Gandhinagar News: ગાંધીનગરના કોલવડા ગામમાં વ્યાજખોરીના કથિત ત્રાસનો ચોંકાવનારો કિસ્સો (Money Lending Case) સામે આવ્યો છે. અહીંના ખેડૂત જગદીશ જયંતિ પટેલે ખેતરના બોરકુવા પર ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન 8 સપ્ટેમ્બરના રોજ તેમનું મોત (Kolvada Farmer Death) થયું હતું. ત્યારબાદ ઘરમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. મૃતકની પત્નીની ફરિયાદ અને સુસાઇડ નોટમાં કરાયેલા આક્ષેપોના આધારે પેથાપુર પોલીસે ચાની લારી ચલાવતા કરણસિંહ શંકરજી ડાભી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Money Lending Case: શું છે સમગ્ર ઘટના?
કોલવડા ગામના રહેવાસી જગદીશ જયંતિ પટેલ ગત 6 સપ્ટેમ્બરની સવારે પોતાના ખેતરના બોરકુવા પર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. સાંજે તેમણે ઘરે ફોન કરીને બોરકુવા પર જ રોકાવાનું અને બીજા દિવસે પરત આવવાનું જણાવ્યું હતું.
બીજા દિવસે સવારે તેમના ભાઈ પરેશ બોરકુવા પર આવેલા મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે જગદીશ ખાટલા પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમની બાજુમાં જંતુનાશક દવાની બોટલ પણ પડી હતી. પરિવારજનો તેમને તાત્કાલિક સેક્ટર-22ની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સેક્ટર-6ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 8 સપ્ટેમ્બરે તેમનું અવસાન થયું હતું.
કબાટમાંથી મળી બે પાનાની સુસાઇડ નોટ
જગદીશ પટેલના અવસાન બાદ લૌકિક ક્રિયાઓ પૂર્ણ થયા પછી 15 સપ્ટેમ્બરના રોજ તેમની પત્ની શર્મીલાબેન ઘરમાં સામાન ગોઠવી રહ્યાં હતાં. આ દરમિયાન કબાટના ડ્રોઅરમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી.
સુસાઇડ નોટમાં જગદીશે સેક્ટર-4Cમાં રહેતા અને GIDC વિસ્તારમાં ચાની લારી ચલાવતા કરણસિંહ શંકરજી ડાભી પાસેથી રૂ. 24.50 લાખ વ્યાજે લીધા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ નાણાંની સામે ગેરંટી પેટે આસોડા ગામની સીમમાં આવેલી પોતાની પાંચ વીઘા (Suicide Note Case) જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લેવાયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
અલગ-અલગ રકમ પર ઊંચા વ્યાજનો ઉલ્લેખ
સુસાઇડ નોટમાં વ્યાજની રકમ અંગે પણ વિગતો લખવામાં આવી હતી. તેમાં રૂ. 10 લાખ પર 4 ટકા, રૂ. 5 લાખ પર 10 ટકા, રૂ. 1.50 લાખ પર રૂ. 10 હજાર અને રૂ. 8 લાખ પર 3 ટકા લેખે વ્યાજ ચૂકવાતું હોવાનો ઉલ્લેખ છે.
નોટમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે, નિયમિત રીતે વ્યાજ ચૂકવવા છતાં છેલ્લા છ મહિનાથી જગદીશને વારંવાર દોડધામ કરાવવામાં આવતી હતી. આપઘાત કરતાં પહેલાંના 10થી 15 દિવસ દરમિયાન વધુ નાણાં માટે દબાણ અને ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પત્નીની ફરિયાદ બાદ પેથાપુર પોલીસે તપાસ શરૂ કરી
સુસાઇડ નોટમાં જણાવેલી વિગતો અનુસાર, જગદીશ પરિવારના સભ્યોથી છુપાઈને પૈસાની વ્યવસ્થા કરીને વ્યાજ ચૂકવતા (High Interest Loan) હતા, તેમ છતાં ત્રાસ ચાલુ રહ્યો હોવાનો આક્ષેપ છે.
આ સમગ્ર મામલે મૃતકની પત્ની શર્મીલાબેને પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. સુસાઇડ નોટ અને દસ્તાવેજોના આધારે પોલીસે કરણસિંહ શંકરજી ડાભી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. આરોપી સામેના આક્ષેપો તપાસ હેઠળ છે અને તેની સત્યતા કોર્ટની કાર્યવાહી દરમિયાન નક્કી થશે.
આ પણ વાંચો: અમદાવાદ: જમીનના પાવર માટે રૂ.2 કરોડની માંગ અને વ્યાજખોરોના ત્રાસનો આરોપ
આ પણ વાંચો: રાજકોટમાં વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી: 90 અરજદારોને રૂ.1.05 કરોડની મિલકત પરત
આ પણ વાંચો: જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત, 5 લાખ સામે લાખોની જમીન લખાવી લીધાનું વીડિયો વાયરલ
