Gandhinagar News: ગાંધીનગરના જાણીતા ગિફ્ટ સિટી (Gift City Scam)માં રોકાણના નામે કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. “શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ” નામની કંપનીએ વધુ નફાની લાલચ આપીને હજારો લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા. હવે કંપનીની ઓફિસોને તાળા લાગી જતા હજારો રોકાણકારો પોતાના પૈસા માટે ચક્કર મારી રહ્યા છે.
Gift City Scam માં રોકાણના નામે મોટો ફ્રોડ
માહિતી મુજબ, કંપનીએ “ટેરાબાઇટ ડેટા સ્પેસ”માં રોકાણ કરવાની અનોખી સ્કીમ રજૂ કરી હતી. રોકાણકારોને કહેવામાં આવતું હતું કે તેઓ જેટલું રોકાણ કરશે તેના બદલામાં તેમને ડિજિટલ સ્ટોરેજ મળશે અને આ સ્ટોરેજ ભાડે આપવાથી દર મહિને નિશ્ચિત આવક મળશે.
કંપની દ્વારા 38,940 રૂપિયાના 1 TB પેકેજ સામે દર મહિને 1,650 રૂપિયાનું વળતર આપવાની ખાતરી આપવામાં આવતી હતી. ઉપરાંત 4 TB, 10 TB, 20 TB અને 80 TB સુધીના પેકેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી કંપની સમયસર રકમ ચૂકવતી હોવાથી લોકોનો વિશ્વાસ મજબૂત બન્યો હતો.આ વિશ્વાસના આધારે અનેક લોકોએ મોટી રકમનું રોકાણ કર્યું હતું. કેટલાક લોકોએ ઘર ગીરવી મૂકી અને લોન લઈને પણ લાખો-કરોડો રૂપિયા રોક્યા હોવાનું સામે આવ્યું છે.
Gift City Scam માં રોકાણના નામે મોટો ફ્રોડ
કંપનીએ મલ્ટીલેવલ માર્કેટિંગનો સહારો લઈને પોતાનું નેટવર્ક ઝડપથી વિસ્તરાવ્યું હતું. નવા રોકાણકારો જોડવા બદલ ભારે કમિશન અને મોંઘી ભેટોની ઓફરો આપવામાં આવતી હતી. સ્માર્ટફોન, મેકબૂક, લક્ઝુરિયસ કાર અને ક્રૂઝ ટ્રિપ જેવી લાલચો આપી લોકોને વધુ રોકાણકારો લાવવા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.
ગુજરાત ઉપરાંત રાજસ્થાન (Rajasthan), ઉત્તરપ્રદેશ (Uttar Pradesh), દિલ્લી (Delhi) અને જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) સુધી કંપનીએ પોતાના પ્રચાર કાર્યક્રમો યોજ્યા હતા. મોટી ઓફિસો અને ભવ્ય મિટિંગો દ્વારા લોકોમાં વિશ્વાસ ઉભો કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલામાં કંપનીના ડિરેક્ટર ઉત્પલ પટેલનું નામ મુખ્યરૂપે સામે આવ્યું છે. માહિતી અનુસાર કંપની માર્ચ 2023માં શરૂ થઈ હતી અને ત્યારથી ઉત્પલ પટેલ કંપનીનો મુખ્ય ચહેરો રહ્યો હતો. હવે ઓફિસો બંધ થઈ જતાં રોકાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રોકાણકારોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કંપની તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવી રહ્યો નથી. ફોન પર માત્ર એકાઉન્ટ ફ્રિઝ હોવાની વાત કરવામાં આવી રહી છે. અંદાજે 33 હજારથી વધુ લોકોના રૂપિયા આ કૌભાંડ (Scam)માં ફસાયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.હવે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી રહી છે અને રોકાણકારો સરકાર તથા પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:એકાઉન્ટ ફ્રીઝ થતાં પરિસ્થિતિ ગંભીર થઈઃ GIFT Cityના કૌભાંડી ઉત્પલ પટેલનો દાવો
આ પણ વાંચો:ગુજરાતમાં Gift City Scamની આડમાં 400 કરોડથી વધુ રૂપિયાના સ્કેમનો પર્દાફાશ
આ પણ વાંચો:GIFT Cityમાં સ્થાપિત થશે ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, 2026ની શરૂઆતમાં ગુજરાતને AIની ભેટ
