Tapi News: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામે (Dadariya Tapi) આવેલી કોપર કો-ઓપરેટિવ સુગર મિલમાં દિવાળીના તહેવાર ટાણે ગંભીર દુર્ઘટના (Valod Sugar Mill) સર્જાઈ છે. 5 નવેમ્બરની સાંજે મિલમાં પાણીની વિશાળ ટાંકી અચાનક ધરાશાયી થતાં બે કર્મચારીઓનાં મોત થયાં છે. કલાકોની શોધખોળ બાદ મોડી રાત્રે બંને કામદારોના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મિલની જાળવણી અને કામદારોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. બીજી તરફ, બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે મિલના કેટલાક હોદ્દેદારો ઠંડાં પીણાં અને જ્યુસ પીતા હોવાનો આક્ષેપ થતાં સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે.
Valod Sugar Mill: સાંજે ટાંકી ધરાશાયી થતાં અફરાતફરી
મળતી માહિતી મુજબ, 5 નવેમ્બરની સાંજે આશરે 5:30 વાગ્યે મિલમાં રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગરમ અને ઠંડા પાણીની વિશાળ ટાંકી અચાનક ધરાશાયી (Water Tank Collapse) થઈ હતી. ટાંકી તૂટી પડતાં મિલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. કાટમાળ નીચે કેટલાક કર્મચારીઓ દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ કાટમાળ હટાવી ગુમ થયેલા કર્મચારીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ મોડી રાત્રે બંને કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા.
બે પરિવારે ગુમાવ્યો સ્વજન
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કર્મચારીઓની ઓળખ અરુણ છોટુભાઈ પટેલ (54) અને ધર્મેશ ભીખુ પટેલ (35) તરીકે થઈ (Two Workers Dead) છે. અરુણ પટેલ કલકવા ગામના વતની હતા. તેમનો મૃતદેહ રાત્રે આશરે 12 વાગ્યે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે દાદરિયા ગામના રહેવાસી ધર્મેશ પટેલનો મૃતદેહ રાત્રે આશરે 2 વાગ્યે મળ્યો હતો. ધર્મેશના પરિવારમાં વૃદ્ધ માતા હોવાનું જણાવાયું છે.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. દિવાળીના તહેવાર પહેલાં જ બે પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
‘પપ્પાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો’
મૃતક અરુણ પટેલના પુત્ર જૈમિન પટેલે જણાવ્યું હતું કે તેમના પિતા બપોરે પરિવાર સાથે ભોજન કર્યા બાદ બપોરે 12થી રાત્રે 8 વાગ્યા સુધીની શિફ્ટમાં નોકરી પર ગયા હતા. સાંજે તેમના મિત્રોએ ફોન કરીને અરુણભાઈ નોકરી પર આવ્યા છે કે નહીં તે પૂછ્યું હતું. ત્યારબાદ જૈમિને પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આથી પરિવારની ચિંતા વધી ગઈ હતી.
મિલના મેન્ટેનન્સ અને સુરક્ષા સામે સવાલો
દુર્ઘટના બાદ મિલની જાળવણી અને કર્મચારીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, મિલની સ્થિતિ જર્જરિત છે અને મેન્ટેનન્સની કામગીરી યોગ્ય રીતે થતી નથી. ટાંકી ધરાશાયી થવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ જરૂરી છે.
કોપર સુગર મિલ મઢી, બારડોલી અને ચલથાણ સુગર મિલના સત્તાધીશો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે. મીડિયા દ્વારા સંપર્ક કરાતાં મિલના ચેરમેને રાત્રે 11:30 વાગ્યા સુધી તેમને ઘટનાની સંપૂર્ણ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. જોકે, ટાંકીની સ્થિતિ અને તેની જાળવણી અંગે સત્તાવાર તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહેશે.

બચાવ કામગીરી વચ્ચે હોદ્દેદારો જ્યુસ પીતા હોવાનો આક્ષેપ
આ ઘટનામાં વધુ વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે કાટમાળમાંથી કામદારોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મિલના કેટલાક હોદ્દેદારો ઠંડાં પીણાં અને જ્યુસ પીતા જોવા મળ્યાનો આક્ષેપ થયો હતો. એક તરફ બચાવ કામગીરી ચાલી રહી હતી અને મૃતકોના પરિવારજનો ચિંતામાં હતા, ત્યારે આવા દૃશ્યો સામે આવતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
આ મામલે ચર્ચામાં આવેલા નામોમાં મઢી સુગરના ચેરમેન સમીર ભક્તા, બારડોલી સુગરના જીતુ વાંસીયા, મઢી સુગરના ડેપ્યુટી ચેરમેન જીતુ બામણી, દાદરિયા કોપર સુગરના ચેરમેન કેતન પટેલ, વાલોડ APMCના હસુ ભક્તા અને ભાવેશ બાબેનનો સમાવેશ થાય છે.
આ અંગે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જીતુભાઈ પટેલે ફોન રિસીવ કર્યો નહોતો, જ્યારે હસુભાઈ ભક્તાએ પોતે કંઈ પીધું ન હોવાનું અને અન્ય લોકોએ ક્યારે જ્યુસ પીધું તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું.
હાલ આ દુર્ઘટનામાં ટાંકી ધરાશાયી થવાનું કારણ, મેન્ટેનન્સની સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે કેમ તે તપાસનો વિષય છે. સ્થાનિકો સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: તાપી: વ્યારા સુગર મિલ સામે ખેડૂતોના ધરણાં, ₹6 કરોડના બાકી નાણાં માટે 800થી વધુ ખેડૂતો મેદાનમાં
આ પણ વાંચો: સુગર મિલોને મળી શકે છે રાહત, ઇથેનોલ ઉત્પાદન પર સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
આ પણ વાંચો: ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટના: રસ્તા પર મિસાઈલની જેમ તૂટી પડ્યું જેટ, 9 લોકોનાં મોત
