NRI News 2026: ગુજરાતમાં અત્યારે વિદેશ જવાનો ક્રેઝ એટલો વધ્યો છે કે તે હવે માત્ર કરિયર નહીં પણ એક ‘સ્ટેટસ સિમ્બોલ’ બની ગયો છે. પશ્ચિમી દેશોની ઝાકમઝોળ જોઈને દર વર્ષે આશરે એક લાખ ગુજરાતીઓ વિદેશ (Foreign) પહોંચે છે. પરંતુ તાજેતરના અહેવાલો મુજબ, આંખોમાં સપના સજાવીને ગયેલા દર ચારમાંથી એક વ્યક્તિએ (25%) માત્ર 5 થી 7 વર્ષમાં જ નિષ્ફળ થઈને પરત ફરવું પડે છે.
નાની ઉંમરે Foreign જવાનો વધતો અબખલો
પહેલાના સમયમાં મોટાભાગના વિદ્યાર્થીઓ (80%) પોસ્ટ ગ્રેજ્યુએશન માટે વિદેશ (Foreign) જતા હતા, જેનો ખર્ચ મર્યાદિત હતો. પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે:
હવે 40% વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી જ બેચલર્સ ડિગ્રી માટે વિદેશ જાય છે.
ચાર વર્ષના અભ્યાસ પાછળ પરિવારો 1 કરોડ રૂપિયા સુધીની મોટી રકમ ખર્ચે છે.
મધ્યમ વર્ગના માતા-પિતા પોતાની પોતાની એકઠી કરેલી રકમ ખર્ચીને કે મોટી લોન લઈને સંતાનોને મોકલે છે, ત્યારે પરત ફરવાની સ્થિતિમાં પરિવાર દેવામાં ડૂબી જાય છે.
યુવાનોને પરત ફરવા મજબૂર કરતા મુખ્ય કારણો
વિઝા કન્સલ્ટન્ટ્સ અને નિષ્ણાતોના મતે, આંધળી દોટ મૂકનાર યુવાનો નીચેના કારણોસર નિષ્ફળ જાય છે:
માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, ત્યાંની હરીફાઈમાં ટકી રહેવા માટે જરૂરી કૌશલ્ય (Skills) ન વિકસાવતા નોકરી મળતી નથી.
ભણતરમાં ધ્યાન આપવાને બદલે ખોટી સોબતમાં પડી જવું.
કેનેડા, યુકે જેવા દેશોમાં વર્ક પરમિટ અને પીઆર (PR) ના નિયમો સતત કડક થઈ રહ્યા છે.
અનેક એજન્ટો કઝાકિસ્તાન, જોર્જિયા કે માલ્ટા જેવા દેશો અથવા અજાણી કોલેજોમાં મોકલી દઈને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરે છે.
નિષ્ફળતાનું સામાજિક ભારણ
જ્યારે કોઈ યુવાન લાખો રૂપિયા ખર્ચીને વિદેશથી ખાલી હાથે પરત ફરે છે, ત્યારે તેણે દેશમાં આવીને ફરી શૂન્યથી શરૂઆત કરવી પડે છે. સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો ડર અને આર્થિક અસ્થિરતા યુવાનોને માનસિક રીતે તોડી નાખે છે.
નિષ્ણાત સલાહ: માત્ર દેખાદેખીમાં કે સ્ટેટસ માટે વિદેશ (Foreign) જવાનું ટાળવું જોઈએ. જે દેશમાં જવું હોય ત્યાંની યુનિવર્સિટી, નોકરીની તકો અને પીઆરના નિયમોની જાતે તપાસ કરવી અનિવાર્ય છે.
આ પણ વાંચો :ઈરાન પાસે શાંતિ માટે 48 કલાક, 14 મુદ્દાની સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર; શું યુદ્ધનો અંત આવશે?



