બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે ત્યારે નેતાઓ ભાષાની મર્યાદા ભુલીને બેફામ નિવેદનો કરી રહ્યા છે. આવું જ એક નિવેદન બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ તરફથી આવ્યું છે. દિલીપ ઘોષે મમતા બેનરજીની પગની ઇજાને લઇને એક અત્યંત શરમજનક નિવેદન આપ્યું છે. તેમણે બોલવાનો વિવેક ગુમાવતા કહ્યું કે મમતાએ સાડીના બદલે બરમૂડા પહેરવાની જરુર છે, જેથી તેમનો પગ ઠીકથી જોઇ શકાય.

દિલીપ ઘોષ અગાઉ પણ વિવાદિત નિવેદનો કરી ચૂક્યા છે. ઘોષે કહ્યું કે પ્લાસ્ટર કપાઇ ગયું છે, ક્રેપ બેન્ડેજ બાંધવામાં આવ્યું છે અને પગ ઉઠાવી-ઉઠાવી બધાને બતાવી રહી છે. સાડી પહેરેલી છે. એક પગ ખુલ્લો અને એક પગ ઢંકાયેલો છે. આવી સાડી પહેરેલી કોઇને નહીં જોઇ હોય? જ્યારે પગ ખુલ્લો જ રાખવો હતો તો સાડી કેમ બરમુડા પહેરી શકે છે.
દિલીપ ઘોષના બરમૂડાવાળા નિવેદન પર ટીએમસીના નેતાઓ ઉકળી ઉઠ્યા છે. ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાએ દિલીપ ઘોષ પર પલટવાર કરતા કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળના અધ્યક્ષે જાહેર સભામાં પૂછ્યું કે મમતાએ સાડી કેમ પહેરી છે, તેમણે પોતાના પગ સારી રીતે બતાવવા માટે બરમૂડા પહેરવા જોઇએ. અને આ વાંદરાઓને લાગે છે કે તેઓ બંગાળ જીતવા જઇ રહ્યા છે?
અગાઉ પણ થયા છે વિવાદિત નિવેદનો
મમતા બેનરજીના પગની ઇજા પર અગાઉ પણ નિવેદનબાજી થઇ ચુકી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે દીદીએ પોતાનો રિપોર્ટ સાર્વજનિક કરવો જોઇએ. રક્ષામંત્રીએ પણ સહાનુભૂતિ બતાવીને વોટ માંગવાની રાજનીતિ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. પરંતુ લાગે છે કે મમતાની ઇજા પર બંગાળ ભાજપ અધ્યક્ષની જીભ થોડીક વધારે જ ખુલી ગઇ.
