Vadodara News/ પી.ટી. જાડેજાની ધરપકડને પગલે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, અમદાવાદ વડોદરામાં પણ પડઘા

વડોદરામાં પણ રાજપૂત સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે

Gujarat Vadodara

Vadodara News : પી.ટી.જાડેજાની ધરપક઼ડના પડઘા અમદાવાદ અને વડોદરામાં પણ પડ્યા છે. બીજીતરફ ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે. પી.ટી.જાડેજાને છોડવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી. ટી. જાડેજાની સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને આજે ક્ષત્રિય સમાજ દ્વારા આજે અમદાવાદ અને વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજનાં ભાઈઓ અને બહેનો દ્વારા કલેક્ટરને મળીને આવેદનપત્ર આપીને માગ કરી હતી કે પી. ટી. જાડેજા સામે લગાવેલા આરોપો ખોટા છે.

ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી છે, જો જલદીથી નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.અમદાવાદ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપીને ક્ષત્રિય સમાજના આગેવાને જણાવ્યું હતું કે સૌ ક્ષત્રિય રાજપૂત સમાજનાં ભાઈ-બહેનો પી.ટી. જાડેજાની એકાએક સામાન્ય કેસમાં “પાસા” હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે, એ બાબતનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ. સરકાર દ્વારા ક્ષત્રિય સમાજને સતત અન્યાય થઇ રહ્યો છે, એવી લાખો ક્ષત્રિયોમાં લાગણી પેદા થઈ છે.

તેમને તાત્કાલિક છોડી મૂકવા અમારી આગ્રહભરી વિનંતી અને માગણી છે.સમગ્ર રીતે આ કેસ બનાવટી ઊભો કરીને ખોટી પાસા કરવામાં આવ્યા છે, જે રદ થવાને પાત્ર છે. જો સરકાર દ્વારા આ રદ કરવામાં નહી આવે તો સ્પષ્ટ કિન્નાખોરી સાબિત થશે, જેની નોંધ ક્ષત્રિય સમાજ લેશે. જે સરકાર અને સતા પક્ષ બંનેની લાંબા ગાળાના હિત વિરુદ્ધ થશે.

બીજી તરફ વડોદરામાં પણ રાજપૂત સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. વડોદરા શહેર જિલ્લાના વિવિધ રાજપૂત સમાજના બનેલા ગુજરાત રાજપૂત સેના સમાજની આગેવાનીમા પ્રમુખ, મંત્રીઓ સહિત હોદ્દેદારો રેલીરૂપે કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી. જાડેજાને “પાસા”માંથી મુક્ત કરવા કલેકટર સમક્ષ માગ કરી હતી.અખિલ ગુજરાત રાજપૂત સંઘ વડોદરાના પ્રમુખ ચેતનસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજના અગ્રણી પી.ટી. જાડેજા સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. એની સામે અમારો વિરોધ છે. તાત્કાલિક તેમના સામે લગાવવામાં આવેલા “પાસા” રદ કરવામાં આવે.

તેમની સામે આરોપો લગાવ્યા છે એ ખોટા છે. સરકાર દ્વારા પી.ટી. જાડેજા સામે લગાવવામાં આવેલા “પાસા” રદ કરવામાં નહીં આવે તો રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.રાજપૂત સમાજ મહિલા વિંગનાં મંત્રી ગીતાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજના અગ્રણી પી.ટી. જાડેજાને પાસા કરવામાં આવ્યા છે. એ ખોટું છે. તેમનો કોઇ મોટો ગુનો નથી કે પાસા જેવા ગંભીર પ્રકારના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવે. અમારી માગણી છે કે પી.ટી. જાડેજા સામે લગાવવામાં આવેલા “પાસા” રદ કરવામાં આવે અને તેમને મુક્ત કરવામાં આવે.

કેટલાક લોકો બદઇરાદાથી અમરનાથ મહાદેવ મંદિરનો ગેરકાયદે કબજો કરવાનો ઈરાદો ધરાવતા હતા, તેને અટકાવવાના પ્રયત્ન કરતાં એક સામાન્ય કેસને પોલીસ દ્વારા ખોટું અર્થઘટન કર્યું છે. આ ફરિયાદમાં રજૂ થયેલ વિગતો જોતાં આ કેસમાં પોલીસ સ્ટેશનથી જ જામીનપાત્ર છે. આ કેસમાં પાસા કરીને સરકારે પી.ટી.જાડેજાને સ્પષ્ટ અન્યાય કર્યાનો આક્રોશ સમગ્ર ક્ષત્રિય સમાજમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. અમે સૌ એનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ.

પી.ટી.જાડેજા હાલમાં ક્ષત્રિય સમાજમાં તેમની નિઃસ્વાર્થ સેવાઓને ગુજરાતમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ છે, કોઈ સારા ગુણ વગર કોઈ એટલું લોકપ્રિય ન થઇ શકે. પી. ટી. જાડેજાએ જે પણ કર્યું છે એ ધર્મ અને કાયદાની રક્ષા માટે કર્યું છે.સરકારનાં આ પગલાં દ્વારા સમગ્ર ગુજરાતના લાખો ક્ષત્રિયોને નારાજ કરી રહી છે. આ અન્યાય તાત્કાલિક દૂર કરીને પાસા રદ કરવા અમારી માગણી છે.

