Uttar Pradesh/ દારૂ પીવડાવી બહેનો ઉપર ગેંગરેપ ગુજારી વીડિયો ઉતાર્યો, પરિવારના ત્રણ જણાએ જીવન ટૂંકાવ્યા

છોકરીઓના મોતના છ દિવસ બાદ 16 વર્ષની છોકરીના પિતાએ પણ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. છોકરીની માતાએ કહ્યું કે દીકરીના મોત બાદ પણ કોન્ટ્રાક્ટર રામરૂપનો પરિવાર અમને પરેશાન કરતો હતો.

Top Stories India
Beginners guide to 2024 03 09T115827.138 દારૂ પીવડાવી બહેનો ઉપર ગેંગરેપ ગુજારી વીડિયો ઉતાર્યો, પરિવારના ત્રણ જણાએ જીવન ટૂંકાવ્યા

@ નિકુંજ પટેલ

Uttar Pradesh News: ઉત્તરપ્રદેશના ઘાટમપુરમાં સાત દિવસમાં એક જ પરિવારના ત્રણ જણાએ જીવન ટૂંકાવ્યા હતા. એક પરિવાર ઈંટોના ભઠ્ઠા પર કામ કરતો હતો. જેમાં 14 અને 16 વર્ષની બે બહેનો પણ કામ કરતી હતી. 28 ફેબ્રુઆરીની સાંજે બન્ને બહેનોએ પરિવાર સાથે ભોજન લીધુ હતું અને બાદમાં બહાર નીકળી ગઈ હતી. મોડી રાત સુધી બન્ને પરત ન આવતા તેમનો પરિવાર પરેશાન થઈ ગયો. બન્ને દીકરીઓએ બે દિવસ પહેલા જ તેમના પિતાને ફરિયાદ કરી હતી કે ઈંટોના ભઠ્ઠાના કોન્ટ્રાક્ટરના દીકરા રજ્જુ અને ભત્રીજા સંજયે તેમની સાથે ખોટુ કામ કર્યું હતું.

પિતા તેમને શોધતા સીધા ઈંટોના ભટ્ઠા પર પહોંચ્યા. જ્યાં બન્ને છોકરીઓના મૃતદેહ નજીકના એક  ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. બન્નેના મોત નિપજી ચુક્યા હતા. પીડિત પરિવારનો આરોપ છે કે તેમની દીકરીઓ સાથે ગેંગરેપ કરીને તેનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો જેને કારણે તેમણે આપઘાત કર્યો હતો.

વાત અહીં પૂરી નથી થતી. છ માર્ચના રોજ 16 વર્ષની છોકરીના પિતાએ પણ આપઘાત કરી લીધો. આરોપ છે કે આરોપીની માતા તેમને ધમકી આપી રહી હતી. પોલીસે હવે આ પીડિત પરિવારના ઘરની સુરક્ષા વધારી દીધી છે. કોન્ટ્રાક્ટર, તેના પુત્ર અને ભત્રીજાની પોલીસે ધરપકડ કરી લીધી છે. 8 માર્ચે કોન્ટ્રાક્ટરની પત્નીને પણ પોલીસે ઝડપી લીધી હતી.

બન્ને છોકરીઓના આપઘાતના 9 દિવસ બાદ પણ પોલીસની તપાસ કેટલાક મુદ્દાઓ પર અટકી ગઈ છે. તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ જાણવા મળ્યું નથી. જેને પગલે હવે વિસેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોપીઓએ બન્નેના વિડીયો બનાવ્યા હતા અને મોબાઈલના ડેટા રિકવર કરવામાં આવી રહ્યા છે. પિતાની આત્મહત્યાને પગલે પોલીસ ઓનર કિલિંગનો મામલો છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.

હમીરપુર જીલ્લાના ખૈર ગામમાં દીકરીઓ અને આરોપીઓ રહે છે. આરોપી રજ્જુના પિતા રામરૂપ ઈંટોના ભઠ્ઠા પર કોન્ટ્રાક્ટર છે. તેમણે ગામના 20 થી વધુ લોકોને અહીં કામ પર લગાવ્યા હતા. બન્ને છોકરીઓના પિતાને પણ કામ અપાવ્યું હતું. તે તેમના ગામથી 70 કિલોમીટર દૂર ઘાટમપુરમાં ઈંટોના ભઠ્ઠા પર કામ કરવા આવ્યા હતા. જોકે આ બનાવ બાદ પરિવાર ગામ પરત જતો રહ્યો છે.

