Gujarat News: સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યોં છે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે જન જીવન પર તેની અસર પડી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો ગણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારે તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદને લઈ હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.
રાજ્યમાં ભારે વરસાદ (Heavy rain)ની હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગે બપોરે 4 થી સાંજે 7 વાગ્યા દરમિયાન સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહીનું રેડએલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા તંત્રએ અપીલ કરી છે.
સુરતમાં વરસાદનો માંડવ
સુરત શહેરમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે પાંચ ઇંચથી વધુ વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, સૌથી વધુ સુરતના કામરેજમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે પણ સતત વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતાં લોકો ઘરોમાં ફસાઈ ગયા છે. અનેક સ્થળોએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. વરસાદી પાણીના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

આ દરમિયાન સુરતમાં વરસાદ સંબંધિત બે દુર્ઘટનાઓ પણ સામે આવી છે. કરંટ લાગતા એક બાળકીનું મોત થયું છે, જ્યારે વીજળી પડતાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. સહારા દરવાજા ગરનાળામાં મુસાફરોથી ભરેલી એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી.

જોકે તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં 97 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વાપીમાં સૌથી વધુ 8.72 ઇંચ વરસાદ નોંધાયો હતો. કામરેજમાં 6.56 ઇંચ, પારડીમાં 6.44 ઇંચ, ઉમરગામમાં 6.36 ઇંચ અને ઘોઘામાં 6.24 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરત, નવસારી, અમરેલી, પંચમહાલ, અરવલ્લી, ગીર સોમનાથ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો હતો.07 જુલાઈ, 2026 સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79 ટકા વરસાદ નોંધાયો જ્યારે સૌથી ઓછો કચ્છમાં 1.92 ટકા વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદથી નુકસાન
અવિરત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વલસાડ જિલ્લામાં ઓવરટોપિંગના કારણે 64 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. સુરત અને વાપીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓ, બજારો અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
વડોદરામાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી.
વાવ-થરાદ પંથકમાં આજાવાડા ગામે આવેલી નર્મદેશ્વર ગૌશાળાનો આખો લોખંડનો શેડ તૂટ્યો
પંચમહાલના શહેરામાં હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહેસાણામાં વરસાદ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં પાંચ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત થયું હતું.
મહેસાણામાં મુશળધાર વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશાયી 5 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

અમરેલીમના લાઠીમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમા ચાવંડ ગામ નજીક મકાન ધરાશયી થતા બાળકને ઇજા પહોંચી હતી. જેથી સારવાર અર્થે તેને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લામાં સતત વરસાદથી મહુવાથી સુરત જતી ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે સાવરકુંડલા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે, ત્યારે ધજડી ગામે પાણીના જોરદાર પ્રવાહમાં બે બાઇક તણાઈ જવાની ઘટના સામે આવી છે.
અનેક જગ્યાએ રેસ્ક્યૂ કામગીરી
ભારે વરસાદને પગલે રાજ્યમાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં પાલિકા અને ફાયર વિભાગની ટીમોએ પાણીમાં ફસાયેલા લોકોને અડધી રાત્રે દિલધડક રેસ્કયુ (Rescue Operation)કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.નાટમાંથી 8, સંજાણ બંદરમાંથી 1 વ્યક્તિને બચાવાયા હતા.
અમરેલી જિલ્લામાં 380 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. લાઠી તાલુકાના ચાવંડ ગામમાં મકાન ધરાશાયી થતાં બાળકને જેસીબીની મદદથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. NDRF, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખીને બચાવ કામગીરી કરી રહ્યા છે.
શાળાઓમાં રજા જાહેર
અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરતમાં અનેક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે.
અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં શાળાઓ, આંગણવાડીઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા તંત્રએ વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લીધો છે.
તંત્ર એલર્ટ મોડમાં
સુરતમાં ભારે વરસાદ (Gujarat Rain)ને પગલે ફાયર વિભાગે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. શહેરમાં પાણી ભરાવા, વૃક્ષો પડવા અથવા અન્ય કોઈ પણ ઘટનાની જાણ થતાં જ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી રહી છે. બીજી તરફ અમરેલી, વલસાડ અને અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ સ્થાનિક તંત્ર, ફાયર વિભાગ અને NDRFની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
રાજ્યમાં આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે લોકોને નદી-નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઇમારતની છત તૂટી,કોઈ જાનહાનિ નહીં
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં પાણીમાં ડૂબી જતાં બે બાળકીઓના મોત
આ પણ વાંચો: યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ દુર્ઘટના,3 મજૂરોને બચાવી લેવાયા
