીફો વિષે પણ ખ્યાલ આવે.

આમ, બાળકને શ્રમનુ મહત્વ નાનપણથી સમજાવવું જરૂરી છે. અન્યથા બાળક કુવામાંના દેડકા જેવો બની રહે છે. જ્યારે નેતૃત્વની તાલીમ ઘરમાંથી મળી હશે તો બાળક દુનિયાના કોઈપણ ખૂણે આત્મવિશ્વાસપૂર્વક જીવીકે રહી શકશે તેમ જ સફળતા કે સિદ્ધિ હાંસલ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…