Bharuch News: ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસે યુનાઇટેડ કિંગડમ (UK visa) જવા માટે ખોટા લગ્ન અને છૂટાછેડાના દસ્તાવેજો તૈયાર કરી વિઝા (UK visa ) મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કાંડમાં વકીલ સહિત ટોળકીના ચાર સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ અંગે પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી.
ભરૂચમાં વિઝા કૌભાંડ
પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરી અને તેમની ટીમે એક અરજીની તપાસ દરમિયાન આ કૌભાંડનો ખુલાસો કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, હાલ UKમાં રહેતા વલણ ગામના રીઝવાન ઇસ્માઇલ મેદાએ જંબુસરની તસ્લીમાબાનુ ઇસ્માઇલ કારભારીને પોતાની પત્ની તરીકે દર્શાવી ખોટા લગ્નના પુરાવા ઊભા કર્યા હતા. તસ્લીમાબાનુ અને અન્ય આરોપીઓએ ખોટું લગ્ન નોંધણી પ્રમાણપત્ર બનાવ્યું હતું.

UK visa માટે દસ્તાવેજી છેતરપિંડી
રીઝવાન મેદાએ એજન્ટ સોયેબ દાઉદ ઇખ્ખરીયાને ફોન કરી તસ્લીમાબાનુને પત્ની તરીકે UK visa અરજી કરવા કહ્યું હતું. 2024ના ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમાબાનુએ ખોટું લગ્ન પ્રમાણપત્ર એજન્ટ પાસે રજૂ કરી ડિપેન્ડન્ટ વિઝા પર રીઝવાનને યુ.કે. બોલાવી લીધો હતો.
બાદમાં પૈસાની લેવડ-દેવડને લઈને વિવાદ થતાં રીઝવાન મેદાએ અરજદાર મિન્હાજ યાકુબ ઉઘરાદાર દ્વારા પોલીસ પાસે ખોટી ફરિયાદ કરી હતી. તપાસમાં ખુલ્યું કે તસ્લીમાબાનુના સગા ભાઈ ફૈઝલ કાંઠારીયા અને કેનેડામાં રહેતા વકીલ સાજીદ કોઠીયાએ ભરૂચ કોર્ટનું ખોટું છૂટાછેડા જજમેન્ટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં ગુનાહિત કાવતરું અને એકબીજાને મદદ કરવાનું બહાર આવતાં પાલેજ પોલીસે પોતે ફરિયાદી બનીને ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે વિઝા મેળવ્યો હોવાથી બ્રિટિશ હાઇ કમિશન અને એમ્બેસીને જાણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, આ ટોળકીએ ભરૂચ કે અન્ય જિલ્લાઓમાં પણ આવા ગુના કર્યા હોય તે અંગે તપાસ ચાલુ છે.આવા કૌભાંડો વિદેશ જવા ઇચ્છુક લોકો માટે ચેતવણીરૂપ છે કે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કાયદાકીય કાર્યવાહીને આમંત્રણ આપે છે.
આ પણ વાંચો:સાબરકાંઠામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ, સિકંદર લોઢા અને તેમના પુત્ર સામે SIT તપાસ શરૂ