14 વર્ષની સગીરાના પિતાનું કહેવું છે કે 27 ફેબ્રુઆરીએ ભઠ્ઠાના મોટાભાગના મજુરો રજા પર હતા. એક લગ્ન હોવાથી તે હમીરપુર ગયા હતા. સાંજે પાંચ વાગ્યે ભઠ્ઠા પરથી ભત્રીજાનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે દિવસે કોન્ટ્રાક્ટરનો દિકરો રજ્જુ અને ભત્રીજો સંજય ઘરે આવ્યા હતા. તેમણે બન્ને છોકરીઓ સાથે જબરજસ્તી કરી હતી. બન્ને રડતા હતા અને તમે જલ્દી ઘરે આવી જાવ એમ કહેતી હતી.

આથી પિતા તાત્કાલિક ઘાટમપુર આવ્યા હતા. ઘરે જઈને તેમણે જોયું તો બન્ને છોકરીઓ તેમને ભેટીને રડવા લાગી હતી. તેમણે કહ્યુ કે બપોરે રજ્જુ અને સંજય ઘરે આવ્યા હતા. તેમણે અમને જબરજસ્તીથી દારૂ અને સિગારેટ પીવડાવી હતી. બાદમાં નશાની હાલતમાં અમારો વિડીયો બનાવી લીધો અને વિડીયો બતાવીને અમારી સાથે ગંદુ કામ કર્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે છોકરીઓની વાત સાંભળીને અમે કોન્ટ્રાક્ટર રામરૂપના ઘરે ગયા તો તે અમારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. અમારી સાથે મારઝૂડ પણ કરી હતી. અમે પરત આવતા હતા ત્યારે કોન્ટ્રાક્ટરે કહ્યું કે દીકરીઓની જીંદગી ઈચ્છતા હોવ તો મોઠુ બંધ રાખજો. 28 ફેબ્રુઆરીએ ભઠ્ઠા પરના લોકો છોકરીઓ અંગે વાત કરવા લાગ્યા હતા. આરોપીઓ પાસે તેમનો વિડીયો હોવાની વાત ફેલાઈ ગઈ હતી. આથી હું ફરીથી રામરૂના ઘરે ગયો, તેણે ફરીથી મારી સાથે મારઝૂડ કરી હતી. આથી હું ઘરે પરત આવી ગયો હતો. દિકરી મને ખાવાનું આપીને બહાર નીકળી ગઈ હતી. બે કલાક બાદ પણ તે પરત ઘરે ન આવી, આથી તેની માતા પરેશાન હતી. અમે બન્નેને શોધવા નીકળ્યા. ત્યારે જાણવા મળ્યું કે મારા મોટા ભાઈની 16 વર્ષની દિકરી પણ બે કલાકથી ઘરે નથી.

રાત્રે 10 વાગ્યે અમે તેમને શોધતા શોધતા ઈંટોના ભઠ્ઠા પર ગયા. જ્યાં નજીકમાંથી અમને તેમના ચપ્પલ દેખાયા. તે જ રસ્તે અમે આગળ ગયા. જ્યાં એક ઝાડ પર બન્ને છોકરીઓના મૃતદેહ દુપટ્ટા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી બન્નેના મૃતદેહ નીચે ઉતાર્યા હતા. બાદમાં મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા. ડીસીપી (સાઉથ) રવિન્દ્ર કુમાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક ટીમ પણ બોલાવવામાં આવી હતી. 29 ફેબ્રુઆરીએ પોસ્ટમોર્ટમ બાદ બન્નેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. પોલીસની હાજરીમાં બન્નેના અંતિમ સંસ્કાર કરાયા હતા.

