સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. વિપીનભાઈ ટોલિયાના નામે સુરેન્દ્રનગર રિવરફ્રન્ટના નામકરણ સમારોહમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તકતી અનાવરણ કરી, રિવરફ્રન્ટનું નામકરણ કર્યું હતું.
“વ્યક્તિત્વની ઊંચાઈ અને સંબંધોની પહોળાઈ સ્વ.શ્રી વિપીનભાઈ ટોલિયામાં હતી” તેમ કહી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સ્વ. વિપીનભાઈ ટોલિયાના નેતૃત્વમાં સુરેન્દ્રનગર શહેરના વિકાસ માટેના અનેક કાર્યો હાથ ધરાયા હતા. સુરેન્દ્રનગર રિવરફ્રન્ટનું કાર્ય પણ તે પૈકીનું એક હોવાથી આ કામ સાથે આજે તેમનું નામ જોડતા સુરેન્દ્રનગર શહેરે સાચા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ રિવરફ્રન્ટ થકી સૌ કોઈ આ વ્યક્તિત્વને હરહંમેશ યાદ રાખશે, તેમ ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ વેગવંતો બન્યો છે. હાલમાં પણ નવીન ઉદ્યોગો અને અનેક નવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના થકી સુરેન્દ્રનગર ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. સૌને સાથે લઈને ચાલવું અને સૌની ચિંતા કરવી તે નેમ સાથે સરકારે નાના અને છેવાડાના લોકો માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલીકૃત કરી છે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાએ સ્વ. વિપીનભાઈ ટોલિયા સાથેના સંસ્મરણોને યાદ કરતાં તેમના દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કરવામાં આવેલ વિકાસ કાર્યોને બિરદાવ્યા હતા. જ્યારે શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયાએ આ તકે સ્વ.શ્રી વિપીનભાઈ ટોલિયાને સંવેદનશીલ પ્રમુખ ગણાવી શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ શાબ્દિક સ્વાગત કર્યું હતું, તેમજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મનહરસિંહ રાણાએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, અગ્રણી સર્વ નીતિનભાઈ ભારદ્વાજ, જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, રણજીતસિંહ ઝાલા, શંકરભાઈ વેગડ, દિલીપભાઇ પટેલ, અનિરુદ્ધસિંહ પઢિયાર, ચંદ્રેશભાઇ પટેલ, જયેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ, જગદીશભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