ક્ષત્રિય સમાજમાં સરકારની કાર્યપદ્ધતિથી નારાજગી હતી, એ રોષ ઠંડો પડી ગયો છે અને ફરીથી સરકાર સાથે તાલમેલથી રાષ્ટ્રહિતમાં, ધર્મહિતમાં કાર્ય કરવાનું ચાલુ થઇ ગયું હતું. જે આ પગલાંથી ફરીથી ઘાવ તાજા થશે અને સરકાર તથા પક્ષ સામે ક્ષત્રિય સમાજની નારાજગી ખૂબ જ વધી છે.પી.ટી. જાડેજા દ્વારા આપવામાં આવેલા ફરિયાદમાં FIR નોંધવામાં આવી નથી અને પોલીસે એકતરફી વર્તન કર્યું છે. કોઈપણ સરકાર અન્યાય કરીને લોકપ્રિય ન થઇ શકે. આ અન્યાય દૂર કરીને પી.ટી.જાડેજા દ્વારા આપેલ ફરિયાદ ની FIR તુરંત લેવી જરૂરી છે.પી.ટી. જાડેજાની ઉંમર 64 વર્ષે છે, તેથી સિનિયર સિટિઝનને પાસામાં પૂરી શકાતા નથી એવું કોર્ટનું માર્ગદર્શન મળ્યું છે.

પાસા માટે જે બીજો કેસ બનાવ્યો છે એ હમણાં જ તા. 1લી જુલાઈના રોજ જ FIR register થઈ છે, જે પોલીસ સ્ટેશનથી જ જામીનપાત્ર ગુનો છે અને તરત એનો સંદર્ભ આપીને પાસા કરી શકાય નહીં એવું તમામ સિનિયર કાયદાના નિષ્ણાતોનું કહેવું છે. ત્રીજી કેસમાં માત્ર પોલીસ દ્વારા બનાવટી નનામી અરજી કરીને ઊભો કરવામાં આવ્યો છે.પી.ટી.જાડેજા પર ખોટી રીતે લગાડવામાં આવેલા પાસા તરત પાછો ખેંચીને પાસા રદ કરીને તેમને તરત જેલમુક્ત કરવાની અમારી માગણી છે.ખોટા કેસનો આરોપ: સંગઠનનું કહેવું છે કે પી.ટી. જાડેજાને જાણીજોઈને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે, જેમાં અમરનાથ મહાદેવ મંદિરના ગેરકાયદે દબાણનો કેસ અને PASA (પાસા) કેસનો સમાવેશ થાય છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે જાડેજા ગુજરાતમાં તેમની સમાજ સેવા માટે ખૂબ જ લોકપ્રિય છે અને તેમની સામે કોઈ ષડ્યંત્ર રચાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી. પી.ટી. જાડેજા હંમેશાં ધર્મ અને કાયદાનું પાલન કરે છે. સરકારની નીતિઓ સામે પ્રજામાં વ્યાપક નારાજગી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગેરકાયદે કામગીરી કરીને પી.ટી. જાડેજા પર ખોટા કેસ કરવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે એકતરફી વલણ અપનાવ્યું છે.

ગુજરાત રાજપૂત યુવા સેનાની સ્પષ્ટ માગણી છે કે પી.ટી.જાડેજા પર ખોટી રીતે લગાડવામાં આવેલા પાસા, તરત પાછો ખેંચીને એને રદ કરીને તેમને તાત્કાલિક જેલમુક્ત કરવામાં આવે.રાજકોટના સાંસદ રૂપાલાએ 2024માં ક્ષત્રિયો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ 14 એપ્રિલ, 2024થી રાજ્યમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનનો ચહેરો રહેલા પી.ટી.જાડેજા પર હવે કાયદાકીય ગાળિયો કસવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય આગેવાન પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજાની ધમકી આપવા મામલે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે પી.ટી.ને પોલીસે ઉઠાવી લીધા હતા અને પોલીસ મથકે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કંડલા બંદર પર કેમિકલ ટેન્કર જહાજમાં થયો વિસ્ફોટ, 21 ક્રૂ મેમ્બર સવાર હતા

આ પણ વાંચો:સાણંદના મોડાસરમાં ઇલેક્ટ્રિક થાંભલામાં ધડાકા: ગામ આખું અંધકારમય બન્યું

આ પણ વાંચો:બોરસદના ખેડૂત પુત્રનો CA ફાઈનલમાં ઓલ ઈન્ડિયા 9મો રેન્ક :સુરતના શુભમને 13મો રેન્ક, ઈન્ટરમીડિએટમાં તન્મય જૈનનો ચોથો રેન્ક; ફાઈનલનું 18.75 ટકા રિઝલ્ટ