Gandhinagar News : 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નેતૃત્વમાં ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયગાળામાં ગુજરાતનો વિકાસ (Gujarat Development) માત્ર આંકડાઓ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ડિજિટલ ગવર્નન્સ અને ગ્રીન ગ્રોથ જેવા વિવિધ ક્ષેત્રોમાં લાંબા ગાળાના પરિવર્તન પર ભાર મૂકાયો છે.
ગુજરાતનો વિકાસ (Gujarat Development) : મોટા બજેટથી લાંબા ગાળાની દિશા
રાજ્ય સરકારે વિકાસના પાંચ મુખ્ય સ્તંભ—સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ—ને કેન્દ્રમાં રાખીને ₹4.08 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું ગુજરાત બજેટ (Gujarat Budget) રજૂ કર્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 19 મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકાઈ છે. તેમાં આત્મનિર્ભરતા, બાયોટેક્નોલોજી, IT/ITeS, સ્પોર્ટ્સ, ડ્રોન, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ટેક્સટાઇલ, સ્પેસટેક, ડેટા સેન્ટર અને શિપબિલ્ડિંગ જેવી નીતિઓનો સમાવેશ થાય છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચાર આવૃત્તિઓ દરમિયાન પ્રાદેશિક આકાંક્ષાઓને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે જોડવાનો પ્રયાસ થયો અને ₹17.4 લાખ કરોડના રોકાણ માટે MoU થયા છે. ગુજરાતને દેશના ભવિષ્યના ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવામાં આ નીતિ આધારિત અભિગમ મહત્વપૂર્ણ બન્યો છે.
સેમિકન્ડક્ટરથી AI સુધી ભવિષ્યના ક્ષેત્રોમાં આગેકૂચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નેતૃત્વમાં સેમિકન્ડક્ટર ગુજરાત (Semiconductor Gujarat) માટે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. રાજ્યમાં છ સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી મળી છે, જેમાંથી ત્રણ પ્લાન્ટ વ્યાવસાયિક રીતે કાર્યરત થયા હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે. સાથે જ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનિક્સ, સ્પેસટેક, AI, ડેટા સેન્ટર, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં પણ નીતિ આધારિત વિકાસને વેગ મળ્યો છે.
ગુજરાતે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ તૈયાર કરનાર દેશના પ્રથમ રાજ્ય તરીકે લાંબા ગાળાના વિકાસનું વિઝન રજૂ કર્યું છે. NITI Aayogની પેટર્ન પર GRIT અને વહીવટી કાર્યક્ષમતા વધારવા GARCની રચના પણ કરવામાં આવી છે.
સુશાસનથી શિક્ષણ અને મહિલા સશક્તિકરણ સુધી
સમાનતા, ન્યાય અને એકતાના સંકલ્પને આગળ વધારતા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે UCC ગુજરાત (UCC Gujarat) બિલ પસાર કરવામાં આવ્યું છે. નાગરિક સેવાઓને વધુ સરળ બનાવવા ‘સુગમ ડિજિટલ ગુજરાત’ શરૂ કરાયું છે, જેમાં પેપરલેસ, કેશલેસ અને ફેસલેસ સેવાઓ પર ભાર મૂકાયો છે. ‘મારી યોજના’ પોર્ટલ પર 680થી વધુ સરકારી યોજનાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે. ‘સ્વાગત 2.0’, સ્વાગત મોબાઇલ એપ, રાઇટ ટુ CMO માટે SWAR પ્લેટફોર્મ અને ‘ગુજમાર્ગ’ જેવી ડિજિટલ પહેલો પણ અમલમાં આવી છે.
મહિલા અને વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અને નમો શ્રી યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકાઈ છે. રાજ્યમાં 8.39 લાખ લખપતિ દીદી સુધી પહોંચવાનું પણ મહિલા આર્થિક સશક્તિકરણ તરફનું મહત્વનું પગલું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમત અને શહેરી વિકાસને વેગ
ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Gujarat Infrastructure)ના ક્ષેત્રમાં પણ મોટા પ્રોજેક્ટ્સ સાથે આગળ વધી રહ્યું છે. 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરીને શહેરોને ભવિષ્યની જરૂરિયાતો પ્રમાણે આધુનિક બનાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા આગામી સમયમાં રમતગમતની સુવિધાઓ સાથે શહેરી માળખાકીય વિકાસને પણ વેગ મળવાની અપેક્ષા છે.
આ ઉપરાંત 2,649 અમૃત સરોવરોનું નિર્માણ પૂર્ણ થયું છે, જે નિર્ધારિત લક્ષ્યાંકના 107 ટકા જેટલું છે. કચ્છના છારી-ઢુંઢ કન્ઝર્વેશન રિઝર્વને રામસર સાઇટનો દરજ્જો મળતાં ગુજરાતમાં રામસર સાઇટની સંખ્યા પાંચ થઈ છે.
સરકારે મહેસૂલી ક્ષેત્રમાં પણ અનેક સુધારા કર્યા છે. 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં મહત્વપૂર્ણ સુધારા, જમીન સંબંધિત નિયમોમાં ફેરફાર અને પ્રીમિયમ મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરતની પૂર પરિસ્થિતિ બાદ રોજિંદા કામદારો, નાના ઉદ્યોગો અને મધ્યમવર્ગીય વેપારીઓ માટે ₹550 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.
આ સમગ્ર સફરમાં આંતરરાષ્ટ્રીય સ્તરના G-20 કાર્યક્રમો, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ અને RE-Invest 2024 જેવા કાર્યક્રમોના સફળ આયોજનથી ગુજરાતની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બની છે. એપ્રિલ 2025માં ₹14,970 કરોડની વિક્રમી GST વસૂલાત પણ રાજ્યની મજબૂત આર્થિક પ્રવૃત્તિનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે.
પાંચ વર્ષના આ સમયગાળામાં સરકાર દ્વારા નીતિ, સુશાસન, ટેક્નોલોજી, ઉદ્યોગ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાથે લઈને ગુજરાતને 2047ના વિકસિત રાજ્યના લક્ષ્ય તરફ આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : હીરા સોલંકીની ગર્જનાઃ ગુજરાતનો વિકાસ જોઈને બંગાળને પણ ઇર્ષા થાય છે
આ પણ વાંચો : ગુજરાતનો વિકાસ થાય તેવું બજેટ રહેશે, સૌનો સાથ સૌનાં વિકાસનો દ્રષ્ટિકોણ રહેશે, ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થઇ, ગુજરાતનાં લોકોને વધુ સુવિધા આપવી, અમારી
આ પણ વાંચો : વેડંચા મોડેલ: ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટ…ગ્રામીણ વિકાસનું એક ઝળહળતું રત્ન..!
