Morbi News: મોરબીની ફાસ્ટા સેશન્સ કોર્ટે ગુરુવારે મહત્વનો ચુકાદો આપતાં શિક્ષક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ વિજય સરડવાને દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની કડક કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપીને રૂપિયા 5 લાખનો દંડ પણ ઠોકવામાં આવ્યો છે. દંડની રકમ ભોગ બનેલી શિક્ષિકાને વળતર તરીકે ચૂકવવાનો આદેશ કોર્ટે કર્યો છે.
લાલચ આપીને આચર્યું દુષ્કર્મ
આ ગંભીર કેસ વર્ષ 2018નો છે. રાજકોટમાં રહેતી એક પ્રાથમિક શિક્ષિકાએ મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી (Morbi) જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ વિજય સરડવાએ શિક્ષકોની ચિંતન શિબિર દરમિયાન તેમની સાથે પરિચય વધાર્યો હતો. ત્યારપછી “હું મારી પત્નીને છૂટાછેડા આપીને તારી સાથે લગ્ન કરીશ” એવી ખોટી લાલચ આપીને રાજકોટ, અમદાવાદ તેમજ અન્ય સ્થળોએ હોટેલોમાં લઈ જઈને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે વિજય સરડવા પહેલેથી જ પરણિત છે અને તેમના બે બાળકો પણ છે. છતાં તેમણે ભોગ બનેલી શિક્ષિકાને લગ્નનું વચન આપીને લાંબો સમય શોષણ કર્યું હતું. વધુમાં, જ્યારે પીડિતાની સગાઈ નક્કી થઈ ત્યારે આરોપીએ તેની સાથેના અંગત ફોટા અને વીડિયો પીડિતાના મંગેતરને મોકલીને સગાઈ તોડાવી દીધી હતી.લાંબી સુનાવણી બાદ અદાલતે ભોગ બનેલી શિક્ષિકાના નિવેદન, તબીબી પુરાવા, વૉટ્સએપ ચેટ, ફોટા-વીડિયો તેમજ અન્ય ડિજિટલ પુરાવાના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
આ પણ વાંચો:માં દીકરાના સંબંધને લજવતો કિસ્સો, પોતાના જ પિતાની કબર પર લઈ જઈ આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:અમદાવાદમાં લગ્નની લાલચ આપી યુવકે મહિલા કોન્સ્ટેબલ પર વારંવાર આચર્યું દુષ્કર્મ

