US-Iran Peace Deal 2026: પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે આશાનું એક કિરણ દેખાયું છે. અમેરિકા અને ઈરાન (Iran) વચ્ચે જંગ ખતમ કરવા માટે 14 મુદ્દાની એક નવી સમજૂતીનો મુસદ્દો (ડ્રાફ્ટ) તૈયાર કરવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસના દાવા મુજબ, બંને દેશો આ ઐતિહાસિક સમજૂતીની ખૂબ જ નજીક છે અને આગામી 48 કલાકમાં ઈરાન આ અંગે પોતાનો અંતિમ પ્રતિસાદ આપી શકે છે.
સમજૂતીના ડ્રાફ્ટના મુખ્ય મુદ્દાઓ
વ્હાઇટ હાઉસ દ્વારા તૈયાર કરાયેલ આ એક પેજનું સમજૂતીપત્ર (MoU) યુદ્ધ વિરામ અને પરમાણુ મંત્રણા માટેનું માળખું તૈયાર કરશે:
પરમાણુ કાર્યક્રમ: ઈરાન (Iran) તેના પરમાણુ સંવર્ધન પર કામચલાઉ પ્રતિબંધ મૂકશે. જોકે, આ પ્રતિબંધના સમયગાળા બાબતે હજુ વિવાદ છે (ઈરાન 5 વર્ષ અને અમેરિકા 20 વર્ષની માંગ કરી રહ્યું છે).
પ્રતિબંધોમાં મુક્તિ: સમજૂતીના બદલામાં અમેરિકા ઈરાન (Iran) પરથી ધીમે-ધીમે આર્થિક પ્રતિબંધો હટાવશે અને તેની જપ્ત કરેલી ડોલર સંપત્તિ છૂટી કરશે.
હોર્મુઝ જળમાર્ગ: બંને દેશો હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજો પરથી પ્રતિબંધો હટાવવા સંમત થશે, જેથી વૈશ્વિક સપ્લાય ચેઈન પુનઃસ્થાપિત થઈ શકે.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાથી હાલ પૂરતું ‘ઓપરેશન પ્રોજેક્ટ ફ્રીડમ’ રોકી દેવામાં આવ્યું છે.
વૈશ્વિક તેલ ભંડારમાં ચિંતાજનક ઘટાડો
હોર્મુઝની નાકાબંધીને કારણે વિશ્વના તેલ પુરવઠા પર માઠી અસર પડી છે:
એપ્રિલમાં ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ પ્રોડક્ટ્સની નિકાસમાં 2 કરોડ બેરલનો જંગી ઘટાડો નોંધાયો છે.
મધ્યપૂર્વની કટોકટીને કારણે જાપાને 2 વર્ષમાં પ્રથમ વખત રશિયાના સખાલિન તેલ ક્ષેત્રમાંથી પુરવઠો મેળવ્યો છે.
વિશ્વમાં તેલનો પુરવઠો જે સામાન્ય રીતે 50 દિવસનો રહેતો હતો, તે ઘટીને હવે માત્ર 45 દિવસનો થઈ ગયો છે.
ભારત માટે LPG પુરવઠાનું સંકટ
ભારત માટે આ સમજૂતી અત્યંત મહત્વની છે કારણ કે હોર્મુઝમાં તણાવને કારણે ભારતના LPG ટેન્કરો ફસાયેલા છે:
ભારતમાં 33 કરોડ LPG જોડાણો છે, જેની સામે PNG જોડાણો માત્ર 1.62 કરોડ છે. જો પુરવઠો લાંબો સમય ખોરવાય તો રાંધણ ગેસની અછત સર્જાઈ શકે છે.
સરકાર જૂન 2026 સુધીમાં વધુ 60 લાખ PNG જોડાણો આપવાનું લક્ષ્ય ધરાવે છે જેથી આયાતી LPG પરની નિર્ભરતા ઘટાડી શકાય.
અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે આ સમજૂતી માત્ર ઉર્જા સુરક્ષા જ નહીં પરંતુ ભારત જેવા દેશો માટે માનવીય સહાય સમાન છે, કારણ કે અહીં અબજો લોકો રસોઈ માટે LPG પર આધારિત છે.
આ પણ વાંચો :બ્રાઝિલમાં રહેણાંક બિલ્ડિંગ સાથે વિમાન ટકરાયું, 3 ના મોત, જુઓ 9/11 જેવો ભયાનક વીડિયો
આ પણ વાંચો :ગેસના ભાવમાં 1300નો વધારો, ભારતનું નામ આગળ ધરી અમેરિકાએ ચીન અને ઈરાન પર દબાણ વધાર્યું
આ પણ વાંચો :તેલના ભંડારમાં ગાબડું, એશિયાના અર્થતંત્ર પર જોખમ; ભારત સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ
