Bhavnagar News: ભાવનગર જિલ્લાના ગાંગાવાડા ગામની સીમમાં માલઢોર ખેતરમાં ઘૂસી જતા ખેડૂતોના જુવારના ઊભા પાકને ભારે નુકસાન થયું (Gangawada Crop Damage) હોવાનો મામલો સામે આવ્યો છે. કાનાતળાવ ગામના એક ભરવાડના આશરે 35 જેટલા માલઢોર ખેતરમાં ઘૂસી ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે ખેડૂત દ્વારા વેળાવદર ભાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Gangawada Crop Damage: બે ખેડૂતોના જુવારના પાકને નુકસાન
પોલીસ ફરિયાદ મુજબ, ગાંગાવાડા ગામની સીમમાં સર્વે નંબર 58માં ખેડૂત વલ્લભ માવજી ધોળકીયાની ખેતીની જમીન આવેલી છે. તેમની નજીક તેમના ભાઈ લાલજી માવજી ધોળકીયા અને ઈશ્વર ભગવાન ધોળકીયાના ખેતરો પણ આવેલા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 13 ઓગસ્ટની રાત્રે કાનાતળાવ ગામના જહાભાઈ ભડીયાદ્રાના આશરે 35 જેટલા માલઢોર (Cattle Damage Farm) બંને ખેડૂતોના ખેતરમાં કોઈ મંજૂરી વિના ઘૂસી ગયા હતા. પશુઓએ ખેતરમાં વાવેલા જુવારના પાકને ચરી જતા પાકને નુકસાન અને ભેલાણ થયું હતું.
અંદાજે રૂ.70 હજારનું આર્થિક નુકસાન
માલઢોર દ્વારા જુવારનો પાક ચરી (Jowar Crop Damage) જવાથી બંને ખેડૂતોને મળીને અંદાજે રૂ.70 હજાર જેટલું આર્થિક નુકસાન થયું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. 14 ઓગસ્ટની સવારે ખેડૂતોએ ખેતરમાં જઈ પાકને થયેલા નુકસાનની ખાતરી કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલે સંબંધિત વ્યક્તિને જાણ કરવામાં આવી હતી.
રસ્તામાં મુલાકાત દરમિયાન બોલાચાલી
ફરિયાદ મુજબ, બપોર બાદ વલ્લભ અને ઈશ્વર ગાંગાવાડાથી સનેસ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જહાભાઈ ભડીયાદ્રા મળ્યા હતા. પાકને થયેલા નુકસાન મુદ્દે બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, જહાભાઈએ હવે પછી તેમના માલઢોર ખેતરમાં નહીં આવે તેવી વાત કરી હતી અને તેમના વિરુદ્ધ કેસ ન કરવા જણાવ્યું હતું.
“કેસ કરવો હોય તો કરો, મને કાંઈ ફેર નથી પડતો”
ખેડૂતોએ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા આરોપીએ કથિત રીતે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ખેડૂતના જણાવ્યા અનુસાર, આરોપીએ કહ્યું હતું કે, “તમારે કેસ કરવો હોય તો ભલે કરો, મને કાંઈ ફેર પડવાનો નથી.”આ ઘટનાને પગલે ખેડૂત વલ્લભ ધોળકીયાએ વેળાવદર ભાલ પોલીસ મથકે જહા વિહા ભડીયાદ્રા વિરુદ્ધ ફરિયાદ (Farmer Complaint) નોંધાવી છે.
પોલીસે તપાસ શરૂ કરી
વેળાવદર ભાલ પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ ઘટનાની હકીકત અને જવાબદારી અંગે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેના અપમાન મુદ્દે અમદાવાદમાં NSUIનો ઉગ્ર વિરોધ, હેલ્મેટ સર્કલ પર કાર્યકરોની અટકાયત
આ પણ વાંચો: રાજકોટ રૂરલમાં SMCનો મોટો દરોડો, વિંછીયાની વાડીમાંથી 1,556 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ
આ પણ વાંચો: ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પિતાના ગંભીર સવાલો, રેગિંગ મામલે નિષ્પક્ષ તપાસની માંગ
