Rahul Gandhi Supreme Court Hearing: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના અને ચીની સૈનિકોને લઈને કરવામાં આવેલા કથિત નિવેદનનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી સામે રાહુલ ગાંધીએ કરેલી અપીલ પર સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે આ કેસને વહેલી સુનાવણી માટે અલગથી લેવાની માગ કરી હતી.
ફરિયાદી પક્ષે વહેલી સુનાવણીની માગ કરી
ફરિયાદી તરફથી સિનિયર એડવોકેટ ગૌરવ ભાટિયા સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે આ કેસ અગાઉ પણ અનેક વખત મુલતવી રહ્યો છે. તેથી તેને અન્ય કેસોથી અલગ કરીને વહેલી સુનાવણી માટે લેવામાં આવે. ભાટિયાએ દલીલ કરી કે આ મામલો અગાઉ પણ લિસ્ટ થયો હતો, પરંતુ ત્યારે સુનાવણી થઈ શકી નહોતી. તેમણે કોર્ટને જણાવ્યું કે આશરે પાંચ મહિના પહેલાં પણ કેસ સુનાવણી માટે આવ્યો હતો, પરંતુ કાર્યવાહી આગળ વધી નહોતી.

‘Rahul Gandhi કોઈ VIP નથી’
સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલે એવો મુદ્દો ઉઠાવ્યો કે રાહુલ ગાંધીને(Rahul Gandhi ) કોઈ વિશેષ પ્રાથમિકતા આપવી જોઈએ નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાહુલ ગાંધી કોઈ VIP નથી અને તેથી આ કેસને સામાન્ય પ્રક્રિયા મુજબ જ સ્વતંત્ર રીતે સાંભળવો જોઈએ. ફરિયાદી પક્ષે એવો પણ દાવો કર્યો કે નક્કી થયેલી કેટલીક તારીખોમાં યાચિકાકર્તા હાજર થયા નહોતા, જેના કારણે કેસ આગળ વધવામાં વિલંબ થયો.
CJIએ કહ્યું- કોર્ટમાં બધા સમાન
ફરિયાદી પક્ષની દલીલો બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટમાં દરેક પક્ષ માટે એકસરખી પ્રક્રિયા લાગુ પડે છે. કોઈ વ્યક્તિની ઓળખ કે પદના આધારે કેસને અલગ પ્રાથમિકતા આપી શકાય નહીં. CJIએ ગૌરવ ભાટિયાને વહેલી સુનાવણી માટે નિયમિત અને યોગ્ય અરજી દાખલ કરવા જણાવ્યું. કોર્ટ અરજી પર વિચાર કર્યા બાદ આગળનો નિર્ણય કરશે. આ રીતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો કે કેસની વહેલી સુનાવણીની માગ પણ નિર્ધારિત કાનૂની પ્રક્રિયા મારફતે જ આગળ વધશે. હવે ફરિયાદી પક્ષ(Rahul Gandhi ) તરફથી કરવામાં આવતી અરજી અને તેના પર કોર્ટના આગામી નિર્ણય પર નજર રહેશે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં વંદે માતરમ ગાન પર રાજકીય વિવાદ, કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સને આપી ટકોર
આ પણ વાંચો:વંદે માતરમના ગાનને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે, સોનિયા ગાંધી પર આરોપ
આ પણ વાંચો: વંદે માતરમ વિવાદ: ખડગેએ ભાજપને આપ્યો જવાબ, કહ્યું- ‘જો ગુનો છે તો ગાંધી-નેહરુ સામે પણ કેસ કરો’
