New Delhi News : કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી 100 મિલિગ્રામથી વધુ નાઇમસુલાઇડ(nimesulide) ધરાવતી તમામ મૌખિક તાવ અને પીડા નિવારક દવાઓ (painkillers)ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) સાથે પરામર્શ કર્યા બાદ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે 100 mgથી વધુ નાઇમસુલાઇડ (nimesulide)ધરાવતી મૌખિક ફોર્મ્યુલેશન માનવ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે, જ્યારે તેની સામે વધુ સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે.

નાઇમસુલાઇડ (nimesulide) શું છે?
નાઇમસુલાઇડ (nimesulide)એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ (NSAID) છે, જે તાવ અને દુખાવા માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, આ દવા સંભવિત યકૃત ઝેરી અસર (લિવર ટોક્સિસિટી) અને અન્ય ગંભીર સાઇડ ઇફેક્ટ્સને કારણે વૈશ્વિક સ્તરે તપાસ હેઠળ રહી છે.
સરકારનું આ પગલું દવાઓના સલામતી ધોરણોને વધુ કડક બનાવવાના પ્રયાસોનો ભાગ છે. પ્રતિબંધ માત્ર માનવ ઉપયોગ માટેની ઉચ્ચ-ડોઝ નાઇમસુલાઇડ (nimesulide) દવાઓ પર લાગુ પડશે, જ્યારે ઓછી માત્રાવાળી દવાઓ અને અન્ય વિકલ્પો ઉપલબ્ધ રહેશે.
આ પ્રતિબંધની અસર શું થશે?
નાઇમસુલાઇડ (nimesulide)આધારિત દવાઓનું માર્કેટિંગ કરતી ફાર્માસ્યુટિકલ કંપનીઓને તાત્કાલિક ઉત્પાદન બંધ કરવું પડશે અને બજારમાં રહેલા અસરગ્રસ્ત બેચ પાછા ખેંચવા પડશે. વિશ્લેષકોના મતે, મોટી ફાર્મા કંપનીઓ પર આ નિર્ણયની નાણાકીય અસર મર્યાદિત રહેશે, કારણ કે કુલ NSAID વેચાણમાં નાઇમસુલાઇડ (nimesulide) નો હિસ્સો ઓછો છે. પરંતુ નાની કંપનીઓ, જે આ દવા પર વધુ નિર્ભર છે, તેમને આવકમાં દબાણનો સામનો કરવો પડી શકે છે.
સરકારએ આ નિર્ણય કેમ લીધો?
ભારત સરકાર અગાઉ પણ જાહેર આરોગ્યના હિતમાં કલમ 26A હેઠળ અનેક ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન અને ઉચ્ચ જોખમ ધરાવતી દવાઓ પર પ્રતિબંધ મૂકી ચૂકી છે. સાથે સાથે, દેશે સ્થાનિક સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API)ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે.
આ યોજના અંતર્ગત સપ્ટેમ્બર 2025 સુધીમાં બલ્ક ડ્રગ પાર્ક પ્રોત્સાહન માટે સાડા ત્રણ વર્ષમાં કુલ ₹4,763.34 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