ઘટનાની રાત્રેજ પોલીસે રામરૂપ તેના 26 વર્ષીય પુત્ર રજ્જુ અને  27 વર્ષીય ભત્રીજા સંજયની ધરપકડ કરી લીધી હતી. આ સંદર્ભે સગીરા સાથે ગેંગરેપ, આત્મહત્યા કરવા મજબુર કરવું, મારઝુડ કરવી તથા આઈટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જ્યારે બન્ને આરોપી ઘરમાં ઘુસ્યા ત્યારે બે પૈકી એક છોકરી ત્યાં હાજર હતી. તેણે કહ્યું હતું કે તે દિવસે પિતા ગામ ગયા હતા. તે ઘરમાં હું અને બન્ને બહેનો હતી. બપોરે અચાનક રજ્જુ અને સંજય ઘરમાં આવ્યા હતા. તેમણે બહેનને દારૂ પીવડાવ્યો અને ગંદી હરકતો કરવા લાગ્યા હતા. બીજો શખ્સ વીડિયો ઉતારી રહ્યો હોવાથી મેં તેનો મોબાઈલ આંચકી લીધો હતો. મને તેણે ખૂબ માર માર્યો. રજ્જુએ કહ્યું કે ભાગી જા નહીંતર તને તારા પિતા અને બહેનોને ખૂબ મારીશું. આથી હું ગભરાઈને ભાગી ગઈ હતી. મેં અને મારા ભાઈએ પિતાને ફોન કરીને બોલાવ્યા હતા અને સમગ્ર હકીકત જણાવી હતી.

છોકરીઓના મોતના છ દિવસ બાદ 16 વર્ષની છોકરીના પિતાએ પણ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. છોકરીની માતાએ કહ્યું કે દીકરીના મોત બાદ પણ કોન્ટ્રાક્ટર રામરૂપનો પરિવાર અમને પરેશાન કરતો હતો. રામરૂપની પત્ની બળાત્કારનો કેસ પાછો નહી ખેંચો તો તમારી ઉપર બળાત્કારનો કેસ કરીને તમને જેલમાં ધકેલી દેવડાવીશ. નિર્મલાની ધમકીથી છોકરીના પિતા પરેશાન રહેતા હતા અને ઉંઘી પણ શકતા ન હતા. 6 માર્ચની સવારે કોઈને કહ્યા વગર તે ઘરેથી નીકળી ગયા અને ગામથી એક કિલોમીટર દૂર એક ઝાડ પર ફાંસી લગાવીને આપઘાત કરી લીધો. ખેતરમાં કામ કરતા લોકોએ જોયું ત્યારે અમને બનાવની જાણ થઈ.

બીજી તરફ નિર્મલા તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. જોકે 8 માર્ચે પોલીસે તેની ધરપકડ કરી હતી. રામરૂપની બહેન ગુલ્લીનું કહેવું છે કે તેમને ખોટા કેસમાં ફસાવી દેવાયા છે. આ કેસ ખોટો છે. જેનો પતિ અને દીકરો જેલમાં હોય તે કોને ધમકી આપવા જઈ શકે. મારો ભાઈ અને ભત્રીજો ખોટું કામ કરી જ ન શકે, એમ તેણે કહ્યું હતું.

બીજી તરફ આપઘાત કરનારી બન્ને બહેનોનો પોસ્ટમોર્ટમનો ફાઈનલ રિપોર્ટ આવ્યો નથી. વિસેરા રિપોર્ટ બાદ વધુ માહિતી બહાર આવશે. ઘાયમપુર એસીપી રંજીત કુમારનું રહેવું છે કે પોલીસને આરોપીઓના મોબાઈલમાંથી હજી સુધી કોઈ વાંધાજનક ફોટા કે વીડિયો મળ્યા નથી. મોબાઈલમાંથી ડિલીટ કરાયેલો ડેટા પરત મેળવવા ફોન સાયબર સેલમાં મોકલવામાં આવ્યો છે. ડેટા રિકવરીમાં કંઈ વાંધાજનક મળશે તો તેને આધારે કાર્યવાહી કરવામાં આવશે.

તપાસમાં સામેલ કાનપુરના એક પોલીસ અધિકારીનું કહેવું છે કે એક પિડીતાના પિતાએ આપઘાત કર્યો છે. અમે એ સંદર્ભે પણ તપાસ કરી રહ્યા છીએ કે બદનામીના ડરથી છોકરીઓનું ઓનર કિલીંગ તો કરાયું નથી ને. બાદમાં સત્ય સામે આવવાના ડરથી પિતાએ આપઘાત કરી લીધો હોય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ બેફામ, પુરાયેલી ખાણો ફરી ધમધમતાં બેનાં મોત

આ પણ વાંચોઃ Sports/ સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સીમાં એવું ખાસ શું છે જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે…

આ પણ વાંચોઃ Crime/ સુરતમાં ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનીનું મોત