TMC Political Crisis West Bengal 2026: પશ્ચિમ બંગાળની સત્તા પર છેલ્લા 15 વર્ષથી રાજ કરનાર મમતા બેનર્જી (TMC ) અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યારે ઇતિહાસના સૌથી મોટા રાજકીય સંકટમાં ઘેરાયેલી છે. બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં મળેલી કારમી હાર બાદ પાર્ટી પત્તાના મહેલની જેમ બિખરી રહી છે. અત્યાર સુધીમાં 60 થી વધુ ધારાસભ્યો અને સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રાય તેમજ પ્રકાશ ચિક બડાઈક જેવા કદાવર રાજ્યસભા સાંસદો રાજીનામા આપીને બળવો કરી ચૂક્યા છે.
આ પ્રચંડ તોફાન વચ્ચે મમતા બેનર્જીને (TMC ) સૌથી મોટો અને કમરતોડ ઝટકો તેમના પરમ વફાદાર અને વરિષ્ઠ સાંસદ-વકીલ કલ્યાણ બેનર્જીએ આપ્યો છે. મમતાના સૌથી ખાસ ગણાતા કલ્યાણ બેનર્જીએ હવે પક્ષના જનરલ સેક્રેટરી અને મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી સામે સીધું બગાવતનું રણશિંગું ફૂંકી દીધું છે.
કલ્યાણ બેનર્જીનું TMC ને ખુલ્લું અલ્ટીમેટમ
મમતા બેનર્જીએ (TMC ) જેમને લોકસભામાં ચીફ વ્હીપ બનાવવા માટે પોતાના 40 વર્ષ જૂના સાથી કાકોલી ઘોષ દસ્તીદારને પણ સાઇડલાઇન કરી દીધા હતા, તે જ કલ્યાણ બેનર્જી હવે આરપારની લડાઈના મૂડમાં છે. તેમણે કોલકાતામાં પત્રકારો સમક્ષ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને સીધું અલ્ટીમેટમ આપતાં કહ્યું છે કે, “દીદીએ હવે નક્કી કરવું પડશે કે તેમને કાં તો અહંકારી અભિષેક બેનર્જી જોઈએ અથવા મારા જેવા વર્ષો જૂના વફાદાર નેતાઓ. જો મમતા બેનર્જી અભિષેકને પક્ષમાંથી દૂર નહીં કરે તો મારા જેવા વરિષ્ઠો માટે પક્ષમાં રહેવું અશક્ય છે. કાં તો અભિષેકને રાખો અને અમને જવા દો, કાં તો અમને રાખો અને અભિષેકને હટાવો.”
મધ્યરાત્રિએ વકીલ બદલાતા કલ્યાણ બેનર્જી થયા ઘોર અપમાનિત
કલ્યાણ બેનર્જીની (TMC ) આ નારાજગી પાછળ કોર્ટરૂમનું એક મોટું રાજકીય કારણ સામે આવ્યું છે. અભિષેક બેનર્જી સામે ચાલી રહેલા હાઈપ્રોફાઈલ ‘નકલી સહીના કેસ’ (Signature Forgery Case) અને સીઆઈડી (CID) ના દરોડાના કેસમાં કલ્યાણ બેનર્જી મુખ્ય વકીલ તરીકે પેરવી કરી રહ્યા હતા.
તેમણે ભારે આક્રોશ સાથે જણાવ્યું કે, “હું અને મારો પુત્ર અડધી રાત્રે 12:30 વાગ્યા સુધી હાઈકોર્ટની સુનાવણી માટે અભિષેકના કેસની જોરદાર તૈયારી કરી રહ્યા હતા. પરંતુ અચાનક રાત્રે અમને ફોન પર જાણ કરવામાં આવી કે આ કેસ લડવા માટે અમારા બદલે અન્ય જુનિયર વકીલ કિશોર દત્તા અને અયનને રાખી લેવામાં આવ્યા છે. આ મારું ઘોર અપમાન છે. મને કોઈ ડસ્ટબિનની જેમ ટ્રીટ ન કરી શકે. આ ઘટના બાદ મેં નક્કી કર્યું છે કે હવે પછી હું ક્યારેય અભિષેક બેનર્જી તરફથી કોઈ કેસ લડીશ નહીં.”
‘અભિષેક અત્યંત ઘમંડી છે, તેના લીધે જ આખી પાર્ટી બરબાદ થઈ ગઈ’
કલ્યાણ બેનર્જીએ (TMC ) અભિષેક બેનર્જીના વલણ પર આકરા પ્રહારો કરતા તેમને ‘અત્યંત ઘમંડી’ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, “અભિષેક વર્ષ 2022 થી જ મારા પર ક્યારેય ભરોસો કરતો નહોતો. તે પક્ષના વરિષ્ઠ નેતાઓનું સન્માન કરવાનું બિલકુલ જાણતો નથી અને બધાને પોતાના કર્મચારી સમજે છે. તેના આ જ અહંકારી વલણના કારણે આજે આખી તૃણમૂલ કોંગ્રેસ બરબાદ થઈ ગઈ છે અને આટલા મોટા સંકટમાં મુકાઈ છે. હું મમતા દીદીની સાથે જ છું, પરંતુ દીદીએ હવે ફેંસલો કરવો પડશે કે તેમને પોતાનો પરિવાર વહાલો છે કે પછી વર્ષોથી લોહી-પરસેવો વહાવનારા વફાદાર નેતાઓ.”
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કારમી હાર બાદ કોર્ટમાં પાર્ટીના તમામ સંવેદનશીલ કેસોની પેરવી કલ્યાણ બેનર્જી જ સંભાળી રહ્યા હતા. આવી કટોકટીની સ્થિતિમાં કલ્યાણ બેનર્જીનું આ બળવાખોર વલણ અને મમતાને આપેલો આ આખરી અલ્ટીમેટમ ટીએમસીના અસ્તિત્વ માટે શબપેટીમાં છેલ્લો ખીલો સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:તમિલનાડુમાં TVK સરકાર પર જોખમ? પૂર્વ CM એમકે સ્ટાલિને લીધો સત્તા પલટાવવાનો સંકલ્પ
આ પણ વાંચો: ધારાસભ્યો પછી મમતા બેનર્જીના 20 લોકસભા સાંસદોનો બળવો, ભાજપ-NDAને આપશે સમર્થન
આ પણ વાંચો:બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડેલ’? મમતા બેનર્જી વિના નવા તૃણમૂલ કોંગ્રેસની ચર્ચાઓ

