Bihar Transport Department Order: આપણા દેશમાં વાહનો પર પોતાના પદ, પ્રતિષ્ઠા કે જાતિના સ્ટીકરો લગાવવાનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. નંબર પ્લેટ હોય કે વાહનની પાછળનો કાચ, લોકો અવારનવાર જાતિસૂચક શબ્દો લખાવતા હોય છે. પરંતુ હવે આવા શોખ રાખનારા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન પર નંબર પ્લેટ સિવાય કંઈ પણ લખવું ગુનો છે, અને હવે એક રાજ્યએ આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.
Bihar સરકારનો કડક આદેશ
બિહારના પરિવહન વિભાગે એક સીધો અને સ્પષ્ટ આદેશ જાહેર કર્યો છે કે, તમામ વાહન માલિકોએ એક મહિનાની અંદર પોતાના વાહનો પરથી જાતિસૂચક શબ્દો અથવા સ્ટીકરો હટાવી દેવા પડશે. જો આ સમયગાળા પછી પણ કોઈ વાહન પર આવા શબ્દો જોવા મળશે, તો ટ્રાફિક પોલીસ વિશેષ અભિયાન ચલાવીને વાહન માલિકને ₹2,000નો દંડ ફટકારશે.

મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી
આ આદેશ માત્ર મૌખિક નથી, પરંતુ કાયદાકીય છે. નિયમનું ઉલ્લંઘન કરનારા વાહન માલિકો સામે મોટર અધિનિયમ-1988ની કલમ 177 અને 179 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વિભાગનું માનવું છે કે વાહનો પર જાતિ કે પદનું પ્રદર્શન કરવાથી સામાજિક સૌહાર્દ જોખમાય છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે.
AI કેમેરા રાખશે બાજ નજર
નિયમોનું પાલન કરાવવા માટે બિહાર સરકારે ટેકનોલોજીનો સહારો લીધો છે. રાજ્યમાં 700 જેટલા સ્થળો પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કેમેરા થી સજ્જ ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) લગાવવામાં આવી રહી છે. આ કેમેરા દોડતા વાહનો પર લખેલા આવા શબ્દોને ઓળખી કાઢશે અને સીધો ઈ-ચલાણ વાહન માલિકના ઘરે પહોંચી જશે.
શું ગુજરાતમાં પણ અમલી બનશે આ નિયમ?
હાલમાં આ કડક આદેશ બિહારમાં લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ અગાઉ ઉત્તર પ્રદેશમાં પણ આવા જ કડક પગલાં લેવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ ટ્રાફિક પોલીસ અવારનવાર નંબર પ્લેટ પર લખેલા નામો કે હોદ્દાઓ સામે દંડનીય કાર્યવાહી કરતી જ હોય છે. જો અન્ય રાજ્યોમાં આ પ્રયોગ સફળ રહેશે, તો આગામી સમયમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વાહનો પરથી ‘જાતિના પાટિયાં’ ઉતરી જાય તેવા કડક નિયમો જોવા મળી શકે છે.
આ પણ વાંચો: બિહારમાં ‘ગંભીરા બ્રિજ’ જેવી દુર્ઘટના, ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા પુલનો સ્લેબ તૂટ્યો
આ પણ વાંચો: બિહારના CM સમ્રાટ ચૌધરીને જાનથી મારવાની ધમકીઆપનાર આરોપી સાણંદથી ઝડપાયો
આ પણ વાંચો: બિહારના રાજકારણમાં એક યુગનો અંત, નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું
