TMC Bank Account Freeze Controversy: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સાંસદોના બળવા બાદ હવે તેમને પોતાની જ પાર્ટીના પૂર્વ કોષાધ્યક્ષ (ટ્રેઝરર) અરૂપ બિસ્વાસ તરફથી એક મોટો ઝટકો મળ્યો છે. અરૂપ બિસ્વાસે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બેંક ખાતાઓને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરવા માટે HDFC બેંકને એક સત્તાવાર પત્ર લખ્યો છે. આ પત્ર સામે આવ્યા બાદ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
પત્રમાં અરૂપ બિસ્વાસે શું લખ્યું?
અરૂપ બિસ્વાસે બેંક અધિકારીઓને લખેલા પત્રમાં ટીએમસીની અંદર ચાલી રહેલા આંતરિક વિખવાદ અને ઘમાસાણનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, “પાર્ટીની અંદર આ સમયે ભારે વિદ્રોહ ચાલી રહ્યો છે. ટીએમસીના ઘણા સાંસદો પાર્ટી છોડી ચૂક્યા છે અને કેટલાક ધારાસભ્યોએ પણ ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે.”
તેમણે પત્રમાં આગળ ઉમેર્યું કે, આ આંતરિક ખેંચતાણ વચ્ચે હવે એ વાત પર કાનૂની અને સંગઠનાત્મક વિવાદ ઊભો થયો છે કે વાસ્તવમાં પાર્ટી અને તેના સંસાધનો પર કોનો કાનૂની અધિકાર છે. તેથી, કોઈપણ ગેરરીતિ અટકાવવા માટે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના નામે ચાલી રહેલા તમામ ખાતાઓમાંથી થતી નાણાકીય લેવડદેવડ તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે.
બેંક ખાતામાં જમા છે 625 કરોડથી વધુ રૂપિયા!
સૂત્રોના જણાવ્યા અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના આ બેંક ખાતાઓમાં કુલ 6,25,79,87,264 રૂપિયા (625 કરોડથી વધુ) જમા છે. આટલી મોટી રકમનું ફંડ ફ્રીઝ કરાવવાની માંગણીએ મમતા બેનર્જીને ઊંડા સંકટમાં મૂકી દીધા છે. જોકે, ટીએમસીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે 5 જૂન 2026 ના રોજ મળેલી ટીએમસીની નેશનલ વર્કિંગ કમિટીની બેઠકમાં અરૂપ બિસ્વાસને કોષાધ્યક્ષના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ પૂર્વ સાંસદ સુભાષીષ ચક્રવર્તીની નિમણૂક કરવામાં આવી ચૂકી છે.
રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ શરૂ(Mamata Banerjee)
આ મામલે હવે વિરોધ પક્ષોએ પણ મમતા બેનર્જી(Mamata Banerjee) પર પ્રહારો શરૂ કર્યા છે. સીપીઆઈ(એમ) (CPI-M) ના ધારાસભ્ય મોહમ્મદ મુસ્તફિઝુર રહેમાને અરૂપ બિસ્વાસના આ પગલાને યોગ્ય ગણાવતા કહ્યું કે, “તેમણે જે કર્યું છે તે બરાબર છે. તેઓ સમજે છે કે અત્યારની સ્થિતિમાં એકાઉન્ટ ફ્રીઝ કરવું જરૂરી છે.” બીજી તરફ, AJUP પ્રમુખ અને ધારાસભ્ય હુમાયુ કબીરે કટાક્ષ કરતા જણાવ્યું કે, મમતા બેનર્જીની(Mamata Banerjee) સ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે તેઓ જે પણ કામ કરવા ઈચ્છે છે, તે પૂરું થઈ શકતું નથી.
આ પણ વાંચો:મમતા બેનર્જીના કિલ્લામાં ભંગાણ, વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જીએ ભત્રીજા અભિષેક સામે પોકાર્યો બળવો
આ પણ વાંચો: ધારાસભ્યો પછી મમતા બેનર્જીના 20 લોકસભા સાંસદોનો બળવો, ભાજપ-NDAને આપશે સમર્થન
આ પણ વાંચો:બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડેલ’? મમતા બેનર્જી વિના નવા તૃણમૂલ કોંગ્રેસની ચર્ચાઓ
