Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ મથક વિસ્તારમાં વર્ષ 2022માં બનેલી મારામારી (Pethapur Assault Case)ની ઘટનામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સાયકલ ધીમે ચલાવવાની ટકોર બાદ આધેડ પર હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડનાર આરોપીને ગાંધીનગરની પાંચમી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) કોર્ટે દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને રૂ. 1,000નો દંડ ફટકાર્યો છે.
Pethapur Assault Case:શું હતી સમગ્ર ઘટના?
કેસની વિગતો અનુસાર, 3 જુલાઈ, 2022ના રોજ ફરિયાદી મનુભાઈ બબાભાઈ પરમાર સરઢવ ગામના વણકરવાસ નજીક આવેલા ધોબીઘાટ પાસેથી પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપી બિંદેશકુમાર ઉર્ફે બળદેવભાઈ કાળીદાસ રાજવી ખૂબ નજીકથી સાયકલ લઈને પસાર થયો હતો.ફરિયાદીએ સાયકલ ધીમે ચલાવવાની સૂચના આપતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
લાકડાના ધોકાથી હુમલો
આક્ષેપ મુજબ, બોલાચાલી બાદ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી પર હુમલો કર્યો હતો. ગડદાપાટુનો માર માર્યા (Pethapur Assault Case) બાદ લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ફરિયાદીના હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાના કારણે તેમને ફ્રેક્ચર પણ થયું હોવાનું નોંધાયું હતું.ઘટના બાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ પૂર્ણ થયા બાદ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો.
કોર્ટમાં શું રજૂ થયું?
સુનાવણી દરમિયાન ફરિયાદી, સાક્ષીઓ, પંચો, તબીબો અને તપાસ અધિકારીઓની જુબાની સાથે દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.સરકાર પક્ષ તરફથી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર સુનીલ એસ. ચૌધરીએ દલીલો રજૂ કરી હતી.
Pethapur Assault Case: કોર્ટે શું ચુકાદો આપ્યો?
બંને પક્ષોની દલીલો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે કોર્ટે આરોપી બિંદેશકુમાર ઉર્ફે બળદેવભાઈ કાળીદાસ રાજવીને દોષિત જાહેર કર્યો. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂ. 1,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો:ભાવનગર બગદાણા મારામારી કેસમાં નવો વળાંક, સુરતની મહિલાનો નવનીત બાલદીયા પર ગંભીર આરોપ
આ પણ વાંચો:જૂનાગઢના વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારીના કેસમાં પોલીસ ફરિયાદ
