Gujarat News : “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા”-N.F.S.A. હેઠળ સમાવિષ્ટ રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો દિવાળીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ૩.૨૬ કરોડ સભ્યોને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ઘઉં, ચોખા, શ્રી અન્ન એટલે કે બાજરી અને જુવારનું રાજ્યભરની 17હજારથી વધુ વાજબી ભાવની દુકાનોથી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેમ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના “અંત્યોદય અન્ન યોજના”ના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ ૩૫ કિલો અનાજ તેમજ “અગ્રતા ધરાવતા કુટુંબો” (P.H.H.) ને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ 1કિલો રૂ.30 પ્રતિ કિલોના રાહતદરે તથા તુવેરદાળ કાર્ડદીઠ 1 કિલો રૂ.50 પ્રતિ કિલોના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડદીઠ 1 કિલો રૂ.1 પ્રતિ કિલોના રાહતદરે વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A.-2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ (સીંગતેલ) બજાર ભાવથી ઓછી કિંમતે કાર્ડદીઠ 1લીટર પાઉચ રૂ.100 પ્રતિ લીટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1કિલો ખાંડ, એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડદીઠ1 કિલો રૂ.22 પ્રતિ કિલોના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિલો રૂ.15 પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આમ, રાજ્ય સરકાર N.F.S.A.-2013 હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે આ યોજનાઓ થકી ગુજરાતના નાગરિકોના પોષણ સાથે સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી
આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ
આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર
