Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણના એક ખેડૂતને ફેસબુક પર અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી ભારે પડી છે. ‘Mary M Samuelf’ નામના ફેસબુક એકાઉન્ટથી શરૂ થયેલી મિત્રતા અંતે રૂ.6.31 લાખની સાયબર છેતરપિંડીમાં (Facebook Cyber Fraud) ફેરવાઈ હતી. ફરિયાદના આધારે રાજકોટ સાયબર ક્રાઈમે (Rajkot Cyber Crime) તપાસ શરૂ કરી અને દિલ્હી-ગ્રેટર નોઈડામાંથી એક આફ્રિકન યુવતી સહિત ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે.
Facebook Cyber Fraud: વિધવા હોવાનું કહી વિશ્વાસ જીત્યો
આરોપી યુવતીએ ફોન પર પોતે વિધવા અને એક દીકરાની માતા હોવાનું જણાવી ખેડૂતનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં તેણે ખેડૂત અને તેના પરિવાર માટે જર્મનીથી કિંમતી ગિફ્ટ મોકલ્યાનો દાવો કર્યો અને વોટ્સએપ પર સતત સંપર્કમાં રહી મિત્રતાનો સંબંધ મજબૂત બનાવ્યો.
એરપોર્ટમાંથી ગિફ્ટ છોડાવવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

થોડા દિવસ બાદ ટોળકીના અન્ય સભ્યોએ દિલ્હી એરપોર્ટના અધિકારી હોવાનું જણાવી ખેડૂતનો સંપર્ક કર્યો. ગિફ્ટ પાર્સલ કસ્ટમમાં અટવાયું હોવાનું કહી તેને છોડાવવા માટે અલગ-અલગ બહાનાં હેઠળ હપ્તાવાર રૂપિયા જમા કરાવવા જણાવ્યું. આ રીતે ખેડૂત પાસેથી કુલ રૂ.6.31 લાખ પડાવી લેવામાં આવ્યા.
AIથી હિન્દીમાં કરતી હતી વાતચીત
તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપી યુવતીને હિન્દી ભાષા આવડતી નહોતી. તેમ છતાં તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી હિન્દીમાં સંદેશા અને વાતચીત કરીને સામેવાળા વ્યક્તિનો વિશ્વાસ (AI Scam) જીતતી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ નવી ટેક્નિક સાયબર ગુનેગારોમાં ઝડપથી વધી રહી છે.
ગ્રેટર નોઈડાથી ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ
સાયબર ક્રાઈમે મોબાઈલ નંબર, સોશિયલ મીડિયા એકાઉન્ટ, બેંક ટ્રાન્ઝેક્શન, IP લોગ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે તપાસ કરતાં આરોપીઓ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી ઝડપાયા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઘાનાની એક યુવતી તેમજ તાન્ઝાનિયા અને સુદાનના બે યુવકોનો સમાવેશ થાય છે.
15 બેંક ખાતાઓથી ચાલતું હતું ફ્રોડ નેટવર્ક
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર છેતરપિંડી માટે 15 અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ તમામ શંકાસ્પદ ખાતાઓને ફ્રિઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
પોલીસે લોકોને આપી ચેતવણી
સાયબર ક્રાઈમ પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલાં સાવચેતી રાખે. વિદેશથી ગિફ્ટ, લોટરી અથવા રોકાણના નામે રૂપિયા માંગવામાં આવે તો તરત જ સાયબર હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
આ પણ વાંચો: સુરતના અંબિકા જવેલર્સના માલિક સાથે રૂ.1.09 કરોડની છેતરપિંડી, સસ્તું સોનું અપાવવાના બહાને ઠગાઈ
આ પણ વાંચો: સ્કોલરશીપના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો આક્ષેપ, 21 વિદ્યાર્થીઓના ખાતામાંથી લાખોની ઉચાપત
આ પણ વાંચો: ઔડાના મકાન અપાવવાના નામે લાખોની છેતરપિંડી, ખોટા ફોર્મ ભરાવી ₹4.80 લાખ પડાવ્યાનો આરોપ
