Surat News: અમદાવાદ ઝોન-2 LCBએ એક એવા શાતિર આરોપીને ઝડપી પાડ્યો છે જે ટીવી ન્યૂઝ ચેનલોમાં આવતા સમાચાર જોઈને ગુનાહિત ઘટનાઓની માહિતી એકઠી કરતો અને પછી પોતાની જાતને જેલર ગણાવીને જેલમાં બંધ આરોપીઓના પરિવારજનો પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો.
થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ હતી. જેમાં એક વ્યક્તિ સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના ગુનામાં ઝડપાયેલા આરોપીની પત્નીને ફોન કરીને કહે છે કે,“હું લાજપોર જેલનો જેલર બોલું છું. તમારા પતિને સારી સગવડો આપવા માટે ₹15,000 જમા કરાવો, નહીં તો જેલમાં માર પડશે.”આ ઓડિયો વાયરલ થતાં જ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
LCBમાં ચાલતી તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આ જ પ્રકારની ઠગાઈ કરનાર વ્યક્તિ ઇસનપુર વિસ્તારમાં રહે છે. ટીમે ઝડપી કાર્યવાહી કરીને આરોપી રાજેશની ધરપકડ કરી હતી.
આરોપી પાસેથી 6 કી-પેડ મોબાઈલ ફોન,2 ATM કાર્ડ,બેંક પાસબુક અનેઅન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા.રાજેશ ત્રિવેદી ન્યૂઝ ચેનલોમાં આવતા ગુનાહિત સમાચાર ઝીણવટથી જોતો.પછી Just Dial એપ દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનનો નંબર શોધીને ફોન કરી વકીલની ઓળખ આપી આરોપીના પરિવારના સભ્યોના મોબાઈલ નંબર મેળવી લેતો.
ત્યારબાદ તેમને ફોન કરીને “હું જેલર છું” એમ કહીને ટિફિન, બેડિંગ, એસી રૂમ, મોબાઈલની સગવડ વગેરે આપવા માટે પૈસા માંગતો અને ઓનલાઈન ટ્રાન્સફર કરાવતો એટલું જ નહી ના પાડનારને જેલમાં માર મારવાની, કેસ વધારવાની ધમકી આપતો.આરોપી રાજેશ ત્રિવેદી અગાઉ પણ આવી જ ઠગાઈના ગુનાઓમાં સપડાયેલો છે રામોલ પોલીસ સ્ટેશન,બાપુનગર પોલીસ સ્ટેશન,ગાંધીનગર,અમરેલી અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં પણ ઝડપાયો હતો.દરેક વખતે નકલી પોલીસ, વકીલ કે જેલ અધિકારી બનીને લોકોને છેતરતો હતો.
