છોટાઉદેપુર/ નગરના વિકાસ માટે રૂા. ૧,૧૨,૫૦,૦૦૦/-નો ચેક નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને એનાયત કરવામાં આવ્યો

સરકાર દરેક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજના બનાવે છે મંત્રી: કુંવરજીભાઇ બાવળિયા

Gujarat Others

રાજયના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રાજય સરકાર દ્વારા દરેક વર્ગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવે છે એમ, રાજયના પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલ ખાતે રાજયના પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીની અધ્યક્ષતામાં આયોજીત શહેરી જનસુખાકારી દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજય અને કેન્દ્ર સરકારની શહેરી વિકાસ માટેની વિવિધ યોજનાઓની વિગતે જાણકારી આપી હતી. મંત્રી કુંવરજીભાઇએ છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસકામોનું વિવરણ રજૂ કરતા જણાવ્યું હતું કે, છોટાઉદેપુર નગરમાં જનસુખાકારીના રૂા. ૮૮૯.૨૦ લાખના કામો પ્રગતિ હેઠળ છે તેમજ રૂા. ૭૮૨.૩૧ લાખના વિવિધ પ્રકલ્પોનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે એમ વધુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવનારા કામો અંગે પણ જાણકારી આપી હતી.
વધુમાં મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર નગરમાં રૂા. ૧૮.૯૦ કરોડના ખર્ચે ૫૪૦ લાભાર્થીઓને આવાસ સહાય આપવામાં આવી છે એમ કહી તેમણે રાજય સરકાર દ્વારા રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલા કામોના લેખાજોખા પ્રસ્તુત કર્યા હતા.

છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં રહેતા લોકોની જન સુખાકારીમાં વધારો થાય એ માટે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા છે એમ જણાવી તેમણે રાજય સરકાર ગામડામાં રહેતા લોકો હોય કે શહેરમાં રહેતા લોકો હોય એ તમામનો વિકાસ થાય એની ચિંતા કરે છે એમ ઉમેરી તેમણે રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને અન્ય મહાનુભાવોએ છોટાઉદેપુર નગર વિસ્તારમાં રૂા. ૫૮.૨૪ લાખના કામો કામોનું ખાતમુહૂર્ત કરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છોટાઉદેપુર નગરના વિકાસ માટે રૂા. ૧,૧૨,૫૦૦૦૦/-નો ચેક નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને એનાયત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા છોટાઉદેપુર પ્રાંત કલ્પેશ ઉનડકટે કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમની આભારવિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી.રાઠવાએ આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, માજી સાંસદ રામસિંહભાઇ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ ઝાકીરભાઇ દડી, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.