National News/ જમીન પર પડેલું ફટાકડાનું પેકેટ બન્યું મોતનું કારણ, બે વર્ષના બાળકનો જીવ ગયો

છત્તીસગઢના સરગુજામાં બે વર્ષના બાળકે જમીન પર પડેલું લસણ બોમ્બનું પેકેટ મોઢામાં મૂક્યું હતું. વિસ્ફોટમાં (Garlic Bomb Blast) ગંભીર ઈજા બાદ હોસ્પિટલમાં મોત થયું.

Top Stories India Breaking News
Garlic Bomb Blast: 2 વર્ષના બાળકના મોઢામાં ફૂટ્યો લસણ બોમ્બ

Chhattisgarh News: છત્તીસગઢના સરગુજા (Sarguja) જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. સીતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાપારા ગામમાં બે વર્ષના બાળકના મોઢામાં ‘લસણ’ ફટાકડો (Garlic Bomb Blast) ફૂટી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકનું 11 નવેમ્બરની રાત્રે મોત (Two Year Old Child Death) થયું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના સમયે બાળક પાડોશના અન્ય એક બાળક સાથે રમી રહ્યું હતું. પાડોશી બાળક ‘લસણ’ પોપ-પોપ બોમ્બ ફોડી રહ્યું હતું. આ દરમિયાન બે વર્ષના બાળકે જમીન પર પડેલું ફટાકડાનું નાનું પેકેટ ઉઠાવી મોઢામાં મૂકી દીધું હતું. દબાણને કારણે ફટાકડો મોઢામાં જ ફૂટી ગયો હતો.

Garlic Bomb Blast: શું હોય છે ‘લસણ’ બોમ્બ?

‘લસણ’ બોમ્બ એક પ્રકારનો અવાજવાળો ફટાકડો છે. તેને જમીન પર પછાડવાથી ઘર્ષણ અથવા દબાણના કારણે વિસ્ફોટ થાય છે અને જોરદાર અવાજ આવે છે. આ જ પ્રકારના ફટાકડાનું નાનું પેકેટ બાળકના મોઢામાં ફૂટી જતાં તેના પેઢાંને ગંભીર ઈજા થઈ હતી અને મોઢામાંથી લોહી વહેવા લાગ્યું હતું.

બાળકના પિતાએ શું કહ્યું?

બાળકના પિતા ઇન્દ્રજીત માંઝીએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર બીજા બાળક સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે જમીન પર પડેલું ફટાકડાનું નાનું પેકેટ ઉઠાવી મોઢામાં મૂકી દીધું હતું. ત્યારબાદ મોઢામાં જ ફટાકડો ફૂટી ગયો હતો. પિતાના જણાવ્યા મુજબ, બાળકના મોઢામાં કયો ફટાકડો ગયો હતો તે તેઓ જોઈ શક્યા નહોતા.

બીજા દિવસે ફરી બગડી તબિયત

પિતાએ જણાવ્યું કે 9 નવેમ્બરે તેઓ બાળકને નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. લોહી વહેવાનું બંધ થતાં તેઓ બાળકને ઘરે લઈ આવ્યા હતા. જોકે, બીજા જ દિવસે તેની તબિયત બગડવા લાગી અને ફરીથી લોહી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ બાળકને ફરી ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યું હતું. 11 નવેમ્બરે તેને અંબિકાપુરની હોસ્પિટલમાં દાખલ કરાયું હતું, જ્યાં તે જ રાત્રે તેનું મોત થયું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૉક્ટરોએ બાળકના ગળા અને શ્વાસનળીની અંદર ફટાકડાના અવશેષો મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: દિવાળીના ટાણે સુગર મિલમાં મોટી દુર્ઘટના! પાણીની ટાંકી ધરાશાયી થતાં બે કામદારોનાં મોત, હોદ્દેદારોના જ્યુસ પીવાના દૃશ્યથી રોષ

આ પણ વાંચો: જેતપુર દિવાળીના મેળામાં દુર્ઘટના, રાઈડ્સમાં સવાર દંપતીને પહોંચી ગંભીર ઇજા

આ પણ વાંચો: દિવાળીની ખુશીઓ ગણતરીની પળોમાં માતમમાં ફેરવાઈ: ફુગ્ગાથી 13 વર્ષની બાળકીનું મોત