Gandhinagar News/ ગાંધીનગરમાં ગાર્ડ પર હુમલો: જાહેરમાં લઘુશંકા કરતા યુવકને રોક્યો તો ટોળું આવ્યું, પોલીસને પણ ગેરમાર્ગે દોરી

ખોડિયાર ગામ પાસે જાહેરમાં લઘુશંકા કરતા યુવકને રોક્યા બાદ સિક્યોરિટી ગાર્ડ પર હુમલો (Security Guard Attack) અને ધમકીનો આક્ષેપ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
ખોડિયારમાં જાહેરમાં લઘુશંકા મુદ્દે બબાલ, Security Guard Attack; એટ્રોસિટી સહિત ગુનો

Gandhinagar News: ગાંધીનગરના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામની સીમમાં સરદારધામ પાછળ આવેલી સ્કાયલીફ સોસાયટી પાસે જાહેરમાં લઘુશંકા કરવા મામલે સિક્યોરિટી ગાર્ડ પર હુમલો (Security Guard Attack) કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકને જાહેરમાં લઘુશંકા કરતા રોક્યા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને યુવક સાગરીતો સાથે પરત આવી ગાર્ડ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે.

ગાર્ડે મદદ માટે 112 ઈમરજન્સી હેલ્પલાઈન પર ફોન કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, પોલીસની હાજરીમાં આરોપીઓના એક સાગરીતે અંદરોઅંદર સમાધાન થઈ ગયું હોવાનું કહી પોલીસ ટીમને ગેરમાર્ગે દોરી પરત મોકલી દીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસ ટીમ જતી રહ્યા બાદ સોસાયટીના સેક્રેટરી અને ગાર્ડને કથિત રીતે ધમકી આપવામાં આવી હતી. સમગ્ર મામલે અડાલજ પોલીસે હની ચૌધરી, ભાવિક દેસાઈ સહિતના શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દુકાનની દીવાલ પાસે યુવક લઘુશંકા કરતો હતો

મળતી માહિતી મુજબ, મૂળ કલોલ તાલુકાના ધાનજ ગામના વતની અને હાલ કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા દ્વારકેશ બંગ્લોઝમાં રહેતા ભાવેશ ચંદ્રકાન્ત પરમાર છેલ્લા આશરે દોઢ વર્ષથી ખોડિયાર ગામની સ્કાયલીફ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. 28 ઓગસ્ટના રોજ ભાવેશ સોસાયટીના ગેટ નજીક આવેલી રજવાડી ચાની દુકાને ચા પીવા ગયો હતો. તે દરમિયાન GJ-01-SU-9763 નંબરની એક્ટિવા પર એક યુવક ચા લેવા આવ્યો હતો. ચા પીધા બાદ આ યુવક સોસાયટીના ગેટ નજીક આવેલી દુકાનની દીવાલ પાસે જાહેર જગ્યામાં લઘુશંકા કરવા લાગ્યો હતો.

સોસાયટીના નિયમ મુજબ દંડ વસૂલવા સૂચના

યુવકને જાહેરમાં લઘુશંકા કરતો જોઈ ભાવેશે તેને અટકાવ્યો હતો. ફરિયાદ મુજબ, ગાર્ડને યુવક નશાની હાલતમાં હોવાની શંકા પણ ગઈ હતી. ભાવેશે તેને જાહેર સ્થળે આવું ન કરવા સમજાવી સમગ્ર બાબત સોસાયટીના સેક્રેટરી અલ્પેશ પટેલને જણાવી હતી. અલ્પેશ પટેલે સોસાયટીના નિયમ મુજબ યુવક પાસેથી નિયત દંડ વસૂલવા જણાવ્યું હતું. જો દંડની રકમ ચૂકવવામાં ન આવે તો એક્ટિવાની ચાવી પોતાની પાસે રાખી લેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

દંડ આપવાનો ઇનકાર કરી યુવક ચાલ્યો ગયો

ગાર્ડ ભાવેશે એક્ટિવા ચાલક પાસે દંડની રકમ માગતા યુવકે દંડ ભરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ એક્ટિવા ત્યાં જ મૂકીને ‘હું હમણાં પાછો આવું છું, તું અહીં જ ઊભો રહેજે’ તેમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. થોડીવાર બાદ યુવક એકલો નહીં પરંતુ સ્વિફ્ટ કારમાં કેટલાક સાગરીતો સાથે પરત આવ્યો હતો. ફરિયાદ મુજબ, આરોપીઓએ ગાર્ડનું નામ જાણ્યા બાદ તેની સાથે જાતિવાચક અપશબ્દો બોલી હુમલો (Security Guard Attack) કર્યો હતો. આ દરમિયાન રજવાડી ચા પાર્લરના માલિક તન્વીશ પટેલ ઘટનાસ્થળે હાજર હતા. તેમણે ગાર્ડને વધુ મારથી બચાવ્યો હતો.

Security Guard Attack: 112 પર ફોન કરતાં પોલીસ પહોંચી

હુમલા (Security Guard Attack) બાદ ભાવેશે તાત્કાલિક 112 ઈમરજન્સી પોલીસ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માગી હતી. થોડા જ સમયમાં 112ની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન સોસાયટીના સેક્રેટરી અલ્પેશ પટેલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસ આવી પહોંચતાં આરોપીઓમાંના એક સાગરીત ભાવિક દેસાઈ પણ સ્થળ પર આવ્યો હતો. ફરિયાદ મુજબ, તેણે 112ના પોલીસ કર્મચારીઓને ફોન પર કોઈ વ્યક્તિ સાથે વાત કરાવી હતી અને આ મામલે બંને પક્ષો વચ્ચે અંદરોઅંદર સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ વાતને આધારે પોલીસ ટીમને ગેરમાર્ગે દોરી ત્યાંથી રવાના કરી દેવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

Security Guard Attack: પોલીસ જતાં જ સેક્રેટરીને ધમકીનો આક્ષેપ

પોલીસનું વાહન ત્યાંથી નીકળી ગયા બાદ ભાવિક દેસાઈએ સોસાયટીના સેક્રેટરી અલ્પેશ પટેલ સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, તેણે સેક્રેટરીને ધમકીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે, ‘તમારે જે કેસ કરવો હોય ત્યાં કરી દેજો.’ આ ઉપરાંત સોસાયટી અને પાણીના મુદ્દે પણ તેણે ધમકીભર્યું વર્તન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Security Guard Attack: ગાર્ડને જાનથી મારી નાખવાની ધમકી

ત્યારબાદ ગાર્ડ ભાવેશને પણ ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ, તેને ‘તું હવે પછી અહીં દેખાઈશ તો તને જાનથી મારી નાખીશ’ તેમ કહી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે ભાવેશ ચંદ્રકાન્ત પરમારની ફરિયાદના આધારે અડાલજ પોલીસે હની ચૌધરી, ભાવિક દેસાઈ અને અન્ય સાગરીતો સામે એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને હુમલો (Security Guard Attack), ધમકી તેમજ પોલીસને સમાધાનના નામે ગેરમાર્ગે દોરવાના આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:જૂનાગઢમાં જમાઈનો આતંક: સાસુ-સસરા પર હુમલો, રૂ.2 હજાર લૂંટી જાનથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો:અમદાવાદમાં કુખ્યાત મોન્ટુ નામદારનો આતંક: પોલીસને ગાળો, હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો:લોરેન્સ ગેંગના નિશાને પંજાબી મોડલ! હિમાંશી ખુરાનાને જાનથી મારી નાખવાની ધમકી