Surat News: સુરતમાં રિયલ એસ્ટેટ અને હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ગજેરા ગ્રૂપ(Gajera Group)ની માલિકીના અનેક સ્થળોએ આવકવેરા વિભાગ(IT) ની કાર્યવાહી બાદ એક પછી એક ખુલાસા સામે આવી રહ્યા છે. વસંત ગજેરા અને ગજેરાના કથિત પૂર્વ ભાગીદાર પ્રવીણ અગ્રવાલ દ્વારા લખાયેલો પત્ર હાલ રાજકીય અને ઉદ્યોગ જગતમાં ‘લેટર બોમ્બ’ તરીકે વાયરલ થયો છે.
પ્રવીણ અગ્રવાલે દાવો કર્યો છે કે ગજેરા પરિવાર પર ચાલતી તપાસ કોઈ રૂટીન કાર્યવાહી નથી, પરંતુ વડાપ્રધાન કાર્યાલય (PMO) અને કેન્દ્રીય તપાસ એજન્સીઓને કરેલી ગંભીર ફરિયાદનું પરિણામ છે. આ ફરિયાદમાં મની લોન્ડરિંગ, હવાલા ટ્રાન્ઝેક્શન અને દેશ છોડીને ભાગી ગયેલા હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોકસી સાથે સાંઠગાંઠના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

મિલેનિયમ માર્કેટ પ્રોજેક્ટમાં 1928 કરોડની રોકડ લેવડદેવડનો આરોપ
ફરિયાદ અનુસાર સુરતના મિલેનિયમ માર્કેટ–2 અને 4 જેવા મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં ગજેરા ગ્રૂપે(Gajera Group) મસમોટી રોકડ વસૂલી કરી હતી. આ બંને પ્રોજેક્ટ્સની કુલ બજાર કિંમત અંદાજે 2086 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. પરંતુ તેમાંમાંથી માત્ર 157 કરોડ રૂપિયા જ ચેક મારફતે લેવાયા હતા, જ્યારે બાકીના 1928 કરોડ રૂપિયા રોકડમાં લેવાયા હોવાનો ગંભીર આરોપ છે.
આ રીતે લગભગ 93 ટકા રકમ રોકડમાં સ્વીકારીને સરકારને કરોડો રૂપિયાના ટેક્સનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બ્લેક મનીને બાદમાં હવાલા મારફતે હોંગકોંગ મોકલવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
હોંગકોંગ મારફતે 2000 કરોડની મની લોન્ડરિંગ યોજના
પ્રવીણ અગ્રવાલના જણાવ્યા મુજબ ગજેરા ભાઈઓએ હવાલા મારફતે આશરે 2000 કરોડ રૂપિયા હોંગકોંગ મોકલાવ્યા હતા. બાદમાં આ જ રકમ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરીને ફરી ભારત લાવવામાં આવી. આ નાણાંને વિદેશી મૂડી તરીકે દર્શાવી પ્રવીણ અગ્રવાલની ભારત સ્થિત કંપનીમાં રોકાણ કરાયું હોવાનું કહેવામાં આવ્યું છે.
આ પ્રક્રિયામાં અગ્રવાલની કંપનીમાં તેમની ભાગીદારી 43 ટકાથી ઘટાડીને માત્ર 4.02 ટકા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર વ્યવહારનો સીધો સંબંધ મેહુલ ચોકસીના કાળા નાણાં સાથે હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
IT રેડના પાંચ દિવસમાં 25 કરોડ રોકડ અને જવેલરી જપ્ત
ગજેરા ગ્રૂપ(Gajera Group) સામે આવકવેરા વિભાગની કાર્યવાહી સતત પાંચમા દિવસે પણ ચાલુ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ લક્ષ્મી ડાયમંડ અને અન્ય સ્થળોથી અત્યાર સુધીમાં અંદાજે 25 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને જવેલરી જપ્ત કરવામાં આવી છે.
IT વિભાગે સુરત અને મુંબઈમાં ગજેરા ગ્રૂપ(Gajera Group) સાથે સંકળાયેલા 30થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાંથી અત્યાર સુધી 15 સ્થળે સર્ચ કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના સ્થળોએ હજુ પણ દસ્તાવેજો અને લોકરોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

ગજેરા ગ્રૂપ(Gajera Group) પર બેનામી મિલકતો અને ખોટા દસ્તાવેજોના આરોપ
ફરિયાદમાં ગજેરા ગ્રૂપ(Gajera Group) પર સુરત અને મુંબઈમાં પોતાની તથા મળતિયાઓના નામે બેનામી મિલકતો વસાવવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શિડ્યૂલ બેંકો સાથે છેતરપિંડી કરીને મેહુલ ચોકસીની સંપત્તિઓને સગેવગે કરવામાં મદદ કરાઈ હોવાનો દાવો છે.
SEBI દ્વારા પ્રતિબંધ હોવા છતાં અન્યના નામે શેર ટ્રેડિંગ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મિલેનિયમ માર્કેટ પ્રોજેક્ટમાં ખોટા એગ્રીમેન્ટ્સ અને બેનામી ટ્રાન્ઝેક્શન થકી કાળા નાણાંને વ્હાઈટ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે.
અગાઉ પણ દંડ અને સસ્પેન્શન લાગ્યું હોવાનું દાવો
પ્રવીણ અગ્રવાલે PMOને લખેલા પત્રમાં જણાવ્યું છે કે લક્ષ્મી ડાયમંડ સહિત 45 કંપનીઓ ચલાવતા ગજેરા બંધુઓ મની લોન્ડરિંગના કેસમાં અગાઉ પણ ઝડપાયા હતા. આ કેસમાં તેમને 2.50 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને શેર ટ્રેડિંગમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પ્રવીણ અગ્રવાલે દાવો કર્યો છે કે તેમણે 2000 કરોડથી વધુના આર્થિક કૌભાંડના તમામ દસ્તાવેજો PMO, CBI અને EDને સોંપ્યા છે. હવે IT, ED અને અન્ય એજન્સીઓની તપાસ નિષ્કર્ષ પર પહોંચે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:સુરત SOG પોલીસના ગોગો પેપરનું વેચાણ કરનારાઓને ત્યાં દરોડા
આ પણ વાંચો:સુરતના મહિધરપુરા વિસ્તારમાં SOGના દરોડા, ગોલ્ડ સ્મગલિંગનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:સુરતમાં જોળવા ગામની ફેક્ટરીના ગોડાઉનમાં દરોડા : વધુ 14 લાખનું શંકાસ્પદ ઘી મળ્યું
