West Bengal News : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા વધતી જતી વચ્ચે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. કોલકાતાના મધ્યગ્રામ વિસ્તારમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (Suvendu ADhikaris Pa) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા (Shot Dead)કરવામાં આવી છે.
બાઇક સવાર હુમલાખોરોએ કર્યો ટાર્ગેટેડ હુમલો
મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે આશરે 11:30 વાગ્યે ચંદ્રનાથ રથ સફેદ રંગની સ્કોર્પિયો કારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમની કારને રોકી નજીકથી 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળીઓ રથના છાતીમાં વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ઘટના બાદ તરત જ તેમને નજીકના નર્સિંગ હોમમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાથી વિસ્તારમાં ભય અને તણાવનું વાતાવરણ સર્જાયું છે.
TMC કાર્યકરો પર આરોપ
ચંદ્રનાથ રથની હત્યાનો આરોપ TMCના કાર્યકરો પર મૂકવામાં આવ્યો છે. જોકે, પોલીસે તપાસ શરૂ કરી છે અને હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પરિણામ બાદ બંગાળમાં વધતી હિંસા

પશ્ચિમ બંગાળમાં 4 મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદથી હિંસક ઘટનાઓમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ચાર લોકોના મોત થયા છે, જેમાં ભાજપ અને TMCના 2-2 કાર્યકરોનો સમાવેશ થાય છે.
અન્ય વિસ્તારોમાં પણ તણાવ
- કોલકાતાના ન્યૂ માર્કેટ વિસ્તારમાં ભીડે TMC ઓફિસને નુકસાન પહોંચાડ્યું.
- આસપાસની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી.
- નોર્થ 24 પરગણા જિલ્લાના સંદેશખાલી વિસ્તારમાં પોલીસ અને કેન્દ્રીય દળો પર હુમલો થયો.
- ગોળીબારમાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા.
સુરક્ષા પર પ્રશ્નચિન્હ
આ તમામ ઘટનાઓને પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાલ પોલીસે વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે.
